ધર્મકુમારસિંહજી (જ. એપ્રિલ 1917; અ. જાન્યુઆરી 1986) : ભાવનગરના રાજકુટુંબના સભ્ય, નિસર્ગ અને વન્યપ્રાણી-સૃષ્ટિ વિષયના તજ્જ્ઞ અને ભારતના પ્રખ્યાત પક્ષીવિજ્ઞાની (Ornithologist). રાજકુમાર શ્રી ધર્મકુમારસિંહજી ભાવનગરના ભૂતપૂર્વ મહારાજા સર ભાવસિંહજી(બીજા)ના ત્રીજા નંબરના પુત્ર અને ભાવનગર રાજ્યના છેલ્લા રાજવી કૃષ્ણકુમારસિંહજીના સૌથી નાના ભાઈ. પિતાનું છત્ર ત્રીજા વર્ષે જ ગુમાવવાથી તેમનો રાજવી પરંપરા મુજબનો ઉછેર મહારાજા કૃષ્ણકુમારસિંહજીની નિશ્રામાં થયો. બાળપણથી જ તેમને ઇંગ્લૅન્ડની સ્ટેનમોરની પ્રાથમિક શાળામાં અને બાદમાં હેરોની શાળામાં ભણવા મોકલ્યા. ભારતમાં પાછા આવ્યા બાદ શામળદાસ કૉલેજ(ભાવનગર)માં પ્રાણીશાસ્ત્રનો સ્નાતક-કક્ષાનો અભ્યાસ ડૉ. વિ. પી. વર્દે, D.Sc.; F.R.E.S.ની રાહબરી નીચે કર્યો. તે જમાનામાં શામળદાસ કૉલેજ સૌરાષ્ટ્રમાં પ્રથમ નંબરની કૉલેજ હતી.

રાજકુટુંબમાં ઉછેર અને ઇંગ્લૅન્ડની શિક્ષણપ્રણાલીના પ્રભાવથી નિસર્ગ-પ્રેમ તેમની જીવનશૈલીનો એક ભાગ બની ગયો. શાલેય જીવન દરમિયાન પક્ષી-નિરીક્ષણ કે પક્ષીનાં ઈંડાં ભેગાં કરવાનો છંદ લાગ્યો. રાજપુત્રના નાતે ઊડતાં પક્ષીઓના શિકાર માટે બાજ પક્ષીનો ઉપયોગ કે પાળેલા ચિત્તા મારફત હરણ કે કાળિયારનો શિકાર કરવો એ તેમના શોખનો વિષય બની ગયો. અન્ય રાજકુમારોની પરંપરા મુજબ પ્રિન્સ ધર્મકુમારસિંહજી વાઘ, સિંહથી માંડીને હંસ અને બતકનો શિકાર કરતા; પરંતુ તેમની વિચક્ષણ વિશ્લેષક ક્ષમતાને કારણે તેઓ અન્ય રાજપુત્રો કરતાં જુદા પડ્યા. તેઓ પ્રાણી-પક્ષીઓની ખાસિયતોની નોંધ રાખવા માંડ્યા. તેમણે 1950માં મોટી ઘોરડ (Great Indian Bustard) અને ખડ મોર (લેસર ફ્લૉરિકન) જેવાં પક્ષીઓની રહેણીકરણી કે વર્તન અંગેનો અભ્યાસપૂર્ણ અહેવાલ તૈયાર કર્યો.

શિકારી ધર્મકુમારસિંહજીનાં વીસ વર્ષના સતત નિરીક્ષણ અને ઊંડા અભ્યાસના ફલસ્વરૂપ તેમણે ભારતને ‘Birds of Saurastra’ નામનો સચિત્ર દળદાર ગ્રંથ આપ્યો. આ ગ્રંથ જે તેમણે મહારાજા કૃષ્ણકુમારસિંહજીને અર્પણ કર્યો છે, તે ગુજરાત–સૌરાષ્ટ્રના પક્ષી-પ્રેમીઓ માટે બાઇબલ સમાન છે. આ ગ્રંથમાં 300 ઉપરાંત પક્ષીઓનાં નામ ગુજરાતીમાં આપ્યાં છે. કેટલાંકને નવાં નામ પણ આપ્યાં છે. તેમણે ભાવનગર ખાતે લાવરી(Sand Lark)ની નવી પેટાજાતિ શોધી કાઢી, તેનું વૈજ્ઞાનિક નામ Calandrella raytal Krishnakumarsinhji (Vaurie & Dharmakumarsinhji) આપ્યું. તેમના આ ગ્રંથ ઉપરાંત તેમણે કુમાર શ્રી લવકુમાર ખાચરની સાથે ‘Sixty Indian Birds’ નામનું લોકભોગ્ય પુસ્તક પણ તૈયાર કરી આપ્યું.

