ડિસ્કવરર ઉપગ્રહો

January, 2014

ડિસ્કવરર ઉપગ્રહો (Discoverer satellites) : લશ્કરી ઉપયોગ માટેના અમેરિકાના પ્રથમ શ્રેણીના ઉપગ્રહો. 1950ના અંતભાગમાં અમેરિકન વાયુસેના માટે ઉપગ્રહો દ્વારા ઉપયોગી લશ્કરી માહિતી ગુપ્ત રીતે મેળવવા માટે અમેરિકાએ ડિસ્કવરર નામના ઉપગ્રહો બનાવવાનો કાર્યક્રમ શરૂ કર્યો. એજીના નામના રૉકેટના સૌથી ઉપરના તબક્કાને, કૅમેરા અને ઉચ્ચ વિભેદન-માપ માટેની પ્રકાશીય વ્યવસ્થાથી સુસજ્જ કરીને, તેનો ઉપગ્રહ તરીકે ઉપયોગ કરવાની યોજના હતી. આ ઉપગ્રહોને તેમની ભ્રમણકક્ષામાં બહુ જ ટૂંકા સમય માટે રાખવામાં આવતા. તેના કૅમેરાની ફિલ્મ સંપૂર્ણ રીતે વપરાઈ જાય પછી પુન: પ્રવેશ કરતી કૅપ્સ્યૂલ (re-entry capsule) દ્વારા તે ફિલ્મને પાછી મેળવવામાં આવતી. આ કૅપ્સ્યૂલ ઊર્ધ્વ-રૉકેટ (retro rocket) અને હવાઈ છત્રીની મદદથી વાતાવરણમાં ધીમેથી નીચે ઊતરી રહી હોય ત્યારે ખાસ વિમાન દ્વારા તેને સુરક્ષિત પાછી મેળવવામાં આવતી.

ડિસ્કવરર ઉપગ્રહોનો કાર્યક્રમ 28 ફેબ્રુઆરી, 1959થી શરૂ કરવામાં આવ્યો હતો; પરંતુ જુદાં જુદાં કારણોસર એ શ્રેણીના પહેલા 12 ઉપગ્રહો નિષ્ફળ નીવડ્યા. અંતમાં 10 ઑગસ્ટ, 1960ના રોજ ડિસ્કવરર 13 ઉપગ્રહને તેની નિર્ધારિત ભ્રમણકક્ષામાં પ્રક્ષિપ્ત કરી શકાયો અને તેના બીજા જ દિવસે તેની કૅપ્સ્યૂલ પ્રશાંત મહાસાગર પરથી પાછી મેળવવામાં આવી. 1961ના વર્ષ દરમિયાન ડિસ્કવરર ઉપગ્રહો દ્વારા ખૂબ સ્પષ્ટ તસવીરો મળતી હતી. સોવિયેત રશિયા મોટી સંખ્યામાં આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્રો ખડકી રહ્યું છે એવો અમેરિકાનો ભય તે તસવીરોથી દૂર થયો. ડિસ્કવરર 29 દ્વારા રશિયાના આંતરખંડીય પ્રક્ષેપાસ્ત્ર મથક પ્લેસેત્સ્કની તસવીર પણ પ્રાપ્ત થઈ હતી.

પરંતપ પાઠક