તુલસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા લેમિયેસી (લેબીયેટી) કુળની એક જાતિ. તેનું વૈજ્ઞાનિક નામ Ocimum sanctum Linn. (સં. पर्णाशा वृंदा, पत्रपुष्पा, गौरी विष्णुप्रिया, गंधहारिणी, अमृता, पवित्रा, मंजरी, सुभगा, पापघ्नी, तीव्रा; ગુ., હિં. બં., તે. મલ., તુલસી; તા. થુલસી, મ. તુળસ, તુળસી; કન્ન; વિષ્ણુતુલસી, શ્રીતુલસી; અં. Sacred Basil, Holy Basil) છે. તે ટટ્ટાર, શાકીય, બહુશાખિત, મૃદુરોમિલ, એકવર્ષાયુ અને 30થી 75 સેમી. ઊંચી હોય છે. તે સમગ્ર ભારતમાં હિમાલયમાં 1800 મી. ઊંચાઈથી માંડી આંદામાન અને નિકોબારના ટાપુઓમાં પણ થાય છે. તેનાં પર્ણો 2.5 થી 5.0 સેમી. લાંબાં અને 1.5 થી 3.0 સેમી. પહોળાં, ઉપવલયી-લંબચોરસ (elliptic-oblong), અણીદાર કે બુઠ્ઠા પર્ણાગ્રવાળાં, પર્ણકિનારી અખંડિત કે દાંતાવાળી, બંને સપાટીએ રોમિલ (pubescent), સૂક્ષ્મ ટપકાં જેવી ગ્રંથિઓ ધરાવે છે. કલગી પુષ્પ-વિન્યાસ 15થી 20 સેમી. લાંબો; પ્રત્યેક ગાંઠ પર પુષ્પો કૂટ ચક્રક(verticillaster)માં ગોઠવાયેલાં; જાંબલી કે કિરમજી રંગનાં; અનિયમિત, દ્વિલિંગી, અધોજાયી, નિપત્રી, દ્વિઓષ્ઠીય, (bilabiate ringent); વજ્ર દીર્ઘાયુ, રોમિલ, દ્વિઓષ્ઠીય, ઉપલો ઓષ્ઠ પહોળો, અંડાકાર કે ઉપવૃત્તાકાર (suborbicular), વલિત (reflexed), નીચેનો ઓષ્ઠ ઉપલા ઓષ્ઠ કરતાં મોટો, તેના બે પાર્શ્વીય દાંત ટૂંકા અને સીધા અને બે મધ્યસ્થ દાંત લાંબા, પાતળા શૂક (awn) સ્વરૂપે ઉપરની તરફ વળેલા; દલપુંજ લાંબો, જાંબલી રંગનો, દ્વિઓષ્ઠીય, ઉપલો ઓષ્ઠ પૃષ્ઠ સપાટીએ રોમમય, પુંકેસરો ચાર, દ્વિદીર્ઘક (didynamous), ઉપરની પુંકેસરની જોડ નાની, તેના તલપ્રદેશે રોમમય ઉપાંગ; બીજાશય દ્વિયુક્તસ્ત્રીકેસરી, ઊર્ધ્વસ્થ, ચતુષ્કોટરીય અક્ષવર્તી જરાયુવિન્યાસ, પ્રત્યેક કોટરમાં એક જ અંડક; પરાગવાહિની જાયાંગતલી (gyno basic); પરાગાસન દ્વિશાખિત; કાષ્ઠફલિકા ઉપગોલાકાર (subglo bose) કે પહોળી ઉપવલયાકાર, થોડી ચપટી, લગભગ લીસી, આછી બદામી કે લાલ હોય છે અને નાનાં કાળાં ચિહનો ધરાવે છે.

આ જાતિના બે પ્રકારો છે : (1) શ્રીતુલસી – તેનાં પર્ણો લીલાં હોય છે અને પુષ્કળ પ્રમાણમાં મળી આવે છે. (2) કૃષ્ણ કે કાળી તુલસી. તેનાં પર્ણો જાંબલી હોય છે. બંનેનું પ્રસર્જન બીજ દ્વારા થાય છે. કૃષ્ણતુલસી શ્રીતુલસી કરતાં વધારે ગુણવત્તા ધરાવે છે. તેના પર Oidium sp. (ચૂર્ણિલ આસિતા, powdery mildew), Rhizoctonia solani Kuhn. (બીજાંકુર શીર્ણતા, Seedling blight) અને Rhizoctonia bataticola (Taub) Butter. (મૂલ-વિગલન root rot) નામની ફૂગ આક્રમણ કરી રોગો લાગુ પાડે છે.

