દાસ, ચિત્તરંજન (દેશબંધુ)

March, 2016

દાસ, ચિત્તરંજન (દેશબંધુ) (જ. 5 નવેમ્બર 1870, કૉલકાતા, બંગાળ; અ. 16 જૂન 1925, દાર્જિલિંગ) : ‘દેશબંધુ’ તરીકે જાણીતા બંગાળના પીઢ રાષ્ટ્રીય નેતા. તેમનો અભ્યાસ કૉલકાતાની પ્રેસિડેન્સી કૉલેજમાં પૂરો કરીને (1890) આઇ.સી.એસ.ની પરીક્ષા માટે ઇંગ્લૅન્ડ ગયા. પરંતુ તેમાં સફળતા ન મળતાં ઇનર ટેમ્પલમાંથી કાયદાની પરીક્ષા પાસ કરીને બૅરિસ્ટર થયા (1894). તેમના પિતા ભુવનમોહન દાસે કૉલકાતા હાઈકોર્ટમાં સૉલિસિટર તરીકે નામના પ્રાપ્ત કરી હતી. તેઓ બ્રહ્મોસમાજના સભ્ય હતા અને પ્રખર બુદ્ધિમત્તા ધરાવતા હતા. ચિત્તરંજન દાસના માનસપટ પર તેમના પિતાનો પ્રભાવ ખૂબ હતો. બ્રહ્મોસમાજી હોવા છતાં ચિત્તરંજન દાસ રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ અને બંકિમચંદ્રથી પ્રભાવિત થયા હતા. ઇંગ્લૅન્ડમાં અભ્યાસ કરતી વખતે બ્રિટિશ પાર્લમેન્ટ માટે ઉમેદવારી કરતા દાદાભાઈ નવરોજીની ચૂંટણી સભામાં તેમણે ભાષણો કર્યાં હતાં.

ચિત્તરંજન દાસ

1894માં તેમણે કૉલકાતા હાઈકોર્ટમાં વકીલાત શરૂ કરી. પરંતુ શરૂઆતમાં સફળતા ન મળતાં નીચલી અદાલતોમાં વકીલાત શરૂ કરીને ફોજદારી બાબતોના વકીલ તરીકે નામના મેળવી. અલીપોર બૉમ્બકેસ- (1908)માં વકીલ તરીકે તેમણે અરવિંદ ઘોષને નિર્દોષ પુરવાર કરવામાં સફળતા પ્રાપ્ત કરી. ‘ઢાકા કૉન્સ્પિરસી કેસ’(1910–11)માં પણ તેઓ ક્રાંતિકારીઓના વકીલ તરીકે હતા. તેમણે દીવાની બાબતોના વકીલ તરીકે પણ ખ્યાતિ મેળવી. 1920માં એક સફળ વકીલ તરીકે તેમની માસિક આવક રૂ. 50,000ની હતી.

નાની વયથી જ તેમણે રાષ્ટ્રીય ચળવળમાં ભાગ લેવાની શરૂઆત કરી. 1901માં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજી દ્વારા ચાલતી લડતને નાણાકીય મદદ કરી. તેઓ અનુશીલન સમિતિ જેવી ક્રાંતિકારી સંસ્થાઓ સાથે અને સુરેન્દ્રનાથ બેનરજી, બિપિનચંદ્ર પાલ તથા અરવિંદ ઘોષની રાષ્ટ્રીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા; તેમ છતાં, રાષ્ટ્રીય રાજકારણમાં 1917 સુધી તેઓ ખુલ્લી રીતે ભાગ લેતા ન હતા. 1917માં તેઓ ભવાનીપોરમાં મળેલી બંગાળ પ્રાંતીય કૉન્ફરન્સના પ્રમુખ થયા. 1917થી 1925ના ગાળા દરમિયાન તેઓ રાષ્ટ્રીય ફલક પર મહત્વના નેતા બન્યા. 1917–18 દરમિયાન તેમણે ભારતીય સંરક્ષણ ધારા હેઠળ રાજકીય નેતાઓની અટકાયત અને દેશનિકાલ કરવાની સરકારની નીતિની ઝાટકણી કાઢી. તેમણે હોમરૂલ આંદોલનમાં સક્રિય ભાગ લીધો. તેમણે મુંબઈમાં ભરાયેલ કૉંગ્રેસના ખાસ અધિવેશન (1918) અને દિલ્હીના વાર્ષિક અધિવેશન(1918)માં મૉન્ટ–ફર્ડ સુધારાઓનો વિરોધ કર્યો. 1919માં ચિત્તરંજન દાસે જલિયાંવાલા બાગ બિનસરકારી તપાસસમિતિના સભ્ય તરીકે કામ કર્યું.

1920માં કૉલકાતા ખાતે ભરાયેલ કૉંગ્રેસના ખાસ અધિવેશનમાં ગાંધીજી દ્વારા રજૂ કરવામાં આવેલ અસહકારના ઠરાવમાં ફેરફાર કરવાનું સૂચન કર્યું. તેમાં તેમને સફળતા ના મળી; પરંતુ તે જ વર્ષે નાગપુરમાં ભરાયેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનમાં તેમણે ગાંધીજીના અસહકારના ઠરાવને ટેકો આપ્યો અને કૉલકાતા ગયા પછી પોતાના  વકીલાતના ધીકતા વ્યવસાયનો ત્યાગ કરવાની જાહેરાત કરી અને ત્યારથી અસહકારના આંદોલનમાં તેઓ સંપૂર્ણ રીતે જોડાયા.

