ત્રિવેદી, ચિમનલાલ (જ. 2 જૂન, 1929, મુજપુર, તા. સમી, જિ. મહેસાણા) : ગુજરાતી સાહિત્યના – ખાસ કરીને મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી, વિવેચક, સંપાદક અને સંનિષ્ઠ અધ્યાપક.

ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રશિષ્ટ રુચિ ધરાવતા, વિદ્યાર્થીવત્સલ, વિદ્વાન પ્રાધ્યાપક તરીકે જે થોડા મહાનુભાવોને આદરભર્યું સ્થાન સમાજમાં મળ્યું છે તેમાંના એક તે શ્રી ચિમનલાલ ત્રિવેદી. પિતાનું નામ શિવશંકર, માતાનું નામ ગોમતીબહેન. બહુ નાની વયે તારાબહેન સાથે લગ્ન.

તેમની શૈક્ષણિક કારકિર્દી  ખૂબ જ તેજસ્વી. મુખ્ય ગુજરાતી અને ગૌણ સંસ્કૃત વિષય સાથે મુંબઈ યુનિવર્સિટીમાંથી ઈ. સ. 1950માં પ્રથમ વર્ગ સાથે બી.એ.. આ સંદર્ભે તેમને કે. હ. ધ્રુવ અને રમણભાઈ નીલકંઠ પારિતોષિક મળેલ. આ જ વિષયો સાથે ઈ. સ. 1952માં ગુજરાત યુનિવર્સિટીમાંથી પ્રથમ વર્ગમાં એમ.એ. થઈ ‘ક્વીશ્વર દલપતરામ સુવર્ણચંદ્રક’ પ્રાપ્ત. 1961માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘કવિ નાકર : એક અધ્યયન’ નામે મહાનિબંધ તૈયાર કરીને પીએચ.ડી.ની ઉપાધિ મેળવી.

1950માં એલ.ડી. આર્ટ્સ કૉલેજમાં ફેલો અને 1951થી ગુજરાતીના અધ્યાપક તરીકે કામગીરી. ત્યારબાદ ઍલ્ફિન્સ્ટન કૉલેજ, મુંબઈ અને પછી સેંટ ઝેવિયર્સ કૉલેજ, અમદાવાદમાં અધ્યાપક–અધ્યક્ષ તરીકે અને પાછળથી છેલ્લાં કેટલાંક વર્ષો ડીન તરીકે સેવા આપેલી. અધ્યાપનક્ષેત્રે બધું મળી કુલ 39 વર્ષ કાર્ય કરી, જૂન, 1989માં નિવૃત્ત થયા હતા.

અધ્યાપકની કામગીરી સાથે જ લેખન-સંપાદનની પ્રવૃત્તિઓનો આરંભ. તેઓ અનેક સાહિત્યિક તેમ જ શૈક્ષણિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અને તેમણે અનેક પ્રકારની જવાબદારીઓ પણ નિભાવેલી. ‘ગુજરાતીનો અધ્યાપકસંઘ’માં તેઓ 12 વર્ષ સુધી મંત્રી રહેલા. 1987–1988ના વર્ષ દરમિયાન તેઓ આ સંસ્થાના પ્રમુખપદે પણ રહેલા. વર્ષો સુધી તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદના કોશાધ્યક્ષ તરીકે કામગીરી કરેલી. ગુ. સા. પરિષદના 1996થી છ વર્ષ સુધી ઉપપ્રમુખ રહેલા. 1993માં  કૉલકાતામાં ભરાયેલી સાહિત્ય પરિષદના અધિવેશનમાં વિવેચન-સંશોધન-વિભાગના અધ્યક્ષસ્થાને પણ રહેલા. આ સિવાય પણ તેઓ ‘મહાકવિ ન્હાનાલાલ ટ્રસ્ટ’, ‘પાઠક દંપતી ટ્રસ્ટ’, ‘અજિત ભગત મેમોરિયલ ટ્રસ્ટ’ વગેરે સાથે પણ સંકળાયેલા રહ્યા છે.

તેમની પાસેથી ‘ભાવલોક’ (1976), ‘ભાવમુદ્રા’, ‘ભાવબિંબ’, ‘ભાવરેખા’, ‘ભાવચર્યા’ વગેરે વિવેચનસંગ્રહો મળ્યા છે. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા પ્રકાશિત થયેલ ‘ભાવબોધ (2011)માં તેમણે પોતાના નિબંધોમાંથી પસંદ કરેલા નિબંધો સંપાદિત કરીને આપ્યા છે.

મધ્યકાલીન ગુજરાતી કવિ નાકર વિશેનો એમનો સર્વગ્રાહી અભ્યાસ નમૂનારૂપ છે. મધ્યકાલીન ઉપરાંત અર્વાચીન સાહિત્યનું પણ કેટલુંક મર્મદર્શી વિવેચન તેમણે આપ્યું છે. તેમની પાસેથી ‘ચોસઠનું ગ્રંથસ્થ વાઙ્મય : ગુજરાત સાહિત્ય સભા’ (1972) મળ્યું છે. તેમણે અન્ય સાથે રહી ‘અલંકાર દર્શન’, ‘ઊર્મિકાવ્ય’, ‘ગ્રંથ અને ગ્રંથકાર’ જેવા ગ્રંથો આપ્યા છે.