પર્ણોનું બાષ્પ-નિસ્યંદન કરતાં ચળકતું, પીળું, બાષ્પશીલ અને લવિંગ જેવી સુગંધવાળું તેલ ઉત્પન્ન થાય છે. એક વૈજ્ઞાનિક વિશ્લેષણ મુજબ કૃષ્ણતુલસીનું ઉત્પાદન 0.1થી 0.23 %, વિ. ગુ. 0.9421થી 1.0280; ઍસિડ-મૂલ્ય 1.1થી 1.6; ફિનોલ્સ 45 % થી 76 % અને આલ્ડીહાઇડ્સ, 15 %થી 25 % અને શ્રીતુલસીનું ઉત્પાદન 0.20 %થી 0.33 %; વિ.ગુ.; 0.9255 થી 1.242; ઍસિડ-મૂલ્ય, 1.0થી 2.4; ફિનોલ્સ 50 % થી 76 % અને આલ્ડીહાઇડ્સ, 10 %થી 15 % ધરાવે છે. આ નિષ્કર્ષ આશરે 0.7 % બાષ્પશીલ તેલ, યુજેનોલ, 71.3 %; મિથાઇલ યુજેનોલ 20.4 %; કાર્વાક્રોલ, 3.2 % અને કેર્યોફાઇલીન 1.7 % ધરાવે છે. ફિલિપાઇન્સમાં થતી તુલસીના નિસ્યંદનથી પ્રાપ્ત થતા તેલની શતપુષ્પા (anise) જેવી મીઠી સુગંધ હોય છે. તેમાં મિથાઇલ ચેવીકોલ, સાયનિયોલ અને લીનાલૂલ હોય છે. તેલમાં રહેલા મેદીય અમ્લોનું પ્રમાણ પામીટિક, 6.9 %; સ્ટીઅરીક, 2.1 %, ઑલિક 9.0 %; લીનોલિક 66 % અને લીનોલેનિક 15.7 % હોય છે. બાષ્પશીલ તેલ ઉપરાંત, તે આલ્કેલોઇડ, ગ્લાયકોસાઇડ અને ટૅનિન ધરાવે છે. પર્ણોમાં ઍસ્કોર્બિક ઍસિડ 83 મિગ્રા./100 ગ્રામ અને કૅરોટિન 2.5 મિગ્રા./100 ગ્રામ હોય છે.

તુલસી : (1) માંજર સહિતની શાખા, (2) માંજર, (3) માંજરનો ઊભો છેદ, (4) તુલસીનું બી.

બીજ શ્લેષ્મી હોય છે અને તેમાં હેક્ઝોયુરોનિક ઍસિડ 27.2 %; પેન્ટોસીસ 38.9 % અને ભસ્મ 0.2 % હોય છે. તેના જલીકરણથી ઝાયલોઝ અને ઍસિડ પૉલીસૅકેરાઇડ ઉત્પન્ન થાય છે. આ પૉલીસૅકેરાઇડ ઝાયલોઝ અને ગ્લુક્યુરોનિક ઍસિડની 2:1 મોલર ગુણોત્તરમાં બનેલી હોય છે.

તેલ પ્રતિજીવાણુક (antibacterial) અને કીટનાશક (insecticidal) ગુણધર્મો ધરાવે છે. તે Mycobacterium tuberculosis અને Micrococcus pyogenes var. aureusની પાત્રે (in vitro) વૃદ્ધિ અવરોધે છે. તે સ્ટ્રૅપ્ટોમાયસિનની દસમા ભાગની અને આઇસોનાએઝીડની ચોથા ભાગની ક્ષમતા ધરાવે છે. મચ્છર સામે નોંધપાત્ર કીટનાશક ક્રિયાશીલતા દર્શાવે છે. છતાં તેની પાયરેથ્રમ સાથે તુલના ન થઈ શકે. તેની મચ્છર પ્રતિકર્ષી (insect-repellent) ક્રિયા લગભગ 2.0 કલાક સુધી ટકે છે. શ્રીતુલસીનું તેલ Salmonella typhosa સામે સક્રિય હોય છે. પર્ણોના ઈથર અને આલ્કોહૉલ નિષ્કર્ષો Escherichia coli સામે ક્રિયાશીલ છે.

