દાંત (માનવેતર પ્રાણી)

March, 2016

દાંત (માનવેતર પ્રાણી) : અન્ન ચાવવા માટેનો મુખમાં ક્રમબદ્ધ ગોઠવાયેલો સફેદ કઠણ અવયવ. પક્ષીઓ અને કેટલાંક અપવાદરૂપ સસ્તનો સિવાયનાં, માછલીથી માંડીને મનુષ્ય સુધીનાં પૃષ્ઠવંશીય પ્રાણીઓ ખોરાક પકડવા કે ચાવવા માટે વિવિધ પ્રકારના દાંતનો ઉપયોગ કરે છે. દાંત મુખ્યત્વે પાચનતંત્ર સાથે સંકળાયેલ છે, છતાં તે શિકાર, સંરક્ષણ જેવી આક્રમક કે સ્વબચાવ અર્થે પણ વપરાતો અવયવ છે. મનુષ્યમાં શબ્દોચ્ચાર (ત, થ, દ, ધ, ન જેવા દંતવર્ણ) માટે પણ તે જરૂરના છે.

કેટલાંક પ્રગત અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં દાંત જેવા અવયવો જોવા મળે છે, પરંતુ પૃષ્ઠવંશીય પ્રાણીઓના દાંત કરતાં તેમનો ઉદભવ અને વિકાસ અલગ પ્રકારના હોય છે. ઉદાહરણ રૂપે જળોમાં જડબાં જેવા ત્રણ દાંત જોવા મળે છે. તેની મદદથી જળો આશ્રયદાતાની ચામડી કાપી તેના શરીરમાંથી લોહી ચૂસી જીવે છે. કીટકોમાં અને ઋકટવંશી પ્રાણીઓ (જિંગા, કરચલાં, લૉબ્સ્ટર)માં કાયટિનના બનેલા કડક અને મજબૂત અધોહનુ દાંતના જેવું  કાર્ય કરે છે. કેટલાંક કીટકોમાં દંતુરિત પટ્ટી કરવત જેવું કાર્ય કરે છે. તેઓ વનસ્પતિ-અંગો ઉપરની છાલ છોલીને વનસ્પતિની અંદરનો રસ ચૂસે છે. (ઉદા., થ્રીપ્સ) મચ્છરનાં મુખાંગોમાં તેનાં જડબાં નળાકાર બનીને આશ્રયદાતાની ચામડી ભોંકીને તેમાંથી લોહી ચૂસે છે. વંદામાં અને તમરાં (બીટલ્સ)માં તેમના દાંત (અધોહનુ) કરડવા માટે અનુકૂલિત થયેલા હોય છે.

પૃષ્ઠવંશીય પ્રાણીઓમાં દાંતની રચના અને વિકાસ : સાચા દાંત માત્ર પૃષ્ઠવંશીઓમાં જોવા મળે છે. આદિપૃષ્ઠવંશીઓ ત્વચા પર સ્વરક્ષણાર્થે દંતકો (denticles) તરીકે ઓળખાતાં બખ્તર (armour) ધરાવતાં હતાં. સમય જતાં ત્વચા જડબાં પર પ્રસરી ચૂનાયુક્ત દાંતને ફરતું આવરણ બન્યા. પૃષ્ઠવંશીય પ્રાણીઓના દાંતની વિશિષ્ટતા એ છે કે તેઓ અતિશય કઠણ, ચૂનાયુક્ત (કૅલ્શિયમ) અગર શૃંગમય (horny) પદાર્થો ધરાવતા હોઈ અસ્થિ કે કાસ્થિના કંકાલ સાથે જોડાયેલા રહે છે. આ જડબાની અસ્થિ કે કાસ્થિની બખોલમાં દંતપંક્તિઓ ગોઠવાય છે. સામાન્ય રીતે જડબાંના અસ્થિઓ પૈકી જંભિકા (Maxilla) અને જંભ (manelibles)નાં અસ્થિઓ સાથે દાંત જોડાયેલા હોય છે. માછલીમાં કલોમ-ચાપ (Gill-clefts) ઉપર પણ દાંત હોય છે. ઉચ્ચ કક્ષાના પૃષ્ઠવંશીઓમાં દાંત અસ્થિઓની બખોલમાં જોડાયેલા હોય છે અને ઉપરાંત ત્વચામાંથી રૂપાન્તરિત થયેલા અવાળુથી જકડાયેલા હોય છે.

