તારાબાઈ (જ. 1675; અ. 9 ડિસેમ્બર 1761) : કોલ્હાપુરના છત્રપતિની ગાદીનાં સંસ્થાપિકા. તે હંબીરરાવ મોહિતેની પુત્રી હતાં. તેમનાં લગ્ન છત્રપતિ શિવાજીના નાના પુત્ર રાજારામ સાથે 1683–84માં થયાં હતાં. માર્ચ, 1700માં રાજારામનું મૃત્યુ થયું ત્યારથી તેમની રાજકીય કારકિર્દીની શરૂઆત થઈ, તારાબાઈએ પોતાના ચાર વર્ષના પુત્રને શિવાજી-બીજાને નામે ગાદી પર બેસાડ્યો. અને વહીવટી તંત્રની સંપૂર્ણ જવાબદારી પોતાને હસ્તક લીધી.

ઈ. સ. 1699થી 1705ના સમય દરમિયાન ઔરંગઝેબે મરાઠી સત્તાને કચડી નાખવા માટે લશ્કરી પગલાં લીધાં; પરંતુ તારાબાઈના નેતૃત્વ હેઠળ મરાઠાઓએ ઔરંગઝેબનાં લશ્કરોને હંફાવ્યાં અને મુઘલોએ જે કિલ્લા જીત્યા હતા તેમાંના મોટાભાગના કિલ્લા પર ફરીથી કબજો જમાવ્યો. આમ, તારાબાઈએ પોતાની વ્યવસ્થાશક્તિ, કાબેલિયત અને શૌર્યને બળે તૂટતા મરાઠા રાજ્યને નવું જોમ આપી સંગઠિત બનાવ્યું. વખતોવખત તારાબાઈએ લશ્કરનું નેતૃત્વ પણ સંભાળ્યું હતું. ઔરંગઝેબના મૃત્યુ પહેલાં જ મરાઠાઓએ મહારાષ્ટ્ર બહાર માળવા અને ગુજરાતના પ્રદેશો સુધી આક્રમણ કર્યાં હતાં અને દક્ષિણ કર્ણાટક ઉપર સત્તા સ્થાપી હતી.

ઔરંગઝેબના મૃત્યુ (માર્ચ, 1707) પછી તેના પુત્ર અને નવા બાદશાહ બહાદુરશાહે મુઘલ દરબારમાં ઊછરેલા અને અટકાયતમાં રહેલા શંભાજીના પુત્ર શાહુને મુઘલ હકૂમત સામેના બળવાને દબાવવા અને મરાઠાતંત્રની જવાબદારી સંભાળવા દક્ષિણમાં મોકલ્યો. આ વખતે તારાબાઈ સતારામાં સગીર વયના પુત્ર શિવાજીબીજાને નામે શાસન ચલાવતાં હતાં. તે ખૂબ મહત્વાકાંક્ષી મહિલા હોવાથી શાહુને છત્રપતિ તરીકે સ્વીકારવા તૈયાર ન હતાં, પરંતુ ઘણા મરાઠા સરદારોએ શિવાજીના મોટા પુત્ર સંભાજીના પુત્ર તરીકે શાહુને ટેકો આપ્યો. તેમની દલીલ એ હતી કે રાજારામે પણ 1689માં ગાદી સંભાળી તે વખતે શાહુ વતી શાસન કરવાનું જાહેર કર્યું હતું; પરંતુ તારાબાઈએ પોતાના પુત્રનો પક્ષ લઈને મહારાષ્ટ્રમાં આંતરવિગ્રહ સર્જ્યો.