સમગ્ર ભારતમાં હિંદુઓ આ વનસ્પતિને પવિત્ર માને છે અને મંદિરોમાં ઉગાડાય છે તેમજ દેવની પૂજામાં તેનો ઉપયોગ થાય છે. તે ખાદ્યઉત્પાદન (pot-herb) વનસ્પતિ ગણાય છે. પર્ણોનો સલાડ અને અન્ય ખોરાકમાં મસાલા તરીકે ઉપયોગ થાય છે.

આયુર્વેદ અનુસાર તુલસી તીખી, ગરમ, તીક્ષ્ણ, દાહકર, પિત્તકર, પ્રસ્વેદક, પૌષ્ટિક, કફોત્સારક, કાલિકજ્વરરોધી (antiperiodic), ક્ષુધાવર્ધક, હૃદ્ય, તૂરી અને અગ્નિદીપક છે. તે વાયુ, શ્વાસ, કાસ, કૃમિ, ઊલટી, દુર્ગંધ, કોઢ, પાર્શ્વશૂળ, વિષ, મૂત્રકૃચ્છ, રક્તદોષ, શૂળ, તાવ અને હેડકીનો નાશ કરે છે.

આળસ, સુસ્તી, અરુચિ, દાહ, વાતવિકાર, પિત્ત, શરદી અને ખાંસી પર તુલસીની ચા ઉપયોગી છે. આશરે 10 ગ્રા. કે વધારે તુલસીનાં પર્ણો 250 મિલી. પાણીમાં નાખી અર્ધું અથવા ચતુર્થાંશ  ભાગનું પાણી બાળીને તુલસીની ચા તૈયાર કરી શકાય છે. ઉપરાંત, તેમાં તેટલું દૂધ, 10થી 20 ગ્રા. સાકર અને એક કે બે એલચી ઉમેરીને કાઢો બનાવી શકાય છે. શરદીમાં કે શરદીના તાવમાં તુલસીનો રસ, આદુનો રસ અને મધનું અનુપાન અત્યંત લાભદાયી ગણાય છે. કાયમી શરદીમાં પણ નિયમિતપણે તુલસીનો રસ અને મરી નંગ 5નું ચૂર્ણ મધ સાથે મેળવી ચાટી જવાથી લાભ થાય છે. મણિયારીના વિષ પર કૃષ્ણ-તુલસીનાં પર્ણોનો રસ આપવામાં આવે છે. દાંત ભીડાઈ જાય ત્યારે આ રસ નાકના છિદ્રમાં પાડવામાં આવે છે અને હાથ-પગને તળિયે ઘસવામાં આવે છે. વિષમજ્વરમાં પણ તુલસીનાં પર્ણોનો રસ અને મરીની ભૂકી આપવામાં આવે છે. રક્તાતિસારમાં તુલસીનાં બી રાત્રે પાણીમાં ભીંજવી રાખી સવારે ચોળીને પીવાનાં હોય છે. બાળકોને ઊલટી અને અતિસાર પર તુલસીનાં બી વાટી ગાયના દૂધમાં આપવામાં આવે છે. તેમને થતા જઠરના રોગોમાં પર્ણોનો આસવ (infusion) ક્ષુધાવર્ધક તરીકે ઉપયોગી છે. વીંછીનો દંશ, ઉંદરનું વિષ અને શીતળામાં પણ તુલસીનો રસ ઉપયોગી ગણાયો છે. વાયુહારક ચૂર્ણ બનાવવા કૃષ્ણતુલસી, નગોડ, ભાંગરો અને વાયવરણો અનુક્રમે 6:4:6:1 ના પ્રમાણમાં લેવામાં આવે છે. આ ચૂર્ણ મધ સાથે આપવામાં આવે છે. વાયુ પર તુલસીનો રસ, આદુનો રસ, મરીની ભૂકી અને ઘી અથવા મધ સાથે લેવાય છે. રતાંધળાપણામાં તુલસીના રસનાં બે ટીપાંનો 14 દિવસનો પ્રયોગ થાય છે. કૃષ્ણ મધુરજ્વર પર કૃષ્ણતુલસી, જંગલી તુલસી અને ફુદીનાનો રસ ફાયદાકારક છે. શીતપિત્ત પર તુલસીનો અંગરસ શરીર પર ચોળવામાં આવે છે. દાદર પર તુલસીનાં પર્ણોનો રસ, ગાયનું ઘી અને ચૂનો કાંસાના વાસણમાં ખરલ કરી મિશ્રણ બે વાર ચોળવામાં આવે છે. તુલસીના મૂળનો ક્વાથ પીવાથી ખૂજલી, દાહ, દાદર અને ખસ જેવા રક્તદોષજન્ય રોગો મટે છે. આગંતુક જ્વર પર કૃષ્ણતુલસીનાં પર્ણો, સૂંઠ અને સાકરનો કાઢો ફાયદાકારક છે. કાન પાકે ત્યારે કૃષ્ણતુલસી અને ભાંગરાના રસનાં ટીપાં નાખવામાં આવે છે. જખમમાંથી રક્ત નીકળે ત્યારે તુલસીનાં પર્ણોનો લેપ લગાડવામાં આવે છે. ત્રિદોષજન્ય ઊલટી પર તુલસીનો રસ અને એલચીનું ચૂર્ણ લેવામાં આવે છે. ધનુર્વાત પર કૃષ્ણતુલસી, લીલું લસણ અને ડુંગળીનો રસ ત્રણ માસા પિવડાવવામાં અને થોડો શરીર પર ચોળવામાં આવે છે. વાતશોથ પર તુલસીનો રસ, મરીની ભૂકી અને ઘી નાખીને તે રસ પિવડાવાય છે. તેના નિયમિત સેવનથી જીવનશક્તિમાં વધારો થાય છે.

