દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ

March, 2016

દેશમુખ, ચિંતામણ દ્વારકાનાથ (જ. 14 જાન્યુઆરી 1896, નાતા, કોલાબા જિ., મહારાષ્ટ્ર; અ. 2 ઑક્ટોબર 1982, હૈદરાબાદ) : વિચક્ષણ બુદ્ધિમત્તા ધરાવતા સનદી અધિકારી, બૅંકિંગ અને નાણાક્ષેત્રના નિષ્ણાત, ભારતીય રિઝર્વ બૅંકના પ્રથમ ભારતીય ગવર્નર તથા ભારતના ભૂતપૂર્વ નાણાપ્રધાન. પિતા મહાડ તાલુકાનાં ગામોમાં વકીલાત કરતા હતા. માતાનું નામ ભાગીરથી. પ્રાથમિક શિક્ષણ મહાડ તાલુકાની શાળાઓમાં અને માધ્યમિક તથા ઉચ્ચ શિક્ષણ મુંબઈ તથા ઇંગ્લૅન્ડમાં. 1912માં એલ્ફિન્સ્ટન હાઈસ્કૂલ, મુંબઈથી બૉમ્બે યુનિવર્સિટી દ્વારા લેવાયેલી મૅટ્રિકની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પાસ કરી અને સંસ્કૃત વિષયમાં જગન્નાથ શંકરશેટ શિષ્યવૃત્તિ ઉપરાંત બે અન્ય શિષ્યવૃત્તિઓ પ્રાપ્ત કરી. 1913માં મુંબઈની જ એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી તે જ યુનિવર્સિટીની પ્રીવિયસની પરીક્ષા પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન સાથે પાસ કરી અને સંસ્કૃત વિષયની શિષ્યવૃત્તિ અને અંગ્રેજી વિષયનું પારિતોષિક મેળવ્યાં. તે પૂર્વે તે જ વર્ગમાં કૉલેજની વર્ષાન્ત પરીક્ષામાં ગણિત વિષયમાં સો ટકા ગુણ મેળવી ગણિત વિષયનું પારિતોષિક પ્રાપ્ત કર્યું હતું.

ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ

1914ની ઇન્ટરમીડિયેટની પરીક્ષામાં પણ પ્રથમ વર્ગમાં પ્રથમ સ્થાન મેળવ્યું તથા સંસ્કૃત અને ઇતિહાસ વિષયમાં યુનિવર્સિટીનાં પારિતોષિકો અને ગણિતમાં કૉલેજનું પારિતોષિક મેળવેલાં. દરમિયાન કૉલકાતાની સંસ્કૃતની અખિલ ભારતીય પરીક્ષામાં તેમણે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. 1915માં ઇંગ્લૅન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીની જિસસ કૉલેજમાં વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ભૂસ્તરશાસ્ત્ર વિષયોમાં ટ્રાઇપૉસ માટે જોડાયા અને 1916 તથા 1917માં તેની અનુક્રમે પાર્ટ 1 અને પાર્ટ 2 પરીક્ષાઓ પ્રથમ વર્ગમાં પસાર કરી; જેમાં પાર્ટ 1 પરીક્ષામાં વનસ્પતિશાસ્ત્રનું ફ્રૅન્ક સ્માર્ટ પારિતોષિક અને કૉલેજની શિષ્યવૃત્તિ તથા પાર્ટ 2ની પરીક્ષામાં કૉલેજ ફાઉન્ડેશન શિષ્યવૃત્તિ મેળવી. 1918માં આઈસીએસની સનદી પરીક્ષામાં પ્રથમ સ્થાન મેળવ્યું અને વિક્રમ પ્રસ્થાપિત કર્યો. દરમિયાન લંડનની કિંગ્ઝ કૉલેજમાં ઉચ્ચશિક્ષણ ચાલુ રાખ્યું તથા સાથોસાથ બાર-ઍટ-લૉની શરૂઆતની બે પરીક્ષાઓ પાસ કરી, જોકે આ પદવી માટેની કેટલીક સંલગ્ન ઔપચારિકતાઓ બાકી રહી જવાથી તેમને બૅરિસ્ટરની પદવી 1963માં પ્રાપ્ત થઈ હતી.