1921માં અમદાવાદમાં ભરાયેલ કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ તરીકે  તેઓ ચૂંટાયા હતા. 1921માં પ્રિન્સ ઑવ્ વેલ્સના ભારતમાં આગમનનો  બહિષ્કાર જાહેર કરવામાં આવ્યો હતો. આ બહિષ્કાર-આંદોલનની કૉલકાતામાં આગેવાની લેવા બદલ તેમને અને તેમનાં પત્ની વાસંતીદેવીને છ મહિનાની કેદની સજા કરવામાં આવી.

ડિસેમ્બર, 1922માં ગયા મુકામે મળેલ કૉંગ્રેસના વાર્ષિક અધિવેશનના પ્રમુખ તરીકે ચિત્તરંજન દાસ ચૂંટાયા હતા. તેમણે આ અધિવેશનમાં કૉંગ્રેસનો ધારાસભાપ્રવેશનો બહિષ્કાર કરતો અગાઉનો ઠરાવ રદ કરીને ધારાસભાપ્રવેશની છૂટ આપતો ઠરાવ રજૂ કર્યો. પરંતુ ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમમાં શ્રદ્ધા ધરાવનાર નેતાઓના પ્રયાસોથી તે ઠરાવ બહુમતીથી નામંજૂર થયો. એટલે ચિત્તરંજન દાસે કૉંગ્રેસના પ્રમુખ તરીકે રાજીનામું આપીને મહાસભાની અંદર જ ખિલાફત સ્વરાજ્ય પક્ષની સ્થાપના કરી, જે સ્વરાજ્ય પક્ષના નામે જાણીતો થયો. મોતીલાલ નેહરુ, વિઠ્ઠલભાઈ પટેલ, શ્રીનિવાસ આયંગર અને અન્ય કેટલાક નેતાઓએ ચિત્તરંજન દાસને ટેકો આપતાં સ્વરાજ્ય પક્ષ વિધિવત્ અસ્તિત્વમાં આવ્યો (1923). આ નેતાઓ ફેરવાદીઓ (મહાસભાના કાર્યક્રમમાં ફેરફાર કરનાર) તરીકે જ્યારે રચનાત્મક કાર્યક્રમની તરફેણ કરનાર નાફેરવાદીઓ (મહાસભાના કાર્યક્રમમાં ફેરફાર નહિ કરનાર) તરીકે ઓળખાયા.

ડિસેમ્બર, 1923માં દિલ્હીમાં મળેલ મહાસભાના વાર્ષિક અધિવેશને સ્વરાજ્ય પક્ષને સંમતિ આપી. આથી ધારાસભાપ્રવેશનો સ્વરાજ્ય પક્ષનો માર્ગ મોકળો થયો. નવેમ્બર, 1923માં મધ્યસ્થ તથા પ્રાંતિક ધારાસભાઓની યોજાયેલી ચૂંટણીમાં સ્વરાજ્ય પક્ષે સારો દેખાવ કર્યો અને ઘણી બેઠકો મેળવી.

બંગાળની ધારાસભાના બહુમતી પક્ષના નેતા તરીકે અંદાજપત્ર સહિત સરકારના અગત્યના ખરડા નામંજૂર કર્યા. 1924માં દેશબંધુ કૉલકાતા કૉર્પોરેશનના પ્રથમ નગરપતિ તરીકે ચૂંટાયા. 1923 અને 1924માં બેઠકોનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું. 1925માં ફરીદપુરમાં મળેલ  બંગાળ પ્રાંતિક પરિષદનું પ્રમુખપદ તેમણે સંભાળ્યું.

ચિત્તરંજન દાસ, મોતીલાલ નેહરુ વગેરેની નેતાગીરી હેઠળના સ્વરાજ્ય પક્ષની કામગીરીને પરિણામે સરકારને મૉન્ટફર્ડ સુધારામાં ફેરફાર કરવો કે કેમ તે માટે મુડીમન સમિતિની નિયુક્તિ કરવી પડી. ત્યાર બાદ નવા બંધારણીય સુધારાની ભલામણ કરવા માટે બ્રિટિશ સરકારે સાયમન કમિશનની નિયુક્તિ કરી.

ચિત્તરંજન દાસ ઉપલા વર્ગો કરતાં સામાન્ય લોકો માટે સ્વરાજ ઇચ્છતા હતા. તેઓ બંધારણીય અને અહિંસક પદ્ધતિના હિમાયતી હતા.  કોમી એકતા અને રાષ્ટ્રીય કેળવણીની તરફેણ કરતા તેમના વિચારો જાણીતા છે.

તેઓ સારા કવિ અને નિબંધકાર પણ હતા. 1914માં તેમણે ‘નારાયણ’ નામનું ત્રૈમાસિક સામયિક શરૂ કર્યું હતું. 1922માં તેમણે સાયંદૈનિક ‘બંગલાર કથા’ અને 1923માં સ્વરાજ્ય પક્ષનું મુખપત્ર ‘ફૉર્વર્ડ’ શરૂ કર્યું હતું.

અંજના શાહ