છંદશાસ્ત્ર – પિંગળશાસ્ત્રનો તેમનો અભ્યાસ ધ્યાનાર્હ છે. ‘પિંગલદર્શન’ (1953) તેમનું છાત્રોપયોગી પુસ્તક છે. પરિચય ટ્રસ્ટ તરફથી 2011માં આની સંક્ષિપ્ત આવૃત્તિ પ્રકાશિત થયેલી. ‘ગુજરાતીમાં છંદોરચના’ – એ તેમનો ઉલ્લેખનીય અભ્યાસલેખ છે.

તેમણે કૃતિલક્ષી, સ્વરૂપલક્ષી, કર્તાલક્ષી, આસ્વાદલક્ષી – એમ અનેક અભિગમોથી સંપાદનકાર્ય કર્યું છે. પ્રેમાનંદકૃત ‘સુદામાચરિત્ર’ (1963), ‘કુંવરબાઈનું મામેરું’, ‘અભિમન્યુ આખ્યાન’, ‘ઓખાહરણ’, વીરવિજયકૃત ‘શુભવેલી’ (1995) વગેરે તેમનાં સંપાદનો છે. ‘પરિવર્તનના પંથે’માં સ્વામી સચ્ચિદાનંદના અને ‘જીવનઘડતર’માં ફાધર વાલેસના લેખોનું સુંદર સંપાદન કર્યું છે. ‘દલપત ગ્રંથાવલિ’માં દલપતરામના કાવ્યસંગ્રહોનું સંકલન-સંપાદન છે. દિલ્હી સાહિત્ય અકાદમી તરફથી પ્રગટ થયેલા Medieval Indian Literature ગ્રંથ-1માં ગુજરાતી મધ્યકાલીન કવિતાનું સર્વેક્ષણ અને ગ્રંથ-2માં મધ્યકાલીન કવિતાનું અયન કરી તેના અંગ્રેજી અનુવાદો કરાવી સંપાદન કર્યું છે. આ ખૂબ મોટું, મહત્વનું ને નોંધપાત્ર કાર્ય છે. 2010માં સાહિત્ય અકાદમી, દિલ્હી દ્વારા તેમણે ‘પ્રેમાનંદ કાવ્યચયન’માં પ્રેમાનંદની કૃતિઓનું સંપાદન કર્યું છે તથા આ સંસ્થા નિમિત્તે તેમણે ‘મધ્યકાલીન ઊર્મિકાવ્યો’નું સહસંપાદન કર્યું છે. ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય નિમિત્તે પણ તેમણે અન્યના સહકારથી અનેક પ્રકારના નિબંધોના સંચયો કર્યા છે. ‘કાકા કાલેલકર ગ્રંથાવલિ’(1-15) ‘રા. વિ. પાઠક ગ્રંથાવલિ’(1-9), સાહિત્ય પરિષદ દ્વારા તૈયાર થયેલ ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ’ (ભાગ 1-4) , ‘અધીત’, ‘સંદર્ભ’, ‘શ્રેષ્ઠ ઉમાશંકર’, ‘શ્રેષ્ઠ ન્હાનાલાલ’, ‘શ્રેષ્ઠ રા. વિ. પાઠક’ તથા ‘ઉમાશંકરનાં શ્રેષ્ઠ કાવ્યો’, ‘ન્હાનાલાલનાં શ્રેષ્ઠ કાવ્યો’ અને ‘રા. વિ. પાઠકનાં શ્રેષ્ઠ કાવ્યો’ વગેરે તેમનાં સહસંપાદનો છે.

તેમને આવા પ્રશિષ્ટ વિવેચન-સંપાદનકાર્યના સંદર્ભમાં અનેક પુરસ્કારો–સન્માનો મળ્યાં છે. તેમને 1996માં ધનજી કાનજી ગાંધી ચંદ્રક, 1999માં ‘અનંતરાય રાવળ ક્રિટિક ઍવૉર્ડ’, સાહિત્ય અકાદમી – દિલ્હી દ્વારા ‘ભાષાસન્માન–2000 ઍવૉર્ડ’ પ્રાપ્ત થયેલ. ગુ. સા. અકાદમીનાં પારિતોષિકો પણ તેમને મળ્યાં છે. દિલ્હી સાહિત્ય અકાદમી દ્વારા ‘Writers Residency’ના પ્રોજેક્ટમાં તેઓ નિયુક્ત થયેલા. ગુજરાત સાહિત્ય સભા તરફથી ઈ. સ. 2009નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાયેલ. ઈ. સ. 2011માં ‘આગમપ્રભાકર પૂ. મુનિશ્રી પુણ્યવિજયજી મ. સા. ચંદ્રક’ અર્પણ કરી તેમનું સન્માન થયેલું.

શ્રદ્ધા ત્રિવેદી