દેશમુખ, દુર્ગાબાઈ (જ. 15 જુલાઈ 1909, રાજામુંદ્રી; અ. 9 મે 1981, હૈદરાબાદ) : ભારતનાં અગ્રણી સામાજિક કાર્યકર, બાહોશ સાંસદ અને કુશળ વહીવટકર્તા. રાષ્ટ્રીયતાથી રંગાયેલા આંધ્રપ્રદેશના એક મધ્યમવર્ગીય પરિવારમાં જન્મ. બાળપણમાં જ પિતાનું અવસાન થતાં માતા દ્વારા ઉછેર. માતા પાસેથી બાળપણમાં સમાજકાર્યના બોધપાઠ મળ્યા. માતા જિલ્લા કૉંગ્રેસ કમિટીનાં મંત્રી હતાં. આઠ વર્ષની ઉંમરે દુર્ગાબાઈ એક જમીનદાર પરિવારના દત્તક પુત્ર સાથે લગ્નગ્રંથિથી જોડાયાં હતાં, પરંતુ બંનેની વિચારસરણીમાં જમીન-આસમાનનો તફાવત છે તેવો અનુભવ થતાં પતિની આગોતરી સંમતિથી લગ્નવિચ્છેદનું પગલું ભર્યું અને ત્યારબાદ ફરી ભણવાનું શરૂ કર્યું અને તે માટે કાકીનાડા ખાતે નવી શરૂ થયેલ દક્ષિણ ભારત હિંદી પ્રચારિણી સભા દ્વારા સંચાલિત હિંદી ભાષાના વર્ગમાં જોડાયાં. સાથોસાથ તેમના કરતાં ઓછું ભણેલાંઓને તેઓ પોતે હિંદી ભાષાનું શિક્ષણ આપતાં. 1923માં માતાપિતાની સંમતિથી પોતાના પિયરના મકાનમાં બાલિકા હિંદી પાઠશાળાની સ્થાપના કરી, જેમાં તેમની સાથે તેમની માતા પણ શિક્ષિકા તરીકે જોડાયાં. માતા અને પુત્રીના સહિયારા પ્રયાસોથી આ સંસ્થાએ ઝડપભેર પ્રગતિ કરી અને આશરે ચારસો જેટલી છોકરીઓએ હિંદી ભાષાનો અભ્યાસક્રમ પૂરો કર્યો. શાળાની આ સિદ્ધિથી ગાંધીજી એટલા બધા પ્રભાવિત થયેલા કે તેમણે દુર્ગાબાઈને સુવર્ણચંદ્રક એનાયત કર્યો હતો.

યુવા-અવસ્થાથી જ સામાજિક કાર્યમાં તેઓ સક્રિય બન્યાં અને તેના ભાગ તરીકે દારૂનું સેવન, દેવદાસી-પ્રથા, બાળવિવાહ, નિરક્ષરતા અને અંધશ્રદ્ધા જેવી સામાજિક બદીઓ સામે ઝુંબેશ શરૂ કરી. ખાદીના પ્રચાર-પ્રસારમાં પણ તેમની ભૂમિકા આગળપડતી હતી. મીઠાના સત્યાગ્રહમાં ભાગ લેવા બદલ તેમની ધરપકડ કરવામાં આવી હતી.

સામાજિક સેવામાં તેઓ જોડાયાં ત્યારે તે માત્ર બાર વર્ષનાં હતાં. ત્યાં સુધી તેઓ માત્ર પાંચમા ધોરણ સુધી જ ભણેલાં હતાં; પરંતુ ત્યારબાદ તેમને પંડિત મદનમોહન માલવિયાની પ્રેરણાથી આગળ ભણવાની ઝંખના જાગી અને તેને લીધે તેમણે 1935માં બનારસ હિંદુ યુનિવર્સિટીની મૅટ્રિકની, 1939માં મદ્રાસ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની અને 1942માં તે જ યુનિવર્સિટીની કાયદાશાસ્ત્રની પરીક્ષાઓ પસાર કરી. કાયદાશાસ્ત્રના ક્ષેત્રે ગુનાશાસ્ત્ર(criminal law)માં તેમણે નિપુણતા પ્રાપ્ત કરી. ત્યારબાદ ચેન્નાઈમાં તેમણે વકીલાત પણ શરૂ કરી, જેમાં ધન કમાવાની લાલસાને બદલે શોષિત અને પીડિત વર્ગના લોકોને તથા મહિલાઓને ન્યાય મળે તે માટે તેમણે કામ કર્યું. વળી તેમણે આંધ્ર યુનિવર્સિટીની એમ.એ.ની પરીક્ષા રાજ્યશાસ્ત્ર વિષયમાં વિશેષ યોગ્યતા (distinction) સાથે પસાર કરી હતી.