તાવ ઉતારવા માટે પરસેવો વળે તેવાં ઔષધોની આડઅસર હૃદય પર થાય છે. તેને બદલે તુલસીનાં આશરે 7 પર્ણો મરી નંગ 5 સાથે ચાવી તેના પર તુલસી અને સૂંઠનો ઉકાળો લઈ ઓઢીને સૂવાથી પરસેવો વળે છે અને તાવ ઊતરી જાય છે. રુધિરમાં રહેલાં રોગજનક તત્વો(pathogens)નો નાશ થાય છે. શીતજ્વરમાં તેનાં મૂળના ઉકાળાનો પ્રસ્વેદક તરીકે ઉપયોગ થાય છે.

પાચનશક્તિ ઓછી હોય ત્યારે તુલસી અને આદુંના રસનું નિયમિત સેવન કરવાથી પાચકરસો પૂરતા પ્રમાણમાં ઝરે છે. ભૂખ લાગે છે; વાયુ થતો નથી અને પેટ સાફ રહે છે. કૉલેરામાં તુલસી, આદું, ફુદીનો અને લીંબુનો ઉપયોગ લાભદાયી છે. તુલસી જંતુઘ્ન હોવાથી કૉલેરામાં તેનો ઉપયોગ સારું પરિણામ આપે છે.

તુલસીમાં રહેલા બાષ્પશીલ તૈલી પદાર્થને કારણે શીતજ્વરનાં મચ્છરો છોડની આસપાસ ફરતા નથી. તે વાતાવરણ શુદ્ધ કરે છે. તુલસીના છોડનો બહોળા પ્રમાણમાં ઉછેર કરવાથી મચ્છરો અને શીતજ્વર પર નિયંત્રણ કરી શકાય છે.

તુલસીનાં બીજ શામક (demulcent) હોય છે. તે મૂત્રજનનતંત્રના રોગોમાં અપાય છે. તે ઍન્ટિસ્ટેફીલોકોએગ્યુલેઝ ધરાવે છે, જેનું નિષ્કર્ષણ પાણી અને આલ્કોહૉલમાં થઈ શકે છે.

કૃષ્ણતુલસીનાં 100 પર્ણો વાટી દૂધ મેળવતી વખતે તેમાં નાખી દેવાં અને 3થી 4 કલાક પછી દહીં મળી જાય ત્યારે તે દહીંને સ્વચ્છ કપડાથી ગાળી તેમાં મધ કે સાકર યોગ્ય પ્રમાણમાં નાખી આ પ્રયોગ કરતાં કૅન્સરમાં 70 %થી 80 % જેટલી સફળતા પ્રાપ્ત થયાનું નોંધાયું છે.

