ત્રિંકોમાલી : શ્રીલંકાનું પૂર્વ પ્રાંતનું જિલ્લામથક અને મહત્વનું બંદર. ભૌગોલિક સ્થાન : 8° 34’ ઉ. અ. અને 81° 14’ પૂ. રે.. વિસ્તાર : 2727 ચોકિમી. વસ્તી : 99,135 (2012). તે કોલંબોથી ઈશાન ખૂણે 230 કિમી. દૂર આવેલું છે. તેનું પ્રાચીન નામ ગોકન્ના છે. તેનું બારું ત્રિંકોમાલીના ઉપસાગર ઉપર આવેલા દ્વીપકલ્પ ઉપર છે. અગાઉ તે કોડ્ડિયાર તરીકે જાણીતું હતું. તેનો અર્થ નદીના ઉપસાગર ઉપરનો કિલ્લો છે. ત્રિંકોમાલીનું બારું દુનિયાનાં ઉત્તમ કુદરતી બારાં પૈકીનું એક છે.

તે 8° ઉ. અ. નજીક હોવાથી ઉનાળા અને શિયાળાના તાપમાનમાં બહુ ઓછો તફાવત રહે છે. બારે માસ હવા ભેજવાળી અને ગરમ રહે છે. તેમ છતાં સમુદ્રના સામીપ્યને લીધે આબોહવા સમધાત રહે છે. નૈર્ઋત્ય અને ઈશાની મોસમી પવનો ઉનાળા અને શિયાળામાં આશરે 1000 મિમી. વરસાદ આપે છે. કિનારાના પ્રદેશમાં નાળિયેરીનાં વૃક્ષો છે, જ્યારે સપાટ પ્રદેશમાં ડાંગરનો પાક બે વખત લેવાય છે. લોકોનો મુખ્ય વ્યવસાય ખેતીવાડી અને પશુપાલન છે, જ્યારે મચ્છીમારી ગૌણ વ્યવસાય છે. મોતી આપતી ઑઇસ્ટર માછલી અહીં ક્વચિત્ જોવા મળે છે.

ત્રિંકોમાલીનું ભૌગોલિક સ્થાન

ત્રિંકોમાલી રેલવેનું ટર્મિનસ છે અને લંકાનાં અગત્યનાં શહેરો સાથે રેલ તથા માર્ગો દ્વારા જોડાયેલું છે. 1960થી કોલંબો ખાતે સ્ટીમરની ભારે અવરજવર રહેતી હોવાથી અને લાંબો વખત સ્ટીમરને બારા બહાર રાહ જોવી પડતી હોવાથી ત્રિંકોમાલી ખાતે માલસામાનની ચડઊતર અગાઉ કરતાં વધી છે. અહીં વિમાની મથક પણ છે. અહીંથી ચાની નિકાસ નોંધપાત્ર પ્રમાણમાં થાય છે, ચામડાં તથા સૂકી માછલીની નિકાસ થોડા પ્રમાણમાં થાય છે.

પ્રાચીન કાળમાં ઇન્ડો-આર્યન આગંતુકોની પ્રમુખ વસાહત અહીં હતી. ઈ. સ. પૂ. 543થી તામિલ લોકો  અહીં વસે છે. તેમણે દ્વીપકલ્પને છેડે 1000 સ્તંભોવાળું મંદિર બાંધ્યું  હતું. પોર્ટુગીઝો અહીં સૌપ્રથમ સોળમી સદીમાં આવ્યા હતા. ઈ. સ. 1622માં આ મંદિરનો તેમણે નાશ કર્યો હતો અને તેના સ્થાને તેના પથ્થરોથી કિલ્લો બાંધ્યો હતો. 1639માં પોર્ટુગીઝોને હરાવીને ડચો અહીં આવ્યા હતા. તેમણે 1676માં ફૉર્ટ ફેડરિક બાંધ્યો હતો. ફ્રેન્ચો અને અંગ્રેજો વચ્ચે અઢારમી સદી દરમિયાન ભારતના કોરોમાંડલ કિનારા ઉપર પ્રભુત્વ જમાવવા માટે અનેક યુદ્ધો થયાં હતાં. અંગ્રેજોએ 1795માં ત્રિંકોમાલી ડચો પાસેથી જીતી લીધું હતું.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1942માં સિંગાપોરના પતન પછી અહીં ગ્રેટ બ્રિટને નૌકામથક સ્થાપ્યું હતું અને મ્યાનમાર  અને મલાયામાંનાં જાપાનનાં લશ્કરી મથકો ઉપર યુ.એસ.નાં યુદ્ધવિમાનો અહીંથી હુમલો કરતાં હતાં. 1948માં શ્રીલંકા સ્વતંત્ર થયું છતાં આ લશ્કરી મથક  બ્રિટનની હકૂમત નીચે તે અંગે થયેલા સંરક્ષણકરાર મુજબ 1957 સુધી રહ્યું હતું. સંરક્ષણકરાર રદ કરીને શ્રીલંકાની સરકારે આ મથકનો કબજો લીધો (1957).

શિવપ્રસાદ રાજગોર