દુર્ગાબાઈ દેશમુખ

1946માં દુર્ગાબાઈ દેશની બંધારણ સમિતિનાં સદસ્ય બન્યાં. એક સાંસદ તરીકે તેમણે જે કામ કર્યું તે બીજાઓ માટે બોધપાઠ બની રહ્યું; દા. ત., બંધારણ-સમિતિની એક પણ બેઠકમાં તેઓ ગેરહાજર રહ્યાં ન હતાં; એટલું જ નહિ, પરંતુ બંધારણ-સમિતિમાં તથા દેશની કામચલાઉ સંસદમાં સંચાલન-સમિતિ(steering committee)નાં સભ્યની રૂએ ગૃહમાં દાખલ થયેલા જુદા જુદા ખરડાઓની ચર્ચા દરમિયાન તેમણે કુલ 750 જેટલા સુધારાવધારા રજૂ કર્યા હતા.

‘આંધ્ર મહિલા સભા’ની સ્થાપનામાં પણ તેમની અગ્ર ભૂમિકા રહી હતી. આ સંસ્થાની નિશ્રામાં સમયાંતરે ઘણાં દવાખાનાંઓ, સારવાર-કેન્દ્રો, સાક્ષરતા-કેન્દ્રો તથા હસ્તકૌશલના એકમોની સ્થાપના થઈ હતી. દુર્ગાબાઈએ દિલ્હી ખાતે ‘ઇન્ડિયા ઇન્ટરનેશનલ સેન્ટર’, ‘કાઉન્સિલ ઑવ્ સોશ્યલ ડેવલપમેન્ટ’ તથા ‘પૉપ્યુલેશન કાઉન્સિલ ઑવ્ ઇન્ડિયા’ જેવી માતબર સામાજિક સંસ્થાઓની સ્થાપનામાં પણ નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી. વળી, વીસમી સદીના સાતમા દાયકામાં દુર્ગાબાઈએ દિલ્હી ખાતે અંધજનોના કલ્યાણ માટે એક અલાયદી સંસ્થાની પણ સ્થાપના કરી હતી. 1972–74ના ગાળામાં તેમણે ભારત જેવા વિકાસશીલ દેશોના વિશિષ્ટ સંદર્ભમાં વસ્તી-વિષયક નીતિની રૂપરેખા દર્શાવતો દસ્તાવેજ (blue print) તૈયાર કર્યો હતો, જે ભારતના વસ્તી-વિષયક નિષ્ણાતો માટે જ નહિ, પરંતુ રાષ્ટ્ર સંઘના નિષ્ણાતો માટે પણ માર્ગદર્શક સાબિત થયો હતો.

1952માં ચીન ગયેલ ભારતીય શુભેચ્છા પ્રતિનિધિ મંડળના સભ્ય તરીકે તેમણે ચીનની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે તે દેશમાં જે નિહાળ્યું તેને આધારે ભારતમાં પણ પારિવારિક ન્યાયાલયો(family courts)ની રચના થવી જોઈએ એવો વિચાર દુર્ગાબાઈએ ભારત સરકાર સમક્ષ રજૂ કર્યો હતો.

ભારતના આયોજન પંચનાં સભ્ય તથા રાજ્યપાલ તરીકે પણ દેશને તેમની સેવાઓ પ્રાપ્ત થઈ હતી.

1953માં ભારતના અગ્રણી પ્રશાસક (સર) ચિંતામણ દ્વારકાનાથ દેશમુખ સાથે તેમણે લગ્ન કર્યાં હતાં.

તેઓ પોલ જી હોફમાન ઍવૉર્ડ, નહેરુ લિટરસી ઍવૉર્ડ, યુનેસ્કો ઍવૉર્ડ અને પદ્મવિભૂષણથી સન્માનિત થયાં છે. તેમણે 1938માં આંધ્ર મહિલા સભાની સ્થાપના કરી. 1962માં દુર્ગાબાઈ દેશમુખ હોસ્પિટલ બની અને શ્રી વેંકટેશ્વર કૉલેજ ન્યૂ દિલ્હીમાં સ્થાપી.

મુગટલાલ પોપટલાલ બાવીસી

બાળકૃષ્ણ માધવરાવ મૂળે