કૃષ્ણકુમારસિંહજી એક આદર્શ રાજવી હતા. તેમનો સૌરાષ્ટ્ર રાજ્યના ઘડતરમાં અમૂલ્ય ફાળો હતો. ભારત સરકારે તેમને મદ્રાસ(ચેન્નાઈ)ના ગવર્નર તરીકે નીમ્યા હતા. ધર્મકુમારસિંહજી ‘બાપા’ના હુલામણા નામથી જાણીતા હતા. તેમનો ભારતની વન્ય પ્રાણીસૃષ્ટિના સંરક્ષણમાં મહત્વનો ફાળો રહ્યો છે. અન્ય રાજવીઓની માફક તેઓ માત્ર શિકારી ન હતા. તેઓ નિસર્ગ, વન્ય પ્રાણી અને પક્ષીઓના પ્રખર અભ્યાસી હતા. ગીરનાં જંગલો અને સિંહ તેમનો ખાસ વિષય હતો. રાજકુમાર શ્રી ધર્મકુમારસિંહજી ઇ.પી. ગી (E.P. Gee) અને રાજકોટની રાજકુમાર કૉલેજના પ્રિન્સિપાલ એમ.એ. વિન્ટર–બ્લિથે સાથે મળીને એશિયાટિક સિંહો(Panthera leo, persica)ની સૌથી પ્રથમ વસ્તીગણતરી કરી આપી. તેમની વન્ય પ્રાણીઓની વસ્તીગણતરીની પ્રથા ભારતમાં વાઘ અને અન્ય પ્રાણીઓની વસ્તીગણતરી માટે નમૂનેદાર પદ્ધતિ બની રહી. 1959માં ધર્મકુમારસિંહજીનું ‘A Field Guide to Big Game Census in India’ નામનું પુસ્તક આ વિષયનું ઉત્તમ પુસ્તક ગણાય છે.

મુંબઈ રાજ્યના વન્ય પ્રાણી સંરક્ષક અધિકારી તરીકે વન્ય પ્રાણીઓનાં સંરક્ષણ અને તેમાંથી ઉદભવતા સામાજિક પ્રશ્નો અંગે તેમણે વિસ્તૃત અહેવાલ તૈયાર કર્યો હતો (1971–72). તેમણે આ કામગીરી વર્લ્ડ વાઇલ્ડ લાઇફ ફંડ  – ઇન્ડિયા માટે પાર પાડી. તેઓ મહારાષ્ટ્ર અને રાજસ્થાનના વાઇલ્ડ લાઇફ બોર્ડના સલાહકાર પણ હતા. તેમણે ભારતના Indian Board of Wild Lifeના વાઇસ-ચૅરમૅનના પદે વર્ષો સુધી સેવા આપી. તેમણે 118 જેટલા લેખો લખ્યા; જે પૈકી ત્રણ લેખો તેમના અવસાન પછી પ્રસિદ્ધ થયા. ગિરનાર પર્વત ઉપરની વનસ્પતિ કે હરિયાળીનો જે રીતે નાશ થઈ રહ્યો હતો તેનું તેમને ખૂબ દુ:ખ થતું હતું. ‘ડુંગરા નિર્વસ્ત્ર બની રહ્યા છે’ તેવું તેઓ હંમેશાં કહેતા. નિસર્ગની પુન:સ્થાપના માટેનો ઍક્શન પ્લાન તેમણે તૈયાર કર્યો હતો. તેમનું ભારતના વન્ય પ્રાણી-સંરક્ષણ અંગેનું ‘A New Deal’ નામનું પુસ્તક પૂર્ણ કરવા તેઓ વધુ જીવ્યા નહીં. તેમનાં પુત્રી મારફત પ્રકાશિત થયેલું ‘Reminiscences of Indian Wild Life’ તેમના અવસાન બાદ બહાર પડ્યું. ભારતીય રાજવીઓ દ્વારા લખાયેલાં શિકારનાં પુસ્તકોમાં આ કદાચ છેલ્લું પુસ્તક હશે.

રા. ય. ગુપ્તે