દાંતના રાસાયણિક ઘટકોમાં તે દંતવલ્ક (ઇનૅમલ), દંતિન (ડૅન્ટિન) અને સિમેન્ટ દ્રવ્ય ધરાવે છે. ભૃણવિદ્યાની ર્દષ્ટિએ (embryologically) દંતવલ્ક (ઇનૅમલ દ્રવ્ય) માત્ર બાહ્યસ્તર (ectoderm)માંથી ઉદભવે છે. અન્ય ઘટકો મધ્યસ્તર(mesoderm)- માંથી ઉદભવે છે. દાંતનો ગર્ભીય વિકાસ થોડોક અટપટો છે. બાહ્યસ્તરમાંથી ઉદભવેલું ઇનૅમલ દ્રવ્ય અને મધ્યસ્તરમાંથી ઉદભવેલાં દંતિન અને સિમેન્ટ જેવાં દ્રવ્યો દંતકલિકા રચે છે. આ દંતકલિકાઓ અવાળુ તોડી સ્ફુટન (દંતસ્ફુટન) પામે છે. અસ્થિ કે કાસ્થિની બખોલ અને અવાળુ સાથેના જોડાણ મુજબ દાંતના ત્રણ પ્રકારો જોવા મળે છે : ઉદા., (i) શિખરદંત – એક્રોડોંટ, (ii) પાર્શ્ચદંત–પ્લ્યૂરોડાટ અને આવરણદંત/થેકોડૉન્ટ (થીકોડૉન્ટ)

(i) એક્રોડૅંટ દાંતમાં માત્ર તળિયું અસ્થિ સાથે જોડાયેલું રહે છે. માછલી અને દેડકામાં આ પ્રકાર જોવા મળે છે.

(ii) પ્લ્યૂરોડૅંટ – આ પ્રકારમાં દાંત તળિયા ઉપરાંત અસ્થિની અંદરની બાજુ સાથે પણ જોડાયેલો હોય છે.

ઉદા., કેટલાંક ઉભયજીવ–નેકટ્યુરસ અને કેટલીક ઘો, કાચંડામાં એક્રોડૅન્ટ પ્રકાર જોવા મળે છે પણ પાટલા ઘોમા પ્લ્યૂરોડૅન્ટ પ્રકાર જોવા મળે છે.

(iii) થેકોડૉન્ટ (થીકોડૅન્ટ) – આ પ્રકાર વધુ ચઢિયાતો છે. તેમાં દાંતનાં મૂળ અસ્થિની બખોલમાં મજબૂત રીતે જોડાયેલા હોય છે. દાંતના મૂળના છેડેથી રુધિરવાહિનીઓ (કેશિકાઓ) અંદર સુધી રુધિર પહોંચાડે છે. આ રચના મગર તેમજ મોટા ભાગનાં સસ્તન પ્રાણીઓની વિશિષ્ટતા છે.

દાંતની પુન:સ્થાપના મુજબ પ્રાણીઓમાં દાંતની વિવિધ પરિસ્થિતિઓ જોવા મળે છે; જેમ કે, કાસ્થિમત્સ્યોમાં દાંતનું આગમન–પરાગમન સતત ચાલતું રહે છે. તેમાં જૂના દાંતની જગ્યાએ નવા દાંત આવતા રહે છે, દાંતની આવી પુન:સ્થાપનાના કારણે આવા દાંતને બહુવૃદ્ધિદંત પૉલિફિઓડાટ પ્રકારના દાંત કહેવામાં આવે છે. સસ્તન પ્રાણીઓ સિવાયના ઘણા પૃષ્ઠવંશીઓમાં આ પ્રકારના દાંત હોય છે. આવાં પ્રાણીઓમાં વૃદ્ધિની પ્રક્રિયા સતત ચાલુ રહેવાથી દાંતની પુન: પુન: સ્થાપના થતી રહે છે.

