ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ

January, 2014

ડિસ્કવરી ઑવ્ ઇન્ડિયા, ધ (1945) : જવાહરલાલ નહેરુએ પોતાની સાંસ્કૃતિક ખોજના સંદર્ભમાં લખેલો પ્રસિદ્ધ અંગ્રેજી ગ્રંથ. 1944ના એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના પાંચ મહિના દરમિયાન તેમણે અહમદનગરના કિલ્લાની જેલમાં આ પુસ્તક લખ્યું હતું. અગાઉ તેમણે પુત્રી ઇન્દિરાને લખેલ પત્રો રૂપે ‘ગ્લિમ્પ્સિઝ ઑવ્ વર્લ્ડ હિસ્ટરી’ તથા ‘આત્મકથા’ આપ્યાં હતાં. આ ગ્રંથમાં શરૂઆતનાં બે પ્રકરણોમાં તેમની આત્મકથાની કેટલીક વાતો આગળ ચલાવી  છે. તે પછી વિદેશો અંગેની કેટલીક વિગતો આપવામાં આવી છે. અહમદનગરની જેલમાં મૌલાના  અબુલ કલામ આઝાદ, ગોવિંદ વલ્લભ પંત, આચાર્ય નરેન્દ્ર દેવ અને અસફઅલી જેવા વિદ્વાન સાથીઓ સાથેની તેમની વાતચીતો તથા ચર્ચાઓ તેમને ઘણી ઉપયોગી થઈ હતી. તેમાં પોતાના જીવનદર્શન ઉપરાંત ભારતનો ઇતિહાસ તથા સંસ્કૃતિનાં વિભિન્ન પાસાંઓ અંગેના વિચારો સ્પષ્ટ કરવામાં એ ચર્ચાઓનું મહત્વનું પ્રદાન છે. જેલમાંથી નહેરુ બહાર આવ્યા બાદ, ડિસેમ્બર 1945માં આ પુસ્તક અંગ્રેજી ભાષામાં પ્રગટ કરવામાં આવ્યું હતું.

પ્રસ્તુત પુસ્તકમાં સિંધુના પ્રદેશની સંસ્કૃતિથી અર્વાચીન ભારતના  ઇતિહાસનાં વિવિધ પાસાંની ચર્ચા કરવામાં આવી છે. તે ઉપરાંત વેદો, ઉપનિષદો, જડવાદ, બૌદ્ધ તત્વજ્ઞાન, વિદેશી પ્રજાઓનું આગમન, રાજકીય જીતો, અન્ય સંસ્કૃતિઓ સાથેનો સંપર્ક, નવું સાંસ્કૃતિક સમન્વયીકરણ, વિવિધતામાં એકતા, હિંદની સમાજવ્યવસ્થા, બ્રિટિશ સામ્રાજ્યવાદી વિચારસરણી, ઉદ્યોગોનો વિકાસ, ધર્મ, ફિલસૂફી, વિજ્ઞાન, રાષ્ટ્રીય આંદોલન અને ગાંધીજીનું નેતૃત્વ, ગ્રામસ્વરાજ વગેરે મુદ્દાઓનું વિશ્લેષણ કરી, તે વિશે પોતાનો સ્પષ્ટ અભિપ્રાય દર્શાવ્યો છે. આ પુસ્તક ઇતિહાસ પરના ગ્રંથ તરીકે ભારત તથા વિદેશોમાં પ્રખ્યાત છે. ભારતની પ્રાદેશિક ભાષાઓમાં તેના અનુવાદો પ્રગટ થયા છે. નહેરુની શૈલી સાહિત્યિક સુગંધવાળી અને રસપ્રદ છે.

જયકુમાર ર. શુક્લ