ડૉ. ઉપેન્દ્રરાય સાંડેસરાએ તેમના ‘તુલસીચિકિત્સા કેન્દ્ર’ના વિસ્તૃત અનુભવ પરથી તુલસીને રોગનિવારક મહાઔષધ ગણ્યું છે. તેમના જીવનકાળ દરમિયાન સંધિશોથ (arthritis), અસ્થિ સંધિશોથ (osteoarthritis), સ્નાયુનો દુ:ખાવો, તીવ્ર શરદી, નાડીવ્રણ (sinus), ગલતુંડિકા (tonsils), ચિરકારી વૃક્કીયપાત (chronic renal failure), કેશિકાગૃચ્છ વૃક્કશોથ (glomerule nephritis), પાઇલોનેફ્રાઇટિસ, પથરી, મૂત્રનળી-સંકોચ (stricture of urethra), લ્યુકોડર્મા, ત્વચા-કઠિનતા (scleroderma), અસ્થિમજ્જાશોથ (osteomyelitis), જરાજન્ય અસ્થિછિદ્રતા (senile osteoporosis), રુધિર કોલેસ્ટેરોલ, રુધિરનું ઉચ્ચ અને નિમ્ન દબાણ, મંદાગ્નિ, કબજિયાત, અમ્લતા (acidity), જઠરનાં ચાંદાં, કમળો, મરડો, બૃહદાંત્રશોથ (colitis), કૃમિ, ભગંદર, મધુપ્રમેહ, પુર:સ્થશોથ (prostatitis), ફાયલેરિયાસિસ, જીર્ણ તાવ, માનસિક મંદતા, ચિત્તભ્રમ, પ્રેરક ચેતાકોષકોશિકા રોગ (motor neuron disease), હીસ્ટિરિયા, વાઈ, આધાશીશી, નાભિની નીચેનો લકવો, કફ, અરક્તતા (anaemia) બિંબાણુ અલ્પતા (thrombocytopenia), હીમોગ્લોબિનની ત્રુટિ, તીવ્ર ઇઓસીનોફીલીઆ, ખાંસી, શ્વેતકણાધિક્ય (leucocytosis), સ્ત્રીઓમાં અલ્પાર્તવ, અત્યાર્તવ, પીડિતાર્તવ, શ્વેતપ્રદર, ભગત્વચાક્ષીણતા, ગ્રૈવમણિકોપ (cervical spondylitis) રાંઝણ, ઘા અને હાડકાં-તૂટ ઝામર, કૃષ્ણાવલિકાયકોપ સહિતનો દ્વિતીયક ઝામર (iridocyclitis with sencondary glaucoma), રક્ત-ક્ષીણતા, મગજની ક્ષીણતા, સોરાએસિસ અને પેમ્ફીગસ, હેડકી, અસધૃ દાધૃ, બહુમૂત્ર, બહુતૃષા, અલ્પમૂત્ર, કણિકાગુલ્મ (granuloma), ક્ષય, સિફિલિસ, કૅન્સર, ટર્નર્સ સિન્ડ્રોમ, નપુંસકતા અને હર્પીસના દર્દીઓ પર તુલસીના પ્રયોગો કરી રોગનિવારણમાં ઘણે અંશે સફળતા પ્રાપ્ત કરી છે.

આરોગ્યશાસ્ત્રની ‘અગ્નિવેશસંહિતા’માં આચાર્ય અગ્નિવેશે શિરોવિરેચન કરનારા એટલે કે માથામાંથી કફને નાક દ્વારા કાઢનારાં ઔષધ–દ્રવ્યોને અત્યંત મહત્વ આપ્યું છે. તુલસી શિરોવિરેચનીય ઔષધ હોવાથી હિંદુ સંસ્કૃતિમાં તેને વનસ્પતિઓમાં અદ્વિતીય સ્થાન પ્રાપ્ત થયું છે. તે રજોગુણ અને તમોગુણને દૂર કરી સત્વ ગુણ આપી માનસિક આરોગ્ય બક્ષે છે. તમોગુણથી ઉદભવેલા માનસિક રોગો, વાઈ, ગાંડપણ, મંદબુદ્ધિ, જડતા, જીભ અચકાવી, યાદશક્તિ ઓછી હોવી, અતિશય ઊંઘ આવવી, સ્વાર્થી અને હિંસક સ્વભાવ હોવો વગેરેમાં તુલસીનો એક ચમચી રસ સવારે અને રાત્રે શુદ્ધ મધ સાથે કે એક કે બે મરીના દાણા સાથે લેવાથી ઘણો જ લાભ થઈ શકે. મૂર્છા, અતિનિદ્રા અને શૂન્યમનસ્કતામાં તુલસીના રસનાં નાકમાં ટીપાં નાખવાથી ફાયદો રહે છે.