મોટાભાગનાં સસ્તન પ્રાણીઓમાં દ્વિવૃદ્ધિદંત–ડાયફિઓડાટ પ્રકારના દાંત જોવા મળે છે. સમયાંતરે ઉંમર મુજબ દાંત બે વાર આવે છે. બાળકોમાં જે પ્રથમ દાંત આવે છે તેને દૂધિયા દાંત કહે છે. કાલાન્તરે આ દાંત પડી જતાં બીજા કાયમી દાંત આવે છે. ખોરાક અને ચર્વણ પદ્ધતિમાં ફેરફાર અનુસાર દાંતમાં ફેરફાર થવો આવશ્યક બને છે. જૈવિક ઉત્ક્રાંતિની ર્દષ્ટિએ જોતાં આ પ્રકાર પ્રગતિ દર્શાવે છે. મનુષ્યમાં 17થી 20 વર્ષ બાદ કાયમી  દાંતમાં અક્કલ-દાઢ કે ડહાપણની દાઢો આવે છે. કીટકભક્ષી છછુંદર તેમજ ઉંદર જેવા સસ્તન પ્રાણીમાં દાંત એક વાર જ આવે છે તેનો મૉનોક્રિઓડટ પ્રકાર હોય છે.

દાંતના આકારાનુસાર દાંતના બે મુખ્ય ભાગ પડે છે; જેમ કે, સમદંત અને વિષમ કે અસમદંત. સસ્તન પ્રાણીઓ બાદ કરતાં મોટા ભાગનાં પૃષ્ઠવંશીય પ્રાણીઓ સમદંતી (એક સરખા ધરાવતા) હોય છે. ઓછાં પ્રગતિશીલ જળચર પ્રાણીઓ (પૃષ્ઠવંશી) પણ સમદંતી હોય છે (હોમોડૉન્ટ). આવાં જળચર પ્રાણીઓમાં દાંત શંકુ આકારના હોય છે, ક્યારેક વાંકા વળેલા હોય છે.

અસમદંતી (હેટરોડૉન્ટ) અવસ્થા સામાન્ય રીતે સસ્તન પ્રાણીઓમાં જોવા મળે છે. વિષમ કે અસમદંતી સસ્તન પ્રાણીઓમાં દાંત 4 પ્રકારમાં જોવા મળે છે. આ ચાર પ્રકાર તે (i) છેદક દાંત, (ii) રાક્ષીદાંત (iii) અગ્ર કે ઉપદાઢ અને (iv) દાઢ. જે તે કુળ કે શ્રેણીનાં પ્રાણીઓની વિશિષ્ટતા મુજબ પ્રાણીઓ ચોક્કસ પ્રકારનું દંતસૂત્ર (Dental formula) ધરાવતાં હોય છે.

(i) છેદક (ઇન્સાઇઝર – I) : આ પ્રકારના દાંત તુંડ (મુખ)ના અગ્ર છેડે ઉપલા જડબામાં અગ્રજંભ (પ્રિમેક્સિલા) તરીકે ઓળખાતા અસ્થિ ઉપર ચોંટેલા હોય છે. નીચેના જડબાના દંતાસ્થિ નામે ઓળખાતા અસ્થિ ઉપર ચોંટેલા હોય છે. જમણી બાજુના અને ડાબી બાજુના ઉપલા જડબાના અગ્રજંભો વચ્ચેથી જોડાઈને એક અર્ધવર્તુળાકાર કમાનની રચના કરે છે, જેની ઉપર અગર 6 છેદક દાંત તેવી જ રીતે નીચલા જડબામાં ડાબા અને જમણા દંતાસ્થિ વચ્ચેથી જોડાઈને તેની ઉપર નીચેના 4 અને 6 છેદક દાંત જોડાયેલા જોવા મળે છે. પાન ચબરી ખાનારાં વનસ્પતિ-આહારી પ્રાણીઓ (હરણ, બકરાં, ઊંટ વગેરે પ્રાણીઓમાં છેદક દાંત પાન તોડવાનું કામ કરે છે, જ્યારે ઘાસ ચરનાર ઘેટાં-બકરાં જમીન ઉપરના ઘાસને લૉન-મુવરની માફક સપાટીથી કાપીને ખાય છે. વિવિધ પ્રાણીઓમાં તેમની ખોરાક લેવાની ટેવ મુજબ છેદકોનો આકાર અને સંખ્યા ઘડાય છે.

