તુલસીશ્યામ : જૂનાગઢ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું વૈષ્ણવ સંપ્રદાયનું તીર્થધામ. તે ઉનાથી ઉત્તરે 30 કિમી. દૂર ગીરના મધ્યભાગમાં આવેલું છે અને કુદરતી સૌંદર્ય માટે જાણીતું છે.

ભૌગોલિક સ્થાન : અંદાજે 20° 49´ ઉ. અ. અને 71° 02´ પૂ. રે.. અહીં ગરમ પાણીના ઝરા છે. તે કારણે તેનો પુરાણોમાં ‘તપ્તોદક’ તરીકે ઉલ્લેખ છે. દંતકથા પ્રમાણે કૃષ્ણે તુલ નામના દૈત્યને અહીં માર્યો હતો. તેથી સ્થળના નામ સાથે તુલ દૈત્ય અને શ્યામ (કૃષ્ણ)નાં નામો સંકળાયેલાં છે. પૌરાણિક કથા પ્રમાણે જાલંધર મહા બળવાન અસુર હતો. તેની પત્ની વૃંદા મહાસતી. તેના પ્રતાપે તેને ત્રણે લોકમાં કોઈ જીતી શકતું ન હતું. દેવો પણ તેનાથી ત્રાસી ગયા હતા. તેઓ વિષ્ણુને શરણે ગયા. વિષ્ણુએ જાલંધરનું રૂપ લઈને વૃંદાના પતિવ્રતનો ભંગ કર્યો. જાલંધર બહારથી ઘરે આવતાં વિષ્ણુનું  છળ પકડાઈ ગયું અને વિષ્ણુને વૃંદાએ પથ્થર થઈ જવાનો શાપ આપ્યો. વૃંદાને  પસ્તાવો થયો અને તે ચિતામાં બળી મરી. ચિતાના એ સ્થળે એક છોડ ઊગ્યો, તે તુલસીનો છોડ હતો. વિષ્ણુ ભગવાનને પણ પસ્તાવો થયો અને તે તુલસીના છોડ ઉપર ખૂબ પ્રેમ રાખવા લાગ્યા. તેણે બીજા ભવમાં વૃંદાને પરણવા વચન આપ્યું. ત્યારબાદ વૃંદાનો રુક્મિણી તરીકે જન્મ થયો અને વિષ્ણુના અવતાર શ્રીકૃષ્ણને તે પરણી. આ કારણે તુલસીનો છોડ વિષ્ણુને ખૂબ પ્રિય છે. કાર્તિક શુક્લપક્ષની એકાદશીને દિવસે તુલસીનાં ભગવાન શાલિગ્રામ સાથે લગ્ન થાય છે અને અન્નકૂટ ભરાય છે.

ગીરની ટેકરીઓ અને વનરાજીની મધ્યે તુલસીશ્યામ

તુલસીશ્યામથી 4 કિમીના અંતરે ભીમચાસ નામનું સ્થળ છે. અહીં ઊંડી ખાઈમાં ઝમરી નદી ધોધ રૂપે પડે છે. દંતકથા પ્રમાણે કુંતીને ખૂબ જ તરસ લાગી હતી. નજીકમાં કોઈ જળાશય ન હતું. તેથી ભીમે પૃથ્વી ઉપર લાત મારતાં અહીં ખાડો પડ્યો અને જળાશય બની ગયું ને કુંતીએ તેની તરસ છિપાવી. અહીં કુંતીનું મંદિર છે.

તુલસીશ્યામને પ્રવાસધામ તરીકે પ્રવાસનખાતાએ વિકસાવ્યું છે. અહીં છ કુટુંબો રહી શકે એવી  સગવડ છે. જિલ્લાપંચાયતના પથિકાશ્રમમાં પણ નિવાસની સગવડ છે.

મંદિરની પોતાની આદર્શરૂપ ગૌશાળા છે. તેમાં ચારસોથી વધુ ગીર ઓલાદની ગાયો અને જાફરાબાદી ભેંસો છે.

તુલસીશ્યામ નજીક સાત ગરમ પાણીના કુંડો છે. તેનો ચામડીનાં દર્દો મટાડવા ઉપયોગ થાય છે. તુલસીશ્યામ પાકા રસ્તા દ્વારા ધારી અને ઉના સાથે જોડાયેલું છે.

શિવપ્રસાદ રાજગોર