તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ

January, 2014

તાતા, જહાંગીર રતનજી દાદાભાઈ (જ. 29 જુલાઈ 1904, પૅરિસ; અ. 30 નવેમ્બર 1993, જિનીવા) : ભારતના પ્રથમ પંક્તિના ઉદ્યોગપતિ. જમશેદજી તાતાના પિતરાઈ ભાઈ (રતનજી દાદાભાઈ)ના પુત્ર. તેમનો જન્મ રતનજી તાતાની ભારતીય પારસી પરંપરાને સંપૂર્ણ સ્વીકારનાર ફ્રેંચ પત્ની સુઝેનની કૂખે થયો હતો.

જહાંગીર રતનજી દાદાભાઈ તાતા

બાળપણ ત્રણ બહેનો સાથે ફ્રાંસ અને મુંબઈ વચ્ચે વિતાવ્યું. ફ્રાંસ પ્રત્યે જીવનપર્યંત પોતાપણાની ભાવના રહી. બીમાર માતાને હવાફેર માટે જાપાન લઈ જતાં ત્યાંની સંસ્કૃતિ અને શિક્ષણ જાણ્યાં. કિશોરાવસ્થામાં પ્રભાવશાળી પ્રેમાળ માતા ગુમાવી. ઇંગ્લૅન્ડમાં શાળાનું શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી ફ્રાંસમાં લશ્કરી તાલીમ મેળવી. ડ્રાઇવિંગ, શૂટિંગ, બૉક્સિગં, ટેનિસ અને સાહિત્યવાચન તેમને ખૂબ પ્રિય હતાં. માત્ર 22 વર્ષે પિતાની છાયા ગુમાવતાં પરિવાર અને વિશાળ તાતા સામ્રાજ્યની જવાબદારી આવી, જે સૉલિસિટર દીનશા દાજીના સલાહ-માર્ગદર્શન હેઠળ સફળતાથી પાર પાડી. તાતા ઍન્ડ સન્સ અને તાતા ઇન્ડસ્ટ્રીઝના આજીવન ડિરેક્ટર તરીકે કંપનીના ડિરેક્ટર મિત્ર સર હોમી મોદીની સાથે રહી ટિસ્કો, ટેલ્કો, એસીસી, તાતા કેમિકલ્સ, તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફંડામેન્ટલ રિસર્ચ, તાતા કન્સલ્ટન્સી સર્વિસીઝ, તાતા બરોઝ લિ., તાતા યુનિસીસ, તાતા એક્સપૉટર્સ, તાતા ઑઇલ મિલ્સ જેવી લગભગ પચાસ ઉદ્યોગકંપનીઓના સામ્રાજ્યને વિસ્તાર્યું.

નાનપણમાં ફ્રાંસના નિવાસસ્થાનની બાજુના હેંગારમાં વિમાન જોતાં ચાલક બનવાનું સ્વપ્ન સેવેલું. વિમાન ઉડાવવાનું ખાનગી લાઇસન્સ માર્ચ, 1929માં મેળવીને તેઓ પ્રથમ ભારતીય વિમાનચાલક બન્યા. 1932માં તાતા ઍરલાઇન્સની સ્થાપના કરી અને કરાંચી–મુંબઈ માર્ગ ઉપર પોતે જાતે વિમાનનું ઉડ્ડયન કરીને કંપનીની શરૂઆત કરી, જેનો ભાગલા દરમિયાન હિજરતીઓના સ્થાનફેર માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો. 1948માં ઍર ઇન્ડિયા ઇન્ટરનેશનલ લિ. સ્થપાઈ. તેના તેઓ અધ્યક્ષ બન્યા. ત્યારપછી આંતરરાષ્ટ્રીય વિમાન પરિવહન સંઘના અધ્યક્ષ નિમાતાં વિશ્વની વિમાન સેવાઓને તેમની દીર્ઘર્દષ્ટિનો લાભ મળ્યો. સ્વયં એક સફળ આંતરરાષ્ટ્રીય વિમાનચાલક તરીકે પણ તેમણે નામના મેળવી હતી.

સતત કાર્યશીલ પત્ની થેલીનાં પ્રેરણા અને સહકારથી ઉચ્ચશિક્ષણ, મહિલાઓ અને અસાધ્ય રોગોમાં મદદ માટે વિવિધ ટ્રસ્ટો સ્થાપ્યાં. સરકારમાં અને ટિસ્કો કંપનીમાં મજૂરકલ્યાણ માટે ખાસ કાયદાઓ ઘડાવ્યા.

તેમને 1957માં અમેરિકા દ્વારા આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાપન-પ્રાવીણ્ય (International Man of Management Award) ઍવૉર્ડ, 1955માં ભારત સરકાર દ્વારા ‘પદ્મવિભૂષણ’, મુંબઈ યુનિવર્સિટી દ્વારા ડૉક્ટરેટની પદવી, લંડનની ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ મૅટલ દ્વારા ‘હેન્રી બેસમર’ સુવર્ણચંદ્રક અને ભારત સરકાર દ્વારા ‘ઍર કૉમોડોર’ના બિરુદથી સન્માનવામાં આવ્યા. 1992માં ‘ભારતરત્ન’નું સર્વોચ્ચ સન્માન અર્પણ કરાયું.

જિનીવામાં માંદગી બાદ તેમનું મૃત્યુ થયું. પોતાને પ્રિય પૅરિસમાં તેમને દફનાવવામાં આવ્યા.

કિન્નરી વછરાજાની