(ii) રાક્ષી કે ભોંકનારા દાંત (કેનિન્સ C) : આ પ્રકારના દાંતની સંખ્યા કુલ ચાર જેટલી હોય છે. અન્ય દાંતો કરતાં તે મજબૂત, લાંબા અને વળેલા હોય છે. મોટા ભાગનાં શિકારી પ્રાણીઓ (પ્રિડેટર્સ) શિકારને આ દાંતથી જ જખમી કરી નાંખે છે. મનુષ્ય કે બચકું ભરનાર પ્રાણીઓમાં આ દાંત આકારમાં જુદા તરી આવે છે. તૃણાહારી પ્રાણીઓમાં આ દંતનો અભાવ જોવા મળે છે.

અગ્રદાઢ (પ્રિમોલર-P) : આ દાઢ રાક્ષીદાંત પછી દરેક જડબામાં 4થી 6(કુલ 8થી 12)ની સંખ્યામાં હોય છે. આ દાંત ચપટા અને અસ્થિની બખોલમાં બે અગર વધારે મૂળથી મજબૂત ચોંટેલા હોય છે. આ દાંત ખાસ કરીને ખોરાક ચાવવા કે ભરડવા માટે હોય છે. આ દાંતનો ઉપરની સપાટીવાળો ભાગ ખાડા-ટેકરાવાળો ખરબચડો હોય છે. અને તેથી તે ખોરાકના ઘટકો(તૃણ, પાંદડાં, ડાળીઓ કે કઠણ માંસ, હાડકાં વગેરે)ને ચાવીને ભૂકો કરવાનું કાર્ય કરતા હોય છે.

દાઢ (મોલર-M) : આ દાંત ઉપરના અને નીચેના જડબાના જોડાણવાળા ભાગમાં અગ્રદાઢની સાથે જ સળંગ જોવા મળે છે. તેમની કુલ સંખ્યા 8થી 12 સુધીની હોય છે. તેઓ અગ્રદાઢના દાંત જેવી જ રચના ધરાવે છે. મોટે ભાગે પુખ્ત પ્રાણીઓમાં તેમની સંખ્યા વધુ હોય છે. મનુષ્યમાં છેલ્લી ચાર દાઢો 25-26 વર્ષની ઉંમર બાદ આવે છે. માટે તેને ‘ડહાપણની દાઢો’ એવું કહેવામાં આવે છે.

મનુષ્યના દાંતના પ્રકાર અને ગોઠવણી

સસ્તન પ્રાણીઓના દાંત રચના અને કાર્યની ર્દષ્ટિએ નીચલી કક્ષાના પૃષ્ઠવંશીઓ (માછલી, ઊભયજીવી, સરીસૃપ) કરતાં જુદા પડે છે; જેમ કે, છછુંદર અને વાગોળ/ચામાચીડિયાંના દાંત સાંકડ અને અણીવાળા હોય છે જેથી તે સહેલાઈથી કીટક વગેરેને પકડી શકે. માંસાહારી પ્રાણીઓના દાંત તીક્ષ્ણ હોય છે, જેથી માંસના લચકા તોડી શકે. ખિસકોલી, ડુક્કર અને મનુષ્યમાં જડબાંના દાંત (ગલોફાના દંત – cheek teeth) સપાટ પણ ખરબચડા હોય છે, જેથી ખોરાક ચાવી શકાય. તૃણ-આહારી પ્રાણીઓ(સસ્તનો)ના જડબાંના દાંત ઇનૅમલથી આવરિત કડક અને સપાટી ખરબચડી હોઈ ઘાસ કાપવા ને ભૂકો કરવાને માટે ઘડાયેલા હોય છે, ખરીવાળા લીલોતરી ખાનારાં ઢોર ઇત્યાદિના દાંતની આ ખાસિયત છે. કૃંતક શ્રેણી(ઉંદર)નાં પ્રાણીઓમાં તેના છેદક દાંતના ઉપરના છેડે ઇનૅમલનું આવરણ હોય છે અને નીચેનો છેડો નરમ હોય છે અને ઝડપથી ઘસાઈ જાય છે, ઘસાઈ જતા છેડેથી સતત વૃદ્ધિ થતી રહે છે માટે ઉંદર જેવા પ્રાણીના દાંત સતત કોતરવાનું કાર્ય કરતા રહે છે (કરવતની માફક).

