ડૉન કિહોતે : સ્પૅનિશ નવલકથાકાર સર્વાન્ટિસ સાવેદરાએ (1547–1616) રચેલી નવલકથા. તેનો પહેલો ભાગ 1605માં પ્રકટ થયેલો, પણ દુનિયાભરમાં ખ્યાતિ મેળવનારી આ નવલકથાના બીજા ભાગને લખાતાં 10 વર્ષ થયેલાં (1615). સર્વાન્ટિસે પોતે જ લખ્યું છે તે પ્રમાણે આ નવલકથા સરનાઇટની રમણભ્રમણની જૂની પ્રથા પર કરેલા પ્રહારરૂપ છે. જર્જરિત થતાં જતાં રિવાજો–રસમોની વિચિત્રતાઓ પર સર્વાન્ટિસે ચાબખા માર્યા છે. પણ તે સાથે સોળમી સદીના સમયના એ વિષય પર ઝીણવટથી લખનારા પ્રત્યે માન પણ પ્રદર્શિત કર્યું છે. વાસ્તવમાં, સર્વાન્ટિસે પોતાની આખી જિંદગી એક સરનાઇટની માફક જ ગુજારી હતી અને લગભગ જે બનાવો એના જીવનમાં બન્યા તે નાયક ડૉન કિહોતેએ પોતાના જીવનમાં પરાક્રમો રૂપે આલેખી બતાવ્યા છે.

‘લા માન્શા’ નામે પરગણામાં આવેલા કોઈ એક ગામમાં જુનવાણી રહેણીકરણી ધરાવનાર એક સજ્જન રહે; પચાસેક વર્ષની ઉંમર. શિકારના શોખીન, સુકલકડી શરીર, કામધંધો કરવાનો નહિ. આવો આ સજ્જન સરનાઇટનાં પરાક્રમોનાં પુસ્તકો વાંચ્યા કરતો, રાતદિવસ જોતો નહિ. એમાં વિવેકબુદ્ધિ ગુમાવી બેઠો. મગજમાં પડકારો, ચમત્કારો, પ્રણયપ્રસંગો, પ્રણયદર્દ, ઝઘડા ઊભરાઈ ગયાં. કમનસીબે, પછી ભેજામાં ભૂસું ભરાયું. માનમરતબો વધારવા, જાહેર જનતાની સેવા કરવા અને અમર બનવા એણે સરનાઇટ બનવાનો નિરધાર કર્યો. બખતર ધારણ કરી શેઝીનાન્ટ નામના ઘોડા પર સવાર થઈ, પોતાને ‘ડૉન કિહોતે ધ લા માન્શા’ નામ આપી, પ્રિયતમા તરીકે નજીકના ગામડાની ગોરીને (જેને તેણે ડોરોશીનિયા નામ આપ્યું) પસંદ કરી, એક સવારે નીકળી પડ્યો. જે ધર્મશાળામાં પહેલી રાત ગાળી ત્યાં કડવો અનુભવ થયો. પથરાબાજી અને  મારામારી. ડૉન કિહોતે થોડો ઘવાયા પછી ગધેડા પર બેસીને પોતાને ગામ પાછો આવ્યો. બીજી વાર સાહસો કરવા નીકળતી વખતે એક ભોળિયા કારભારી સાંકો પાન્ઝાને સાથે લે છે. ટાપુના ગવર્નર થવાની હોંશમાં સાંકો ગધેડા પર સવાર થઈ કિહોતે સાથે નીકળી પડે છે. ડૉન કિહોતે અને સાંકો પાન્ઝા – એ બેની જોડી જગમશહૂર છે. પછી તો આવે છે એ બંનેનાં પરાક્રમો અને મૂર્ખતાની હારમાળા : પવનચક્કીઓ સાથેની ઝપાઝપી, વણજારા સાથેની કમનસીબ અથડામણ, કિલ્લો માનેલી ધર્મશાળામાં આફતો, સાંકો પાન્ઝાને કરાતી મારઝૂડ તો વળી ડૉન કિહોતે પર થતી ગોવાળિયાની