1920માં ભારત આવ્યા ત્યારે સનદી નોકરીમાં જોડાવાને બદલે સ્વાતંત્ર્યસંગ્રામમાં ઝંપલાવવાનું વિચાર્યું. પરંતુ સ્વતંત્ર ભારતને ઉચ્ચ પદો પર કામ કરવા માટે નિષ્ઠાવાન અધિકારીઓની પણ જરૂર પડશે એમ માનીને તેમણે તેનો અનુભવ લેવા માટે સરકારી નોકરીમાં જોડાવું જોઈએ એવી લોકમાન્ય ટિળકે તેમને આપેલી સલાહ શિરોમાન્ય ગણીને આઇસીએસ અધિકારી તરીકે કારકિર્દી શરૂ કરી તથા 1920–39 દરમિયાન ઉચ્ચ સરકારી પદો પર કામ કર્યું અને બાહોશ તથા કાર્યક્ષમ અધિકારી તરીકે પંકાયા.

1939માં રિઝર્વ બૅંકના સેન્ટ્રલ બૉર્ડના સચિવપદે, 1941–43 દરમિયાન તે બૅંકના ડેપ્યુટી ગવર્નરપદે અને ત્યારપછી 1949 સુધી તેના પ્રથમ ભારતીય ગવર્નર તરીકે કામ કર્યું. તેમના પ્રસ્તાવોને આધારે 1949માં આ બૅંકનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું. 1949માં રિઝર્વ બૅંકમાંથી નિવૃત્ત થયા અને ભારતના પ્રથમ આયોજન પંચના સભ્ય તરીકે વરણી થઈ. 1949–50 દરમિયાન વિદેશો સાથે ભારત વતી વ્યાપારી કરાર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી. 1950–56 દરમિયાન ભારત સરકારના નાણાપ્રધાન તરીકે શકવર્તી કાર્ય કર્યું. આ પદ પરની તેમની કારકિર્દી દરમિયાન પ્રથમ પંચવર્ષીય યોજનાનો સફળ અમલ થયો, અનાજનું ઉત્પાદન વધ્યું, સામાન્ય ભાવસપાટી તથા ખાસ કરીને અનાજના ભાવોમાં ઘટાડો થયો અને તે ઉપરાંત 1955માં ઇમ્પીરિયલ બૅંક ઑવ્ ઇન્ડિયાનું જાહેર ક્ષેત્રની બૅંક તરીકે સ્ટેટ બૅંક ઑવ્ ઇન્ડિયામાં રૂપાંતર થયું તથા 1956માં જીવનવીમાના રાષ્ટ્રીયકરણ દ્વારા સમાજવાદી સમાજરચનાનાં મંડાણ થયાં. ભાષાના ધોરણે દેશનાં રાજ્યોની પુનર્રચના થતાં મુંબઈ શહેરના પ્રશ્ને કેન્દ્રીય મંત્રીમંડળ સાથે મતભેદ થતાં 1956માં નાણાપ્રધાન પદનું રાજીનામું આપ્યું. 1956–60 દરમિયાન વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ(UGC)ના પ્રથમ અધ્યક્ષ અને 1960– 63 દરમિયાન દિલ્હી યુનિવર્સિટીના કુલપતિ જેવાં પદો શોભાવ્યાં.

