દીપડો (panther) : સસ્તન વર્ગના બિલાડી (felidae) કુળનું એક મોટું, શક્તિશાળી અને ભયંકર પ્રાણી. શાસ્ત્રીય નામ Panthera pardus. જંગલમાં વસવાટ કરનારા લોકો, જેટલા સિંહ અને વાઘથી ડરતા નથી તેના કરતાં દીપડાથી વધુ ડરે છે. કૂદવાની બાબતમાં દીપડો, વાઘને પણ ટપી જાય તેવો છે. દીપડા અને ચિત્તા વચ્ચે ઘણા લોકોમાં ગેરસમજ પ્રવર્તે છે. વાસ્તવમાં આ બંને પ્રાણીઓ જુદાં છે. ચિત્તા લુપ્ત થવાની અણીએ પહોંચ્યા છે અને તે ભારતમાં જવલ્લે જ જોવા મળે છે. જંગલમાં જોવા મળતાં, આ પ્રકારનાં મોટા ભાગનાં પ્રાણીઓ દીપડા જ છે.

દીપડો

દીપડા બે પ્રકારના હોય છે. નાના દીપડાની લંબાઈ 1 ½ મી. થી માંડી 2 મી. જેટલી હોય છે. જ્યારે મોટા દીપડાની લંબાઈ 2 મી. થી 3 મી. જેટલી હોય છે. ઊંચાઈ 35 સેમી.થી 50 સેમી. જેટલી અને વજન 90 કિગ્રા.થી 100 કિગ્રા. હોય છે. માદા દીપડા કરતાં નર દીપડા કદમાં મોટા અને વધુ વજન ધરાવે છે. દીપડાનો રંગ પીળાશ પડતો, હળદર જેવો હોય છે, જેના પર કાળા રંગનાં ચકરડાં જોવા મળે છે, આફ્રિકા અને એશિયાના દીપડાઓની ત્વચા પર આવેલાં આવાં ચકરડાંમાં વૈવિધ્ય રહેલું છે. ભારતીય દીપડામાં ચકરડાં નજીક નજીક હોય છે જ્યારે આફ્રિકન દીપડામાં તે થોડાં છૂટાંછવાયાં હોય છે. વસવાટ અને આબોહવાને અનુલક્ષીને તેમની ચામડીનો રંગ પણ જુદો જુદો હોય છે. દીપડાની એક જાતિ, તદ્દન કાળા રંગની હોય છે, જેને ‘‘મેલેનિસ્ટિક’’ પ્રકાર કહે છે. તિબેટ વિસ્તારમાં શ્વેત દીપડાની જાતિ પણ અસ્તિત્વ ધરાવે છે. ત્વચાનાં રંજકદ્રવ્યોની હાજરી કે ગેરહાજરીને અનુલક્ષીને દીપડામાં શ્યામવર્ણ કે રંગહીનતા જોવા મળે છે.

સામાન્ય રીતે દીપડો એકાકી જીવન ગુજારે છે. સમૂહજીવન તેને પસંદ નથી. દીપડો બુદ્ધિશાળી, વિચારશીલ, ચપળ અને સ્ફૂર્તિવાળું પ્રાણી છે. તેની શ્રવણશક્તિ અને ગંધગ્રહણશક્તિ તીવ્ર હોય છે.

દીપડાઓ ખાસ કરીને લીલીછમ ઝાડીયુક્ત ગીચ જંગલમાં પોતાનો વસવાટ પસંદ કરે છે. કુદરતી ગુફા, નાળાં કે આસપાસ ઘાસ ઊગેલું હોય ત્યાં છીછરો ખાડો બનાવે છે. તેથી તે ગરમી સહેલાઈથી સહન કરી શકે છે. ખુલ્લા મેદાન કે પહાડી વિસ્તારમાં પણ તે રહી શકે છે. આથી દીપડો દિવસે પણ શિકારની શોધમાં નીકળી પડે છે.

દીપડાની રાક્ષસી વૃત્તિનો જોટો નહીં મળે. વાઘ કે સિંહ કરતાં તેનામાં નૈસર્ગિક ક્રૂરતા અનેકગણી અધિક હોવાથી માત્ર આનંદ ખાતર 20થી 25 ઘેટાં-બકરાં સામટાં મારી નાખે છે. આવું સાહસિક પ્રાણી હોવા છતાં સ્વભાવથી તો દીપડો બીકણ જ ગણાય. વાઘ અને મગર પણ તેને મારી શકે છે, શક્તિશાળી મનુષ્ય જો તેની સામે થાય તો ખાલી હાથે પણ દીપડાને થંભાવી શકાય છે.