તારાબાઈની સ્મારકપ્રતિમા

શાહુએ સેનાપતિ ધનાજી જાધવના મોટા લશ્કરની મદદથી તારાબાઈની સત્તા હેઠળના ઘણા કિલ્લા પર અંકુશ સ્થાપ્યો અને નવેમ્બર, 1707માં ખેડના યુદ્ધમાં તારાબાઈના લશ્કરને હાર આપી અને જાન્યુઆરી, 1708માં સતારા પર કબજો જમાવીને પોતાનો રાજ્યાભિષેક કરાવ્યો. તારાબાઈ પોતાના પુત્ર સાથે સતારા છોડી પન્હાલા અને ત્યાર પછી રંગના અને ત્યાંથી માલવન ગયાં. શાહુએ તારાબાઈ સાથે સમાધાન માટે પ્રયાસ કર્યો અને શિવાજી–બીજાને વારણાની દક્ષિણે આવેલો પ્રદેશ આપવાની તૈયારી બતાવી; પરંતુ તારાબાઈએ તેનો અસ્વીકાર કર્યો. 1708માં શાહુના સેનાપતિ ધનાજી જાધવનું મૃત્યુ થયું. શાહુ પોતે કુશળ વહીવટકર્તા ન હોવાથી તારાબાઈએ કાવતરા દ્વારા મરાઠા સરદારોમાં વિખવાદ સર્જાવ્યો. ધનાજી જાધવના પુત્ર ચંદ્રસેને 1710માં શાહુ સામે બળવો કર્યો. તેણે તેમજ બીજા મરાઠા સરદારોએ તારાબાઈને ટેકો આપ્યો. તારાબાઈએ કોંકણમાં કાન્હોજી આંગ્રેને પણ પોતાના પક્ષમાં લીધો. આમ, 1711 અને 1712માં શાહુની સ્થિતિ તારાબાઈએ કફોડી બનાવી દીધી હતી; પરંતુ શાહુના મુખ્ય સલાહકાર બાલાજી વિશ્વનાથ ભટે સામાન્ય પ્રજા અને નાના મરાઠા સરદારોને પોતાના પક્ષમાં લીધા. બાલાજીએ લશ્કરને સંગઠિત કરીને શાહુવિરોધી સરદારોને હરાવ્યા અથવા માફી બક્ષી અને કાન્હોજી આંગ્રેને પણ શાહુના પક્ષમાં લઈ લીધો. 17મી નવેમ્બર, 1713ને દિવસે શાહુએ બાલાજીને તેનો વડોપ્રધાન – પેશ્વા બનાવ્યો હતો.

તારાબાઈએ કોલ્હાપુરને પોતાની સત્તાનું કેન્દ્ર બનાવ્યું હતું; પરંતુ 1714માં કોલ્હાપુરમાં સત્તાપલટો આવ્યો. રાજારામની બીજી પત્ની રાજસબાઈએ ગીશેજી યાદવ અને તુલાજી શીતોળેની મદદથી તારાબાઈ તથા તેના પુત્ર શિવાજી–બીજાને સત્તા પરથી દૂર કર્યાં અને ગાદી રાજસબાઈના પુત્ર શંભાજીને આપવામાં આવી. ત્યારથી તારાબાઈને અટકાયતમાં રાખવામાં આવ્યાં હતાં; પરંતુ સતારા અને કોલ્હાપુર વચ્ચેનો સંઘર્ષ તો ચાલુ જ રહ્યો. છેવટે વરણા મુકામે એપ્રિલ, 1731માં શંભાજી અને શાહુ વચ્ચે નવી સમજૂતી થઈ, જે મુજબ કોલ્હાપુર રાજ્યના પ્રદેશની સરહદ નક્કી કરવામાં આવી. 1727માં શિવાજી–બીજાનું મૃત્યુ થયું. ત્યાર પછી 1731માં શાહુ અને તારાબાઈ વચ્ચે સમાધાન થયું. ત્યારથી તારાબાઈએ પોતાનું શેષ જીવન સતારામાં ગાળ્યું. શાહુ ડિસેમ્બર, 1749માં મૃત્યુ પામ્યો. તેણે તારાબાઈના પૌત્ર રાજારામને પોતાના વારસ તરીકે નીમ્યો હતો. તે ખૂબ નબળો હોવાથી તારાબાઈએ પોતાનો અંકુશ સ્થાપ્યો, પરંતુ 1751થી સતારા પર પેશ્વાનું આધિપત્ય સ્થપાયું.

યતીન્દ્ર દીક્ષિત