ધરો : વનસ્પતિના એકદળી વર્ગમાં આવેલા કુળ પોએસીની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Cynodon dactylon Pers. (સં. दुर्वा, हरितली; હિં. दुब, हरितली, બં.દુર્બા, દુભ, દુબ્બા; ચ-હરિયાલી, કરાલા, તા.અરગુમ-પુલ્લુ, હરિયાલી; તે. ગેરિયા ગડ્ડી, હરવાલી; ક્ધનડ-કુડીગારીકાઈ, ગારીકાઈહાલ્લુ; પં. ધુબ ખાબ્બાલ, તલ્લા, અં. bermuda or bahama grass) છે.

તે સખત, બહુવર્ષાયુ, ભૂપ્રસારી અને શાકીય જાતિ છે અને ગાંઠ પરથી મૂળ ઉત્પન્ન કરી ભૂમિની સપાટી પર પથરાઈને જાજમ બનાવે છે. સમગ્ર ભારતમાં 2,400 મી.ની ઊંચાઈ સુધી ખાસ કરીને રસ્તાઓની કે પગદંડીની બંને બાજુએ ઊગી નીકળે છે અને કોઈ પણ બિનખેડાણ ભૂમિ પર છવાઈ જાય છે. તે આલ્કેલાઇન સહિત બધા જ પ્રકારની ભૂમિ પર થાય છે. લગભગ આખા વર્ષ દરમિયાન તેના પર પુષ્પનિર્માણ થાય છે. તેનું પ્રસર્જન કટકા દ્વારા કે મૂળ દ્વારા થાય છે.

તેનાં લીલાં શુષ્ક પર્ણોના વિશ્લેષણમાં ટકાવારી પ્રમાણે અશુદ્ધ પ્રોટીન 10.47, રેસા 28.17, N-મુક્ત નિષ્કર્ષ 47.81, ઈથર-નિષ્કર્ષ 1.8 અને કુલ ભસ્મ 11.75 ટકા હોય છે. ભસ્મનાં ખનિજ ઘટકો : HCl માં દ્રાવ્ય ભસ્મ, 5.60, CaO, 0.77; P2O5, 0.59; MgO, 0.34; Na2O, 0.23 અને K2O; 2.08 ટકા માલૂમ પડ્યાં છે.

તે લૉન અને દર્ભસ્થલ (turf) માટે ઉપયોગમાં લેવાતાં શ્રેષ્ઠ તૃણ પૈકીનું એક છે. તે સારું ભૂમિબંધક (soil binder) ગણાય છે અને ભૂક્ષરણ (soil erosion) અટકાવવા માટે તેની ભલામણ કરવામાં આવે છે.

ધરોનાં પર્ણ અને પુષ્પ

આ તૃણ કૃષ્ય ભૂમિમાં એક વાર જામી ગયા પછી તેને કાઢવું ખૂબ મુશ્કેલ હોય છે. તે નાશક જીવ (pest) તરીકે વર્તે છે અને ચારે તરફ ભૂસ્તારીની જાડી જાળ રચી ધાન્યોને પોષણની ર્દષ્ટિએ અત્યંત હાનિ પહોંચાડે છે. તેનો નાશ કરવા ઊંચા તાપમાને ભૂમિને ઊંડી ખેડવી આવશ્યક છે.

વનસ્પતિનો ઉકાળો મૂત્રલ (di-uretic) હોય છે. અને જલશોફ (dropsy) અને દેહશોફ(anasarea)માં ઉપયોગી ગણાય છે. તેનો રસ સંકોચક (astringent) હોય છે અને રુધિર સ્રવતા છેદ કે વ્રણ પર લગાડવામાં આવે છે. તેનાં મૂળ અને ગાંઠામૂળી Agropyron repens Beauv.(couch grass)ની ગાંઠામૂળીની અવેજીમાં કે અપમિશ્રક (adulterant) તરીકે મૂત્ર-જનનાંગોના રોગોમાં વપરાય છે.

લીલી ધરો અતિ મધુર, કડવી, શીતળ, રુચિકર, સંજીવન અને રક્તશોધક છે અને રક્તપિત્ત, અતિસાર, તાવ, પિત્ત, ઊલટી, કફ, રક્તરોગ, વિસર્પ, તૃષા, દાહ અને ચર્મદોષનો નાશ કરે છે.

તેની બીજી જાતિ C.plectostachyum Pilger.(ગુ. તારા ઘાસ) છે. તે પૂર્વ આફ્રિકાનું તૃણ છે. ભારતમાં ખૂબ ઓછા પ્રમાણમાં થતી જાતિઓ પૈકી કેટલીક તો C.dactylonની જાતો છે અને સ્થાનિક રીતે તેનો ઉપયોગ ચારા તરીકે થાય છે.

બળદેવભાઈ પટેલ