તેનો પ્રિય ખોરાક વાંદરાં અને જંગલી કૂતરાંનો છે. વધારામાં દીપડાના ખોરાકમાં નીલગાય, સાબર, ચીતળ અને કાળિયાર જેવાં તૃણભક્ષી પ્રાણીઓનો સમાવેશ થાય છે. આફ્રિકાના જંગલમાં જિરાફને  દીપડાએ માર્યાનો કિસ્સો પણ નોંધાયેલ છે. મનુષ્યનો શિકાર તે ક્વચિત જ કરે છે; પરંતુ એક વાર જો તે માનવભક્ષી બની જાય તો આસપાસના વિસ્તારમાં હાહાકાર મચાવી દે છે. તેની આક્રમણ કરવાની શૈલી, અન્ય હિંસક પ્રાણી કરતાં જુદી તરી આવે છે. તે શિકાર પર પાછળથી હુમલો કરતો નથી. પરંતુ છાતી, પેટ કે ખભા પર તેનો લોખંડી પંજો મારી, ભક્ષ્યનું ગળું દબાવી, શ્વાસ રૂંધી દે છે. જંગલમાં કેડીઓનાં ઝાડ પર છુપાઈને બેઠેલો દીપડો, બેધ્યાનપણે ચાલ્યા જતા શિકારને સહેલાઈથી મારી નાંખે છે. મોટાં પ્રાણીઓ ન મળતાં, તે સસલાં અને પક્ષીઓનું પણ ભક્ષણ કરે છે. વધેલો ખોરાક તે, ઝાડની ઉપર, ડાળીઓમાં સંતાડી દે છે, જેથી શિયાળ, જરખ અને ગીધ જેવાં પશુ-પક્ષીઓ પણ આ ખોરાક મેળવી શકતાં નથી. દીપડાના કાપવાના કે ચાવવાના દાંતનો વિકાસ અન્ય હિંસક પ્રાણીઓની તુલનામાં ખૂબ ઓછો થતો હોવાથી તે માંસના આખા ટુકડા ગળી જાય છે.

દીપડાનું આયુષ સામાન્ય રીતે 23 થી 26 વર્ષનું ગણવામાં આવે છે. આ પ્રાણીનો સંવનનકાળ નિશ્ચિત હોતો નથી. તેમ છતાં સપ્ટેમ્બર-ઑક્ટોબર માસ દરમિયાન નર-માદા વધુ ઉત્તેજિત દેખાય છે. માદા દીપડાનો ગર્ભવૃદ્ધિકાળ આશરે 3થી 3 ½ મહિનાનો છે અને એકસાથે તે બેથી ત્રણ બચ્ચાંને જન્મ આપે છે. જન્મ સમયે બચ્ચાંની આંખો બંધ હોવાથી, દીપડી તેને ગુફામાં સંતાડી, સ્તનપાન કરાવે છે. ત્યારબાદ બચ્ચાં થોડાં મોટાં થતાં તેમને ગુફાની બહાર લાવે છે અને શિકાર કરતાં શીખવે છે. બચ્ચાંને શિકાર કરતાં શીખવવાની તેમની પદ્ધતિ અનોખી અને રસપ્રદ હોય છે. પથ્થરની શિલા પર બેઠેલી દીપડી, પોતાની પૂંછડીનો ગુચ્છો આમતેમ ફેરવે છે અને બચ્ચાં તેને મોંથી પકડવા કે પંજામાં લેવા સતત કોશિશ કરે છે. આ રીતે શિકાર પર ધ્યાન કેન્દ્રિત કરી, યોગ્ય સમયે આક્રમણ કરવાનું શીખવે છે. દીપડીનો સંતાનપ્રેમ અસીમ હોય છે. એમને બચાવવા તે ગમે તેવા પ્રાણી પર હુમલો કરે છે. આથી દીપડી વિયાય ત્યારે ત્યાંથી નીકળવું અત્યંત જોખમકારક ગણાય છે.

દિલીપ શુક્લ