પથરાબાજી. આવાં સાહસો ખેડતાં, જીવનના કરુણ-હાસ્યને નિપજાવતા આ બંનેનાં ભ્રમણની કથા રસપ્રદ બને છે. સિયેરા મોરેનાના કાળા પહાડોમાં પરાક્રમો અને પ્રેમકહાણી આરંભાય  છે. ખૂબસૂરત  ડોરોશીનિયાના ડહાપણની રસિક કથા આવે છે. પણ પછી  આ સરનાઇટ પહાડોમાં કઠિન તપ આદરે છે. એમાંથી છોડાવવા શી શી સુંદર યુક્તિઓ અજમાવવામાં આવી તેનું વર્ણન છે. ફરી ડૉન  કિહોતે રસ્તે નીકળી પડે છે. સાંકોને એનો માલિક પાગલ લાગે છે. પણ તે તેને ચાહે છે અને  પેલા ટાપુના  ગવર્નર બનવાની આશા છે. એટલે વળી  પાછો સાંકો એની જોડે  જોડાય છે. બંને, સૌપ્રથમ હવે ડોરોશીનિયાની શોધ કરે છે, પણ  સરનાઇટને ખાતરી થતી જણાય છે કે કોઈ જાદુગરે એને કુરૂપ બનાવી દીધી છે. નવલકથાના બીજા ભાગમાં આ બંનેનાં સાહસોને સાંભળનાર કોઈ ડ્યૂક અને ડચિસ સાથે એમનો ભેટો થાય છે અને ડ્યૂક આ શૂરવીર ડૉનને પોતાના કિલ્લામાં નિમંત્રે છે અને એના પર વિવિધ તરકીબો અજમાવાય છે;  બીજી તરફ સાંકો પાન્ઝાને બારાટેરિયા ગામનો ગવર્નર બનાવવામાં આવે  છે. ત્યાં જમણ વખતે એને  ટાપુ પરના આક્રમણની અને ઝેરી ભોજનની ચેતવણી અપાય છે. છેવટે ટાપુ પરથી બખતરમાં વીંટાળી તેને તગેડી દેવામાં આવે છે. અપમાનિત સાંકો તેના વફાદાર ગધેડા પર બેસી પાછો ફરે છે. દરમિયાન કિહોતેનાં અનેક પરાક્રમો થતાં રહે છે, પણ નાઇટ તરીકેના છદ્મવેશમાં આવેલા એક મિત્ર સાથેની ઝપાઝપીમાં હારી નિરાશ થયેલો તે ઘેર પાછો ફરે છે. પ્રેમિકા ડોરોશીનિયા જીવનમાં ક્યારેય મળવાની નથી તેની ખાતરી થાય છે અને સાંકો પાન્ઝા એને હવે પ્રોત્સાહિત કરવા અસમર્થ લાગે છે. ડૉન કિહોતે સખત તાવમાં  સપડાય છે. થોડા દિવસો પછી તે તેની સેવામાં રહેલા કહેવાતા મિત્રોને ઘર છોડી જવા કહે છે. અંતે છ કલાકની ઊંઘ પછી જાગીને તેની ભત્રીજીને કહે છે : ‘અજ્ઞાનનું વાદળ ખસી ગયું છે. સરનાઇટનાં પરાક્રમોનું ભૂસું હવે નીકળી ગયું છે.’ પણ હવે પોતાની પાસે  મૃત્યુની તૈયારી માટે ખૂબ ઓછો સમય છે એનું ભારોભાર દુ:ખ છે. તે વકીલને બોલાવી પોતાનું વિલ તૈયાર કરે છે. સાંકો પાન્ઝાની માફી માગે છે. ડૉન કિહોતે છેવટે પરાક્રમો, સ્ત્રીદાક્ષિણ્ય અને રોમાંચકતાના સરનાઇટ વિશેનાં પુસ્તકોની ભયાનકતાને પ્રકટ કરે છે અને છેલ્લા શ્વાસ લે છે.

અનિલા દલાલ