તારાયણ (નવમી સદી) (સં. तारागण) : જૈન આચાર્ય બપ્પભટ્ટી (800-895)નો પ્રાકૃત ભાષાનો ગાથાસંગ્રહ. તે પ્રાકૃત મુક્તક–કવિત–પરંપરાનો નમૂનારૂપ આદર્શ ગાથાસંગ્રહ છે. તેનાં સુભાષિતોમાં વ્યક્ત થતી કવિત્વની ગુણવત્તા તેમને જૈન પરંપરાના ઉત્કૃષ્ટ કોટિના પ્રાકૃત કવિ તરીકે સ્થાપે છે. મોઢગચ્છના આચાર્ય સિદ્ધસૂરિએ તેમની અસાધારણ બુદ્ધિપ્રતિભા જોઈ તેમને જૈનશાસ્ત્રો શીખવ્યાં અને તેમને સિદ્ધ સારસ્વત મંત્ર આપ્યો, જેથી તેમને દેવીનો સાક્ષાત્કાર થયો એવી અનુશ્રુતિ છે. આમ બપ્પભટ્ટી શ્વેતાંબર પરંપરાના મોઢગચ્છમાં થઈ ગયા. તેમણે એકંદરે 52 ગ્રંથો રચ્યા હોવાનું મનાય છે, પરંતુ છ એક ગ્રંથોની માહિતી ઉપલબ્ધ છે.

તારાયણ એટલે તારાઓનો સમૂહ. તારા જેવી ચમકતી દમકતી ગાથાઓનો સમૂહ એટલે તારાગણ. બપ્પભટ્ટીના આ મુક્તકસંગ્રહનો સંકલનકાર એમનો સમકાલીન કવિ શંકુક (આઠમી સદીના ઉત્તરાર્ધથી નવમી સદીનો પૂર્વાર્ધ) છે. તે ગૌતમ ગોત્રના ભાવનો પુત્ર હતો. શંકુકે ગાથાઓને જુદા જુદા વર્ગોમાં વિભક્ત કરી,  પ્રત્યેક ગાથાવર્ગના આરંભમાં તે તે વર્ગના વિષયને સમજાવતી પોતાની ગાથા મૂકી છે. આમ, 175 મુક્તકોમાંથી 59 મુક્તકો શંકુકે રચેલાં છે. બપ્પભટ્ટીનાં મુક્તકોને 36થી 39 વર્ગોમાં વિભાજિત કરવામાં આવ્યાં છે. આ વર્ગીકરણ વિષયની સમાનતા અથવા સાર્દશ્યના ધોરણે નિશ્ચિત કરવામાં આવ્યું છે. આ મુક્તકસંગ્રહ ઉપર કોઈ અજ્ઞાત જૈન કવિ(આશરે દસમી સદી પૂર્વે)એ સંસ્કૃતમાં વૃત્તિ લખી છે. વૃત્તિકારે મંગલમાં સર્વજ્ઞને વંદન કરી અંજલિ અર્પી છે. હસ્તપ્રતની પુષ્પિકામાં મુક્તકની સંખ્યા 172 કહી છે, પણ વાસ્તવમાં 175 મુક્તકો મળી આવે છે.

વિષયની અપેક્ષાએ તેમાં કવિ-પ્રશંસા, સજ્જન-દુર્જન, વિદ્યુત, મેઘ, શરદ, પ્રદીપ, રાજચાટુ, અનુરાગ, વિરહ, સ્તન, નયન, કમલિની, કુમુદ, અસતી વગેરેનો સમાવેશ થાય છે. આથી તે તત્કાલીન જનસમાજની સભ્યતા અને સંસ્કૃતિ પર સારો પ્રકાશ પાડે છે. સંકલનકારે જે તે વિષયની કરેલી માવજતમાં એમની સર્જકતા જણાઈ આવે છે. આથી જ તેમાં રોજિંદા જીવનની હૃદયસ્પર્શી ગાથાઓ મળી આવે છે. શ્લેષ, ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક જેવા વિવિધ અલંકારોનો સુંદર વિનિયોગ કરવા ઉપરાંત જૈન કથાપરંપરામાં પ્રચલિત એવાં ‘નૂપુરપંડિતા’ જેવાં કથાનકોનો પણ ઉલ્લેખ મળી આવે છે, જે સંકલનકારના કથા–પરંપરાજ્ઞાનનો દ્યોતક છે. કેટલીક ગાથાઓ જૈન આગમ, નિર્યુક્તિમાંથી લેવામાં આવી છે, જેને ‘દ્વારગાથા’, ‘સંગ્રહણીગાથા’ જેવાં નામો આપવામાં આવ્યાં છે.

કલ્પના કનુભાઈ શેઠ