ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર

March, 2016

ત્રિવેદી, જયંતીલાલ જટાશંકર (જ. 29 નવેમ્બર 1919, અમદાવાદ; અ. 8 જાન્યુઆરી 1994, અમદાવાદ) : રસાયણશાસ્ત્રના વિખ્યાત સંશોધક અને અધ્યાપક. પિતા જટાશંકરભાઈ પ્રાથમિક શાળાના આચાર્ય. જયંતીભાઈએ ચાર ધોરણ સુધીનો અભ્યાસ પિતાના માર્ગદર્શન નીચે ઘરે રહીને કરેલો તથા પાંચમા ધોરણથી નિશાળે જતા થયા. આર.સી. હાઈસ્કૂલમાં અભ્યાસ કરીને 1936માં તેઓ મૅટ્રિક થયા. વધુ અભ્યાસ માટે ગુજરાત કૉલેજમાં વિજ્ઞાન-વિદ્યાશાખામાં દાખલ થયા તથા 1940માં તેમણે બી.એસસી. પરીક્ષા પ્રથમ વર્ગ સાથે પાસ કરી. ગુજરાત કૉલેજમાં જ તેઓ 1940માં ડેમૉન્સ્ટ્રેટર તરીકે જોડાયા અને તે સાથે ડૉ. કે. એસ. નારગુંડના માર્ગદર્શન નીચે સંશોધન શરૂ કર્યું. તેમનું સંશોધન સીધું જ પીએચ.ડી. ની ઉપાધિ માટે રજૂ કરવામાં આવ્યું હતું. આમ, 1945માં પીએચ.ડી થયા. 1945થી 1946 સુધી તેઓ કૅલિકો મિલ સંચાલિત સારાભાઈ કેમિકલ્સમાં પ્રથમ વડોદરા અને પછી અમદાવાદમાં રિસર્ચ કેમિસ્ટ તરીકે  જોડાયા. 1946માં અમદાવાદ એજ્યુકેશન સોસાયટી દ્વારા એમ.જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટ શરૂ થતાં ત્યાં આસિ. પ્રોફેસર તરીકે જોડાયા. ત્યાં  તેમણે 1961 સુધી અધ્યાપન તથા સંશોધન ચાલુ રાખ્યું. 1961માં ખંભાતમાં નવી શરૂ થતી બી. સી. જલુંધવાલા વિજ્ઞાન કૉલેજમાં આચાર્ય તરીકે જોડાયા અને ત્યાં પણ એમ. એસસી. અને પીએચ.ડી. સુધીનાં અધ્યયન તથા સંશોધનની સગવડો ઊભી કરી. પછી 1971, જૂનથી 1980માં નિવૃત્ત થયા ત્યાં સુધી એમ. જી. સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આચાર્ય તરીકે કામ કર્યું તથા સંશોધન ચાલુ રાખ્યું. 1980ના માર્ચમાં નિવૃત્ત થયા બાદ ગુજરાત વિશ્વકોશનું કામ શરૂ કરવામાં આવતાં વિજ્ઞાનશાખાના સંપાદનની જવાબદારી ઉપરાંત સમગ્ર વિશ્વકોશના આયોજનમાં સક્રિય સહકાર આપ્યો. એ રીતે વિજ્ઞાન અંગેનું વિશ્વકોશનું પાયાનું  કામ તૈયાર કરવામાં તેમનો ફાળો ઉલ્લેખનીય છે. 1992માં તેઓ બીમાર પડતાં કામ ધીમું પડ્યું અને જાન્યુઆરી, 1994માં તેઓ અવસાન પામ્યા.

જયંતીલાલ જટાશંકર ત્રિવેદી

જયંતીભાઈનું રસાયણવિજ્ઞાન ઉપરાંત અન્ય વિજ્ઞાનશાખાઓનું જ્ઞાન એટલું પ્રગાઢ હતું કે અન્ય શાખાવાળા જિજ્ઞાસુઓ પણ તેમની વ્યાપક જ્ઞાનસમૃદ્ધિથી પ્રભાવિત થતા. તેમણે તેમના જીવનકાળ દરમિયાન લગભગ 35 વિદ્યાર્થીઓને પીએચ.ડીનું માર્ગદર્શન આપ્યું તથા લગભગ 75 જેટલા સંશોધનલેખો પ્રસિદ્ધ કર્યા.

ગુજરાત યુનિવર્સિટીની રસાયણશાસ્ત્રની અભ્યાસસમિતિના તેઓ સભ્ય હતા અને તેમના સંશોધન-પ્રદાનને આધારે તેમને ગુજરાત યુનિવર્સિટીએ ડૉ. કે. જી. નાયક ચંદ્રક આપી તેમનું બહુમાન કર્યું હતું.

જગદીશ જ. ત્રિવેદી