તાણ્ડ્ય બ્રાહ્મણ : સામવેદના આઠ બ્રાહ્મણ ગ્રંથોમાંનો સર્વપ્રથમ ગ્રંથ. તે તાંડ્ય બ્રાહ્મણ કે તાંડ્ય મહાબ્રાહ્મણ ગણાય છે. તાંડ્ય બ્રાહ્મણ કદમાં મોટું હોવાથી અને તેમાં ઘણાબધા યજ્ઞો વિશે વિધાન હોવાથી તેને તાંડ્ય મહાબ્રાહ્મણ કે પ્રૌઢ બ્રાહ્મણ કહે છે. તેમાં 25 વિભાગો હોવાથી પંચવિંશ બ્રાહ્મણ અને તાંડિ નામના ઋષિએ રચ્યું હોવાથી તાંડ્ય બ્રાહ્મણ કહે છે. આ ગ્રંથ પાંચ પંચિકાનો બનેલો છે. દરેક પંચિકા પાંચ પ્રપાઠકોનો સમૂહ ધરાવતી હોવાથી કુલ 25 પ્રપાઠકો આ ગ્રંથમાં છે.

તેમાં સોમ પીવામાં આવે તેવા યજ્ઞોની છણાવટ કરવામાં આવી છે. જે યજ્ઞોમાં એક જ દિવસ સોમ પીવામાં આવે તેને ‘એકાહ’, 2થી 12 દિવસો સોમ પીવામાં આવે તે ‘અહીન’ અને 12થી વધુ છેક એક હજાર દિવસ સુધી સોમ પીવામાં આવે તે ‘સત્ર’ એવા નામથી ઓળખાતા યજ્ઞોના વિધિઓ બતાવવામાં આવ્યા છે. વળી આ સોમયાગોના અંગભૂત સ્તોત્રો, અને તેમની વિષ્ટુતિના પ્રકારોની પણ છણાવટ કરાઈ છે.

‘સ્તોત્ર’ શબ્દ स्तु ધાતુ ઉપરથી નિષ્પન્ન થતો હોવાથી તેનો અર્થ સ્તુતિવિશેષ કે પ્રશસ્તિ ગીતો એવો થાય છે. એને ગાવાના વિશિષ્ટ પ્રકારને વિષ્ટુતિ કહે છે. તેની સંખ્યાવિશેષ દર્શાવનારા નવ પ્રકારો છે : ત્રિવૃત (= 9), પંચદશ (15), સપ્તદશ (17), એકવિંશ (21), ત્રિણવ (27), ત્રયસ્ત્રિંશ (33), ચતુસ્ત્રિંશ (34), ચતુશ્ચત્વારિંશ (44) અને અષ્ટા ચત્વારિંશ (48).

જે ઋષિને જે સામનું દર્શન થયું હોય તે સામ તે ઋષિના નામથી ઓળખાય છે. કેટલાક સામનાં નામ રથન્તર, યજ્ઞાયજ્ઞીય, વારવન્તીય, અભીવર્ત, દ્યૌતાન (દ્યુતન ઉપરથી), ગૌગવ, શાર્કર, જરાબોધીય, રોહિતકુલીય એ પ્રમાણે છે. કયા ઋષિએ કયા પ્રસંગે કયા સામનું દર્શન કર્યું અને તેનાથી તેમણે કયું ફળ મેળવ્યું તે અંગેની કલ્પિત કથાઓ પણ આમાં જોવા મળે છે.

દેવો, ઋષિઓ કે પ્રજાપતિ વગેરેએ સ્વર્ગપ્રાપ્તિ માટે કરેલા જ્યોતિ-હોમ વગેરે યાગોના વર્ણન ઉપરાંત શૃંગપ્રાપ્તિ (શિંગડાં મેળવવા) માટે ગાયોએ કરેલ યાગ અને અપમૃત્યુ-નિવારણ માટે સર્પોએ કરેલ સર્પ સત્ર યાગનું પણ આમાં વર્ણન મળે છે.