ઉચ્ચ કક્ષાનાં સસ્તનોમાં કુલ દાંતની સંખ્યા 44 જેટલી ગણાય છે; પરંતુ જુદાં જુદાં કુળોમાં કે જાતિઓમાં દાંતની સંખ્યા અને પ્રકાર વિશિષ્ટ હોય છે. તેની જાણકારી માટે તેમજ પ્રાણીની ખોરાક સંબંધી ટેવો જાણવા માટે તેનું દંતસૂત્ર મહત્વનો ભાગ ભજવે છે.

દંતસૂત્ર : સસ્તન પ્રાણીઓની મુખગુહામાં દાંતની ગોઠવણી દ્વિપાર્શ્ચીય સમરચના ધરાવે છે. જમણી બાજુ અને ડાબી બાજુઓના દાંત એકસરખા હોય છે, પરંતુ ઉપરના અને નીચેના જડબામાં દાંતની સંખ્યા ઓછીવત્તી હોય છે. દંતસૂત્રમાં ઉપરના જડબાના અર્ધા ભાગના અને નીચેના જડબાના અર્ધા ભાગના દાંતની સંખ્યા દર્શાવવામાં આવે છે; જેમ કે :

મ્યૂલ હરણનું દંતસૂત્ર :

2. (Dental formula for mule deer (Odocoileus hemiones)

6. ચામાચીડિયું :

7. બિલાડી કુળ :

8. હાથી :

અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં દાંતની રચના : અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં સસ્તન પ્રાણીઓમાં જોવા મળતા અસ્થિ સાથે જોડાયેલા દાંત હોતા નથી. અપૃષ્ઠવંશીઓમાં જેમને દાંત કહેવામાં આવે છે તે વાસ્તવિક રીતે ચૂનાના કે કાયટિનયુક્ત પદાર્થના કડક જડબાના ભાગો હોય છે. પાયલા, તિઓપાયલીના, શંખ વગેરેમાં દંતુરિત સપાટી ધરાવતી અંગિકાને દંતપંક્તિ (રેડ્યુલા) કહેવામાં આવે છે. આ રેડ્યુલા ઉપરની દંતુરિન સપાટીથી ખોરાકના ટુકડા થાય છે. ઋકટવંશી પ્રાણીઓમાં ચૂનાયુક્ત જંભપાદકો ખોરાક ભરડવાનું કામ કરે છે. કીટકોનાં જડબાં- (મેન્ડિબલ્સ)ની અંદરની ચપટ સપાટી ઉપર કઠણ કાયટિનના દંત જોવા મળે છે. આ દંતની મદદથી કીટક ખોરાકનો બારીક ભૂકો કરી તેને અન્નનળીમાં ધકેલી દે છે. જળોમાં મુખ પાસે ત્રણ કડક જડબાં હોય છે. આ જડબાં કે દાંતની મદદથી જળો આશ્રયદાતાના શરીરની ત્વચા કાપીને ઘામાંથી લોહી ચૂસે છે. અપૃષ્ઠવંશી પ્રાણીઓમાં વિશિષ્ટ રચના ધરાવતા સાચા દાંત હોતા નથી.