અખિલ ભારતીય વનઔષધિ સંશોધન મંડળ અને આયુ ટ્ર્સ્ટ દ્વારા 1996ના વર્ષને ‘તુલસી વર્ષ’ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું.

પુરાણોમાં તુલસી વિશે વિવિધ કથાનકો છે. બ્રહ્મવૈવર્ત (પ્રકૃતિખંડ અ. 15) અનુસાર ગોલોકમાં કૃષ્ણની પ્રિય તુલસી નામની ગોપિકા રાધાના શાપથી ભૂલોકમાં રાજા ધર્મધ્વજ અને માધવીની પુત્રી તરીકે કાર્તિક પૂર્ણિમાએ જન્મી. તે અનુપમ સુંદરી હતી. સુદામા ગોપ પણ રાધાના શાપે કરી દાનવ કુલમાં શંખચૂડ નામે જન્મ્યો હતો. તેણે તપ વડે બ્રહ્માને પ્રસન્ન કરી અવધ્યત્વનું વરદાન માગ્યું. તારી પત્ની સતી રહેશે ત્યાં સુધી તું અવધ્ય રહીશ એવો વર બ્રહ્માએ તેને આપ્યો. શંખચૂડે તુલસી સાથે વિવાહ કર્યો. વરદાનથી નિર્ભય બનેલા તેણે દેવોના સર્વ અધિકારો હરી લીધા. આથી દેવો બ્રહ્મા પાસે, ત્યાંથી બ્રહ્મા સાથે શિવલોકમાં અને શિવસહિત સૌ વિષ્ણુ પાસે વૈકુંઠમાં ગયા. નારાયણે પોતાનું શૂલ શિવને આપી શંખચૂડનો વધ કરવા કહ્યું અને પોતે શંખચૂડના છદ્મવેશે તુલસીના સતીત્વનો ભંગ કર્યો. તુલસીએ નારાયણને ઓળખી લઈ શાપ આપ્યો. ‘તું પાષાણ થા’ ત્યારથી વિષ્ણુ શાલિગ્રામ તરીકે પૂજાય છે.

પદ્મપુરાણના મતે તુલસી દૈત્યકુલમાં વૃંદા નામે જન્મી હતી અને જલંધર નામે દૈત્યની પત્ની હતી. તેના અનુપમ સૌન્દર્યમાં લુબ્ધ થયેલા વિષ્ણુનો મોહ ઉતારવા સારુ દેવો મહાદેવ પાસે ગયા અને તેમની આજ્ઞા અનુસાર દેવોએ માયાને પ્રસન્ન કરી. માયાએ કહ્યું કે, ‘હું રજ, સત્ત્વ અને તમો ગુણ વડે ગૌરી, લક્ષ્મી અને સ્વધા રૂપે છું. આ દેવીઓ તમારું કાર્ય કરશે.’ ત્રણેય દેવીઓએ દેવોને બીજ આપ્યાં અને વિષ્ણુની સમીપે તે રોપવા કહ્યું. આ બીજોમાંથી ધાત્રી, માલતી અને તુલસી એમ ત્રણ ક્ષુપ (છોડવા) થયા. ધાત્રીમાં સ્વધાનો અંશ, માલતીમાં લક્ષ્મીનો અને તુલસીમાં ગૌરીનો અંશ આવ્યો.

પદ્મપુરાણ પ્રમાણે ગણપતિના શાપથી તુલસીને વનસ્પતિસ્વરૂપ મળ્યું. અને તુલસીનો આ છોડ બ્રહ્માએ વિષ્ણુને આપ્યો. આમ, બધી પૌરાણિક કથાઓમાં તુલસીનો વિષ્ણુ સાથે સંબંધ રહ્યો છે.

મ. ઝ. શાહ

બળદેવપ્રસાદ પનારા

બળદેવભાઈ પટેલ

શાલિની નિરંજન ભટ્ટ