સરસ્વતી અને ર્દષદ્વતી – એ બે દેવનદીઓના વચલા પ્રદેશમાં કરાયેલા યજ્ઞોનું આમાં વર્ણન છે. કુરુક્ષેત્ર વિશે મળતી માહિતી તથા અન્ય ભૌગોલિક માહિતીને આધારે આ ગ્રંથની રચના પૂર્વમાં ઘણા દૂરના પ્રદેશમાં થઈ હોવાનું અનુમાન કરવામાં આવ્યું છે.

વળી ઐતિહાસિક તથા સામાજિક સામગ્રી પણ આમાં ઉપલબ્ધ છે. સામાજિક રીતે અગત્યના ગણાય એવા વ્રાત્ય સ્તોત્ર નામના યજ્ઞનું પણ એમાં વિધાન છે. સાયણાચાર્ય ‘વ્રાત્ય’ શબ્દને સમજાવતાં લખે છે ‘हीना वा एते । हीयन्ते ये व्रत्यं प्रवसन्ति । न हि ब्रह्मचर्य चरन्ति, न कृषिं, न वाणिज्यम् ।’

આ વ્રાત્યો હીન છે. જે લોકો વ્રત્ય (પોતપોતાના વર્ણના ધર્મો)નો ત્યાગ કરે છે તેઓ હીન (હલકા) (વર્ણહીન) ગણાય છે. જે ત્રૈવર્ણિક બ્રહ્મચર્યનું પાલન કરી વેદાધ્યયન નથી કરતા, જે ખેતી કે વેપાર ન કરીને વૈશ્ય ધર્મથી ભ્રષ્ટ થાય છે તેવા સ્વધર્મભ્રષ્ટ લોકો વ્રાત્ય કહેવાય છે. તેમને रक्तोष्णीषा: (લાલ પાઘડી પહેરનારા) કહેવામાં આવ્યા છે.

જે લોકોની યજ્ઞોપવીતની ઉંમર વીતી જાય છે તેમને મનુ પતિત સાવિત્રી (ગાયત્રી મન્ત્ર ન મળવાથી ભ્રષ્ટ) કહીને વ્રાત્ય કહે છે.

કેટલાક એમ માને છે કે વ્રાત્યષ્ટોમનું વિધાન બ્રાહ્મણેતર આર્યોની શુદ્ધિ કરી તેમનો બ્રાહ્મણ જાતિમાં સમાવેશ કરવા માટે કરવામાં આવ્યું છે. એમના મતે વર્ણના ઊર્ધ્વીકરણ (vertical mobility) માટે આ યજ્ઞ યોજવામાં આવતો હતો. સામાજિક શુદ્ધીકરણની ર્દષ્ટિએ આ યજ્ઞ મહત્વનો ગણાય.

આમાં અનેક કલ્પિત કથાઓ પણ ગૂંથવામાં આવી છે. યજ્ઞમાં અત્રિ ઋષિના વંશજોને ચાંદીની દક્ષિણા શા માટે આપવી એના સમર્થનમાં નીચે પ્રમાણે કથા આપવામાં આવી છે (6-6-8-11) :

સ્વર્ભાનુ (રાહુ) નામના અસુરે સૂર્યને અંધકાર વડે વીંધી નાખ્યો (ઘેરી લીધો). દેવોએ અત્રિ પાસે જઈ સૂર્યને છોડાવવા માટે પ્રાર્થના કરી. અત્રિએ સૂર્યને અંધકારથી મુક્ત કર્યો. માટે આત્રેયોને ચન્દ્ર (ચાંદી) દક્ષિણામાં આપવો.

આ કથાનું મૂળ ઋગ્વેદ 5–40-9માં છે. સૂર્યગ્રહણની આ વૈજ્ઞાનિક વાતનો ઉલ્લેખ અત્રે ચાંદીની દક્ષિણાના સમર્થન માટે કરવામાં આવ્યો છે.

અરુણોદય જાની