અન્ય પૃષ્ઠવંશીઓમાં સસ્તન વર્ગનાં પ્રાણીઓની માફક દાંત અસ્થિની ખાંચોમાં જોડાયેલા હોતા નથી, પરંતુ સીધેસીધા જડબાના અસ્થિની ધારમાંથી ઊપસી આવે છે. 1 અસ્થિધારી માછલી (ઉદા. પિરાન્હા માછલી)માં દાંત લાંબા નાસિકાના અસ્થિ સાથે જોડાયેલા હોય છે. આ સૉ-ફિશમાં તેનું તુંડ તીક્ષ્ણ દાંતો ધરાવે છે.

મીઠા જળની સિપ્રિનિડે (cyprinidae) કુળની માછલીઓ દાંત ધરાવતી નથી. તે ઝાલર-પ્રવર્ધો (gill rakers) વડે પાણીને ગળી માત્ર સૂક્ષ્મજીવોને ગ્રહણ કરે છે.

આધુનિક ઉભયજીવીઓના દાંત મૂળ અને ટોચ – એમ બે ભાગમાં વહેંચાયેલા હોય છે. તે ડૅન્ટાઇનના બનેલા હોય છે, પરંતુ આ બે ભાગો વચ્ચે અકેલ્શિકૃત (non-calcified) પેશી આવેલી હોય છે. ઉભયજીવીઓ જેમાં દાંત હોય છે, તેમાં પણ દાંતનું મુખ્ય કાર્ય મુખગુહામાં ગ્રહણ કરેલા પતંગિયા જેવા કીટકોને છટકી જતાં અટકાવવાનું હોય છે. માછલી અને ઉભયજીવીઓમાં બધા દાંત એકસરખા હોય છે. આ પ્રકારના દાંતને સમદંતી (હોમોડૉન્ટ) કહે છે. કેટલાંક સરીસૃપો અને મોટા ભાગનાં સસ્તનોમાં આવેલા દાંત જુદા જુદા પ્રકારના હોય છે. આ દાંતને વિષમદંતી (હેટરોડૅન્ટ) તરીકે ઓળખાય છે. કેટલાંક સરીસૃપો (ઉદા., કાચબા) દાંત ધરાવતા નથી.

દાંતોનું જડબાં સાથેનું જોડાણ : કાસ્થિમત્સ્યોના દાંત કાસ્થિતંતુ (Collagenous fibres) વડે જડબાં સાથે જોડાયેલા હોય છે; પરંતુ મોટાભાગના પૃષ્ઠવંશીઓમાં દાંત એક યા બીજી રીતે જડબાં સાથે સંધાયેલા હોય છે. આ સંધાન સિમેન્ટ કે તંતુ વડે જડબાંની અંદરની સપાટીએ થયેલું હોય છે. આ જોડાણ ધરાવતા દાંતને પાર્શ્ર્વદંત (pleurodont) કહે છે. જો આ જોડાણ (સંધાન) સખત પેશી વડે થયેલું અને સમરૂપ હોય તો આ પ્રકારના દાંત શિખરદંત (acrodont) કહેવાય છે. જો આવા દાંતો જડબાંમાં આવેલા પોલાણ સાથે મૂળ વડે સંધાયેલા હોય તો તે આવરણદંત (thecodont) તરીકે ઓળખાય છે. મોટા ભાગના પૃષ્ઠવંશીઓમાં ઘસાયેલા તેમજ નીકળી ગયેલા દાંતના સ્થાને સતત નવા દાંત નીકળતા હોય છે. આવા દાંતને બહુવૃદ્ધિ દંત (Polyphyodont) કહે છે. મોટા ભાગનાં સસ્તનોમાં માત્ર બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થામાં એ રીતે બે વાર દાંત નીકળે છે. આવા દાંતને દ્વિવૃદ્ધિદંત (diphyodont) કહે છે.

દાંતનો ઉગમ અને વિકાસ : જુઓ ‘દાંત અને દંતવિદ્યા : રચનાકાર્ય અને ગોઠવણી’.

નયન કે. જૈન

મ. શિ. દૂબળે

રા. ય. ગુપ્તે