1920–63 દરમિયાનની તેમની જાહેર કારકિર્દી દરમિયાન તેમણે સરકારી પદો ઉપરાંત દેશવિદેશની અનેક સંસ્થાઓ જેવી કે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળ, વિશ્વબૅંક; ઇન્ડિયન સ્ટૅટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, કૉલકાતા; ઇન્ડિયા બુક ટ્રસ્ટ; ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર, નવી દિલ્હી; સંયુક્ત રાષ્ટ્રસંઘ; રાષ્ટ્રમંડળ વગેરેમાં ભિન્ન–ભિન્ન પદો પર કામ કર્યું. વળી અનેક સામાજિક સંસ્થાઓની સ્થાપનાની પહેલ કરી છે અને તેમના સંચાલક મંડળના સભ્ય પણ રહ્યા. એક તબક્કે 1956માં તેમને આંતરરાષ્ટ્રીય નાણાભંડોળનું મૅનેજિંગ ડિરેક્ટરનું પદ આપવાની દરખાસ્ત હતી જે તેમણે સ્વીકારી ન હતી.

તેઓ વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર, ભૂગોળ, ઇતિહાસ, ગણિત અને અર્થશાસ્ત્ર જેવા વિવિધ વિષયોના ઊંડા જાણકાર તો હતા જ, પરંતુ તે ઉપરાંત તેઓ પ્રથમ પંક્તિના ભાષાવિદ પણ હતા. સંસ્કૃત, મરાઠી, અંગ્રેજી, હિંદી, બંગાળી, ઉર્દૂ તથા ફારસી જેવી ભાષાઓ ઉપરાંત ફ્રેન્ચ અને જર્મન ભાષાઓ પર પણ તેમનું પ્રભુત્વ હતું. તેમણે મહાકવિ કાલિદાસના ‘મેઘદૂત’નું મરાઠીમાં, કવિવર રવીન્દ્રનાથની કેટલીક બંગાળી રચનાઓનું મરાઠી અને સંસ્કૃતમાં તથા મહાત્મા ગાંધીજીનાં કેટલાંક કથનોનું સંસ્કૃતમાં ભાષાંતર કર્યું હતું. તે સંસ્કૃતમાં કાવ્યરચના પણ કરતા હતા.

1954માં આયોજિત અખિલ ભારતીય સંસ્કૃત સંમેલનના બાવીસમા અધિવેશનના તેઓ અધ્યક્ષ હતા.

તેમણે લખેલા ગ્રંથોમાં ‘રિસેટલમેન્ટ ઑવ્ રાયપુર ડિસ્ટ્રિક્ટ’ (1931), ‘યૂસફુલનેસ ઑવ્ મૉનિટરી મીન્સ ઇન કર્બિગ ઇન્ફ્લેશન’, ‘લિંગ્વા ફ્રૅન્કા ઑવ્ ઇન્ડિયા’ (1971) તથા તેમનું આત્મચરિત્ર ‘ધ કોર્સ ઑવ્ માય લાઇફ’ (1974) વિશેષ ઉલ્લેખનીય છે.

તેમનાં પ્રથમ પત્ની રોઝિનાના અવસાન બાદ તેમણે 1953માં આયોજન પંચનાં સભ્ય તથા વિખ્યાત સામાજિક કાર્યકર દુર્ગાબાઈ સાથે લગ્ન કર્યાં હતાં.

ભારત અને વિદેશની અનેક યુનિવર્સિટીઓએ તેમને પીએચ.ડી., ડી.લિટ્. તથા ડી. એસસી.ની પદવીઓ એનાયત કરી હતી, જેમાં અમેરિકાની પ્રિન્સટન યુનિવર્સિટીનો પણ સમાવેશ થાય છે. 1959માં તેમને ઉત્તમ વહીવટી કામગીરી માટે ફિલિપાઇન્સની સરકારે ‘રેમન મૅગ્સેસે ઍવૉર્ડ’ એનાયત કર્યો હતો. તે પહેલાં 1937માં તેમને બ્રિટિશ સરકારે સી.આઇ.ઈ.નો ખિતાબ અને 1944માં ‘સર’નો ખિતાબ એનાયત કર્યો હતો.

1967માં ભારતના રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમણે જમણેરી પક્ષો વતી ઉમેદવારી કરી હતી, પણ તેમાં તેમને સફળતા મળી ન હતી.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે