તુલસીદાસ (જ. 1532, રાજાપુર, પ્રયાગ પાસે; અ. 1623, અસીઘાટ, વારાણસી, ઉ.પ્ર.) : હિંદીના યુગપ્રવર્તક સંતકવિ. હિંદી સાહિત્યના ભક્તિકાલની રામભક્તિ શાખાના તે પ્રતિનિધિ ગણાય છે. તેમના જન્મ તથા અવસાનના સમય વિશે ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી, પરંતુ જ્યોતિષની ગણતરી મુજબ તેમનો જન્મ સંવત 1589 (ઈ. સ. 1532)માં થયો હતો એવો વિદ્વાનોનો મત છે. તેમના જન્મસ્થાન અંગે પણ વિવાદ છે. કેટલાક વિદ્વાનોના મત મુજબ તેમનો જન્મ બાંદા જિલ્લાના રાજાપુર ગામમાં થયો હતો તો બીજા કેટલાકના મતે રામપુરની નજીકનું સોરો ગામ તેમનું જન્મસ્થાન હતું. સરયુપાણીય બ્રાહ્મણ કુળમાં જન્મેલા આ બાળકના પિતાનું નામ આત્મારામ દુબે તથા માતાનું નામ હુલસી હતું. બાલ્યાવસ્થામાં તેમને વિકટ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. બાળપણમાં જ તેમનાં માતાપિતાનું અવસાન થયું હતું અને ભરણપોષણ માટે તેમને ભિક્ષા માગવી પડતી હતી. થોડાક સમય બાદ તેમણે રામભક્તિની દીક્ષા લીધી હતી. તેમના ગુરુનું નામ સંભવત: નરહરિદાસ હતું, જોકે આ વિશે પણ વિદ્વાનોમાં મતભેદ છે. લોકવાયકા મુજબ તેમનાં લગ્ન દીનબંધુ પાઠકની પુત્રી રત્નાવલી સાથે થયાં હતાં. પત્ની પ્રત્યેની વધુ પડતી આસક્તિને કારણે એક વાર પત્નીએ તેમને ઠપકો આપ્યો હતો અને ત્યારથી તેમનું મન સંસારમાંથી વિમુખ થઈ ઈશ્વરભક્તિ તરફ વળ્યું હતું.

તુલસીદાસ

તુલસીદાસ દ્વારા રચિત ઘણા ગ્રંથો ઉપલબ્ધ છે. હિંદીના સુપ્રસિદ્ધ વિદ્વાન આચાર્ય રામચંદ્ર શુક્લે તેમના નાનામોટા બાર ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે :

‘દોહાવલી’, ‘કવિતાવલી’, ‘ગીતાવલી’, ‘રામચરિતમાનસ’, ‘રામાજ્ઞા પ્રશ્નાવલી’ તથા ‘વિનયપત્રિકા’ – આ છ તેમના મોટા ગ્રંથો છે તથા ‘રામલલા નહછૂ’, ‘પાર્વતીમંગલ’, ‘જાનકીમંગલ’, ‘બરવૈ રામાયણ’, ‘વૈરાગ્યસંદીપિની’ તથા ‘કૃષ્ણગીતાવલી’ આ છ તેમના નાના ગ્રંથો છે.

‘રામચરિતમાનસ’ એ એક ચરિત્રકાવ્ય છે, જેમાં રામના સંપૂર્ણ જીવનનું વર્ણન છે. તેમાં ચરિત્ર કાવ્ય તથા ભક્તિનો ઉત્તમ સંગમ થયેલો છે. આ રચના અવધી બોલીમાં દોહા-ચોપાઈ છંદોમાં કરેલી છે. વચ્ચે વચ્ચે અન્ય છંદોનો પણ ઉપયોગ થયો છે. આઠ અથવા અધિક અર્ધચરણ પછી દોહા છે જેને કડવું કહેવામાં આવે છે. કુલ 1074 કડવાં છે. ‘રામચરિતમાનસ’માં રામ, સીતા, ભરત વગેરે દ્વારા ઉદારતા, ક્ષમા, ત્યાગ, ધૈર્ય અને સહનશીલતાથી યુક્ત સમાજ માટે કલ્યાણકારી ગુણોવાળી માનવતાના શ્રેષ્ઠ રૂપની પ્રતિષ્ઠા થઈ છે. આ રચનાએ જનમાનસમાં અસાધારણ સન્માન પ્રાપ્ત કર્યાંનું આ જ મુખ્ય કારણ છે. ‘કવિતાવલી’ વ્રજભાષામાં લખેલો કવિત-સવૈયાનો સંગ્રહ છે. છંદોના બે વિભાગ છે. એક રામકથા સાથે સંબંધિત અને બીજો વિવિધ વિષયો સાથે સંબંધિત છે. બીજા વિભાગના છંદો માત્ર ઉત્તરકાંડમાં છે. કેટલાક છંદો કવિના જીવનવૃત્તાંત પર પ્રકાશ પાડે છે. ‘કવિતાવલી’નું સ્વરૂપ મુક્તક છે. એને લીધે, સંભવ છે કે વિભિન્ન કાંડોમાં થયેલ કથાવિભાજનમાં ન તો તારતમ્ય છે કે ન સંતુલન. અરણ્યકાંડમાં માત્ર એક જ છંદ છે. બધી છંદરચનાઓ પ્રૌઢ છે. ‘ગીતાવલી’માં કવિએ જુદા જુદા સમયે રચેલાં કાવ્યોનો સંગ્રહ છે. તે સાત કાંડોમાં વિભાજિત છે. કુલ 328 પદ છે. જે માત્ર ભક્તસમુદાય માટે કરેલાં છે. ‘વિનયપત્રિકા’માં કુલ 269 સ્તોત્ર તથા ગીત સંગૃહીત છે. પ્રારંભમાં 63 સ્તોત્ર અને ગીતો દ્વારા દેવદેવીઓનાં ગુણગાન કરવામાં આવ્યાં છે. વચ્ચે વચ્ચે રામભક્તિ અને આત્મનિવેદનને લગતાં પદો આવે છે. અંતિમ ત્રણ પદો હનુમાન, શત્રુઘ્ન, ભરત અને લક્ષ્મણને અનુરોધરૂપ છે. અંતે રામ તુલસીદાસની વિનયપત્રિકાનો સ્વીકાર કરે છે. આત્મલક્ષી સાહિત્યમાં ‘વિનયપત્રિકા’ અદ્વિતીય ગણવામાં આવે છે. વૈરાગ્યના પ્રથમ સોપાનથી શરૂ કરીને અંતમાં પ્રભુકૃપાની પ્રાપ્તિ સુધીનાં અનેક સોપાનોમાં તપસ્વી રામનાં શીલસ્વભાવનાં ગુણગાન છે.

‘દોહાવલી’ એ 573 દોહાનો સંગ્રહ છે, જેમાં અનેક વિષયો સામેલ કરવામાં આવ્યા છે. તેમાંના ચાતકની અનન્ય નિષ્ઠા વિશેના દોહા મનોહર છે. તેમાંના કેટલાક છંદોને આ સંતકવિના જીવનની ઘટનાઓ સાથે સંબંધ છે. ‘રામાજ્ઞા પ્રશ્ન’ની રચના રામકથા દ્વારા પ્રાપ્ત થતા, શુભાશુભ ફળના પરિપ્રેક્ષ્યમાં કરવામાં આવી છે. સમગ્ર કૃતિ દોહામાં રચવામાં આવી છે. જે સાત સાત સપ્તકોના સાત સર્ગોમાં વિભાજિત છે. પ્રત્યેક દોહાના પૂર્વાર્ધમાં રામકથાનો કોઈ પ્રસંગ છે તથા ઉત્તરાર્ધમાં શુભાશુભ ફળનો સંકેત છે. આ કૃતિ અવધી ભાષામાં લખાયેલી છે. એક દોહાના આધારે રચનાનો સમય સંવત 1621 (ઈ. સ. 1564) નિર્ધારિત થાય છે. સોહર અને હરિગીતિકા છંદોમાં રચાયેલી કૃતિઓ ‘જાનકીમંગલ’ તથા ‘પાર્વતીમગંલ’માં ક્રમશ: રામસીતા તથા શિવપાર્વતીના લગ્નનું  વર્ણન છે. ‘રામલલા નહછૂ’માં લગ્ન પહેલાં નખ કાપવાની વિધિનું સરળ અને લોકભોગ્ય શૈલીમાં વર્ણન કરવામાં  આવ્યું છે. ‘કૃષ્ણગીતાવલી’માં કૃષ્ણચરિત્ર સાથે સંબંધિત 61 ગીતો છે જેમાં કૃષ્ણના કોમલ મધુર રૂપનું વર્ણન કરવામાં આવ્યું છે. પરંતુ આ કૃતિમાં પણ મર્યાદાવાદનું નિરૂપણ કરવામાં આવ્યું છે. વાતચીતની વ્રજ ભાષામાં તે લખાયેલી છે. ‘બરવૈ રામાયણ’ 69 બરવૈ છંદોમાં લખેલી અને સાત કાંડોમાં વિભાજિત રચના છે. પ્રથમ છ કાંડોમાં રામકથા છે તથા ઉત્તર કાંડમાં રામભક્તિના છંદ છે. દોહા-ચોપાઈમાં રચિત ‘વૈરાગ્યસંદીપની’માં વૈરાગ્યનો ઉપદેશ છે.

તુલસીદાસની બધી જ રચનાઓમાં ભાવવૈવિધ્ય જોવા મળે છે. આ સંતકવિએ રામભક્તિના માધ્યમ દ્વારા લોકોના માનસ પર વિશ્વાસ સંપાદન કર્યો. રાજનૈતિક, સામાજિક અને પારિવારિક જીવનના વિભિન્ન આદર્શો પ્રસ્તુત કરીને વિશૃંખલ સમાજને એકત્રિત કર્યો. તેમાં તુલસીદાસની સ્વાભાવિક, સરળ તથા લોકકલ્યાણની ભાવના સમન્વિત છે. તેમણે મર્યાદાપુરુષોત્તમ રામનાં શીલ, શૌર્ય અને સૌંદર્યના ગુણગાનને માધ્યમ બનાવીને લોકકલ્યાણનો માર્ગ દર્શાવ્યો. સમન્વય એ તેમની સર્વાધિક વિશેષતા છે. રામ અને શિવને એકબીજાના ભક્ત દર્શાવીને તેમણે વૈષ્ણવ અને શૈવ સંપ્રદાયોને સમાન ભૂમિકા બક્ષી. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદીના મંતવ્ય અનુસાર તુલસીદાસે માત્ર લોક અને શાસ્ત્રોનો જ નહિ, પરંતુ ગાર્હસ્થ્ય અને વૈરાગ્યનો, ભક્તિ અને જ્ઞાનનો. ભાષા અને સંસ્કૃતિનો, નિર્ગુણ અને સગુણનો, પુરાણ અને કાવ્યનો સમન્વય કર્યો છે.

ભાવવૈવિધ્યને અનુરૂપ શૈલીની વિવિધતા પણ તુલસીદાસની વિશેષતા છે. છપ્પયપદ્ધતિ, ગીતપદ્ધતિ, કવિત-સવૈયાપદ્ધતિ, સૂક્તિ-પદ્ધતિ તથા દોહા-ચોપાઈની પ્રબન્ધપદ્ધતિ વગેરે બધી જ શૈલીઓનો તેમણે ઉપયોગ કરેલો છે. પ્રબન્ધ અને મુક્તક – બંને પ્રકારનાં ઉત્કૃષ્ટ ઉદાહરણો એમની રચનાઓમાં જોવા મળે છે. ‘રામચરિતમાનસ’ હિંદી ભાષાનું સર્વોત્તમ પ્રબન્ધકાવ્ય  છે તેમ જ ‘જાનકીમંગલ’, ‘પાર્વતીમંગલ’, ‘રામલલા નહછૂ’ સુંદર ખંડકાવ્યો છે; ‘ગીતાવલી’, ‘કૃષ્ણગીતાવલી’ ‘વિનયપત્રિકા’ ઉત્તમ ગીતિકાવ્યો છે. પ્રબન્ધસૌષ્ઠવ, પ્રકૃતિવર્ણન, અલંકારપ્રયોગ અને ભાષા તથા છંદોના પ્રયોગોની ર્દષ્ટિએ તુલસીદાસ ખરેખર અદ્વિતીય કલાકાર છે. તેમણે વ્રજ તથા અવધી – આ બંને ભાષાઓનો પ્રયોગ સમાન અધિકારથી કર્યો છે.

તુલસીદાસ હિંદીના મહાકવિ છે.

તુલસીદાસનું ચિંતન સમન્વયવાદી હતું. શંકરાચાર્યનો અદ્વૈતવાદ તથા રામાનુજાચાર્યનો વિશિષ્ટાદ્વૈતવાદ – આ બંનેનો સમન્વય કરવાની ભૂમિકા તેમણે સ્વીકારી હતી. તેમણે માયાનાં બે સ્વરૂપો દર્શાવ્યાં છે. અવિદ્યા માયા તથા વિદ્યા માયા. અવિદ્યા માયા માણસને સાંસારિક પ્રવૃત્તિઓ તરફ આકર્ષે છે. જ્યારે વિદ્યા માયા બ્રહ્મની શક્તિનું પ્રતીક હોવાથી તે માણસને જીવનમુક્તિ તરફ લઈ જાય છે. અવિદ્યા માયા જીવને પતન તરફ ધકેલે છે, જ્યારે વિદ્યા માયા તેને ઊર્ધ્વજીવન તરફ પ્રોત્સાહિત કરે. તુલસીદાસ ભક્તિમાર્ગને સર્વશ્રેષ્ઠ ગણે છે. તેમનો ભક્તિમાર્ગ રામની અનન્ય ભક્તિ પર અધિષ્ઠિત થયેલો છે. તેમના ભક્તિમાર્ગમાં રામ અને તેના ભક્ત વચ્ચે સેવ્યસેવકસંબંધ સ્વીકારવામાં આવ્યો છે. તેમણે નવધા ભક્તિનો પુરસ્કાર કર્યો છે. રામનામના માહાત્મ્ય પર પણ તેમણે ભાર મૂક્યો છે. રામની ભક્તિ કરતી વેળાએ અહંકારનો ત્યાગ કરી વિનયશીલતા દર્શાવવાથી જ સાચી મુક્તિ પ્રાપ્ત થઈ શકશે એવી તેમની રજૂઆત હતી. અહંકારનો ત્યાગ આત્મપરીક્ષણ તથા સ્વદોષોની તીવ્ર સભાનતા વિના શક્ય નથી એવું તેઓ માનતા હતા. રામની નિરપેક્ષ ભક્તિ માટે તેમણે સત્સંગ, જ્ઞાન, વૈરાગ્ય, તપ, સંયમ, શ્રદ્ધા, પ્રેમ, ભગવતકૃપા વગેરે બાબતો પર ભાર મૂક્યો છે. તેમણે માનવતાવાદી ધર્મનો પ્રચાર કર્યો હતો. વેદ, ઉપનિષદ, ગીતા, ભારતીય ચિંતન વગેરે દ્વારા વ્યક્ત થયેલ પરંપરાઓના પાયા પર તેમણે તેમના માનવતાવાદી ધર્મનું નિરૂપણ કર્યું હતું અને તેને લીધે જ તેમણે શીખવેલા ધર્મની ઉદાત્ત ભાવનાએ લોકમાનસમાં ચિરંતન સ્થાન પ્રાપ્ત કર્યું છે.

ગીતા જૈન

અનુ. બાળકૃષ્ણ માધવરાવ મૂળે