દીપ શિવરામ (જ. 1945, જમ્મુ) : ડોગરી લેખક. તેમના ગઝલસંગ્રહ ‘ગમલે દે કૅકટ્સ’ને 1984ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર અપાયો હતો. તેમણે ઉર્દૂમાં એમ.એ. તથા ડોગરી ભાષામાં શિરોમણિની ઉપાધિ મેળવી છે. જમ્મુ ખાતેના કાશ્મીર રેડિયો મથકમાં સવેતન કલાકાર (સ્ટાફ આર્ટિસ્ટ) તરીકે થોડોક વખત કામગીરી બજાવ્યા પછી 1970માં તેઓ જમ્મુ-કાશ્મીર એકૅડેમી ઑવ્ આર્ટ્સ, કલ્ચર ઍન્ડ લૅંગ્વેજિઝમાં અને ડોગરી શબ્દકોશમાં સહાયક તંત્રી તરીકે જોડાયા.

તેમણે 2 કાવ્યસંગ્રહો તથા 4 કાવ્યસંપાદનો આપ્યાં છે. લોકકથા, કટાક્ષ-પ્રહસનો તથા અનુવાદોના ક્ષેત્રમાં તેમણે સંયુક્તપણે ઘણી કીમતી કામગીરી અદા કરી છે. 1970થી તેઓ ‘નયી ચેતના’ નામના ડોગરી સામયિક સાથે સંકળાયા છે.

તેમની પુરસ્કારપાત્ર કૃતિમાં 100 ગઝલો છે. કાવ્યોચિત અલંકારોની ચારુતા તથા કલ્પનાનાં રમણીય ઉડ્ડયનોને કારણે આ ગઝલસંગ્રહ ડોગરીમાં ગણનાપાત્ર ઠર્યો છે.

મહેશ ચોકસી