ટૉડ, જેમ્સ (જ. 20 માર્ચ 1782, ઇઝલિંગ્ટન, ઇંગ્લૅન્ડ; અ. 17 નવેમ્બર 1835, લંડન) : લશ્કરી અધિકારી, કુશળ વહીવટકર્તા અને ઇતિહાસકાર. ટૉડ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સેક્ધડ યુરોપિયન રૅજિમેન્ટમાં બંગાળમાં 9મી જાન્યુઆરી, 1800ના રોજ જોડાયા હતા. ઑક્ટોબર, 1813માં તેમને કૅપ્ટન તરીકે બઢતી મળી. 1812થી 1817 સુધી તેમની નોકરી સિંધિયાના રાજ્યમાં હતી. તે વખતે ત્યાંના પ્રદેશોની ઉપયોગી માહિતી તેમણે  ભેગી કરી. પછી સંશોધન કરતાં કરતાં તેમણે રાજપૂતાનાનાં દેશી રાજ્યો વિશે પણ માહિતી ભેગી કરી. 1817માં લૉર્ડ હેસ્ટિંગ્સે જ્યારે પીંઢારા સામેની ઝુંબેશ શરૂ કરી તે વખતે ટૉડનું સ્થાનિક પ્રદેશ અને પરિસ્થિતિનું જ્ઞાન અતિશય ઉપયોગી બન્યું. પીંઢારા વિશેના અહેવાલો તથા હુમલાની યોજના અને તે માટેની ઉપયોગી માહિતી તેમણે સરકારને મોકલી હતી.

રાજપૂતાનાના રાજવીઓએ સહાયકારી યોજના સ્વીકાર્યા બાદ 1818માં ટૉડની નિમણૂક પશ્ચિમનાં રજપૂત રાજ્યોના પોલિટિકલ એજન્ટ તરીકે થઈ. તેમણે આ વિસ્તારમાં કાયદો-વ્યવસ્થા અને શાંતિ સ્થાપીને લોકોમાં વિશ્વાસ પેદા કર્યો, જેથી માત્ર એક વર્ષમાં, અગાઉ ખાલી થયેલાં 300 જેટલાં કસબા અને ગામોમાં લોકો પાછા ફર્યા અને વેપારરોજગાર શરૂ કર્યો. તેમના વહીવટનાં પાંચ વર્ષ દરમિયાન તેમણે દેશી રાજ્યોના લોકોની ચાહના પ્રાપ્ત કરી હતી.

1823માં ઇંગ્લૅન્ડ જઈ, નિવૃત્ત થયા બાદ, ભારતમાં નોકરી દરમિયાન ભેગી કરેલી ઉપયોગી માહિતીને આધારે લેખનકાર્ય કર્યું. તેમણે રૉયલ એશિયાટિક સોસાયટીના ‘ટ્રાન્ઝેક્શન્સ’ જર્નલમાં પુરાતત્ત્વ વિશેના તથા પશ્ચિમ ભારતના રાજકારણ વિશેના લેખો પ્રગટ કર્યા. તેમણે (1) ‘ઍનલ્ઝ ઍન્ડ ઍન્ટિક્વિટીઝ ઑવ્ રાજસ્થાન ઑર ધ સેન્ટ્રલ ઍન્ડ વેસ્ટર્ન રાજપૂત સ્ટેટ્સ ઑવ્ ઇન્ડિયા’ – એ ગ્રંથ બે ભાગમાં તથા (2) ‘ટ્રાવેલ્સ ઇન વેસ્ટર્ન ઇન્ડિયા’ લખેલ છે.

જયકુમાર ર. શુક્લ