ડૉન, જૂઅન : સ્વચ્છંદતાના  પ્રતીક સમું એક કાલ્પનિક પાત્ર. અંગ્રેજ કવિ લૉર્ડ બાયરન (1788-1824)ના કટાક્ષકાવ્ય ‘ડૉન જૂઅન’ (1818)માં આલેખવામાં આવ્યું છે. લોકપ્રિય દંતકથામાંથી જન્મેલા ડૉન જૂઅનને સૌપ્રથમ વાર 1630માં સ્પૅનિશ નાટકકાર તિર્સો દ મોલિના ‘ધ સિડ્યૂસર ઑવ્ સેવિલ’ નામની કરુણિકામાં સાહિત્યિક વ્યક્તિત્વ આપે છે. પછી તો તે સર્વજનીન પાત્ર બની, ડૉન કિહોતે, હૅમ્લેટ અને ફાઉસ્ટ જેટલું જ પ્રસિદ્ધ બને છે. તે નાટકો, નવલકથાઓ અને કાવ્યોમાં ખલનાયક બને છે; મોત્ઝાર્ટના ઑપેરા ‘ડૉન જિઓવાની’(1787)માં તેને દીર્ઘકાલીન પ્રસિદ્ધિ મળે છે. દંતકથા પ્રમાણે, ડૉન જૂઅન તેની સ્વચ્છંદતામાં એક ઉમદા પરિવારની કિશોરીને શીલભ્રષ્ટ કરે છે, વેર લેવા ઇચ્છતા પિતાનું ખૂન કરે છે. ભોજન માટે આવતું પથ્થરનું ભૂત ડૉન જૂઅનના મૃત્યુનો સંદેશ લાવે છે. ડૉન જૂઅનની ગર્વભરી વીરતા, જુસ્સો અને વિનોદવૃત્તિ મૂળ સ્પૅનિશ નાટકમાં અંતને વધુ નાટ્યોચિત બનાવે છે. ડૉન જૂઅન પશ્ચાત્તાપને નકારી શાશ્વત નરકમાં પડે છે. સાહિત્યમાં જુદે જુદે સ્વરૂપે આ પાત્ર દેખા દે છે.

કવિ બાયરને આના પરથી વિડંબનારૂપ મહાકાવ્ય(mock epic)ની રીતિમાં રઝળપાટની એક છંદોબદ્ધ કટાક્ષકથા ‘ડૉન જૂઅન’ આપી છે. તેમણે દંતકથાના નિર્દય નાયકને અનુભવથી ઘડાયેલી, સ્ત્રીઓથી પીછો કરાતી, નિખાલસ નિર્દોષ વ્યક્તિમાં પરિવર્તિત કર્યો છે; અતાર્કિકતા અને અર્થહીનતાભર્યા તરંગો સામે જીવનના વલણમાં તાર્કિકતા દાખવતી વ્યક્તિ તરીકે આલેખ્યો છે. બાયરનના જીવનનો આ સમય ઇટાલીના પ્રવાસમાં પસાર થયેલો છે. બાયરને ડૉન જૂઅનને હાસ્ય-કરુણ મિશ્રિત સાહસો ખેડતો સ્પેનના ‘પ્લેટૉનિક’ પ્રેમીથી ગ્રીસના ગ્રામીણ પ્રેમી તરીકે વ્યવહાર કરતો, સ્ત્રીઓના ગુલામમાંથી કૅથરિન ધ ગ્રેટના પ્રિયનું સ્થાન પામતો અને છેવટે ઇંગ્લૅન્ડના ગ્રામીણ ઘરમાં નષ્ટ થતો આલેખ્યો છે.

જૂઅન ડૉન

બાયરન આ કટાક્ષકાવ્યને 50થી વધારે ખંડોમાં રચવા ધારતો હતો, પણ તે 16 ખંડો જ પૂરા કરી શક્યો જ્યારે સત્તરમો ખંડ અધૂરો રહી ગયો. બાયરનનું કાવ્ય ‘ડૉન જૂઅન’ કૃતિને હાસ્યસભર તેમજ કટુતામિશ્રિત લાગણી અને કટાક્ષથી અંકિત કરે છે. ઢોંગ અને દંભના પડદાને ચીરી દઈ મૂળ સ્વરૂપને તે પ્રકટ કરે છે.

અનિલા દલાલ