ટેસ્ટ-ટ્યૂબ-બેબી (કૃત્રિમ ગર્ભધારણ) : સામાન્ય જનસમૂહ માટે શરીર બહાર કરાતી કૃત્રિમ ગર્ભધારણની પદ્ધતિઓની ઓળખ. અંડકોષનું કૃત્રિમ સંજોગોમાં ફલનીકરણ (fertilization) કરવાની પ્રક્રિયાને કૃત્રિમ ગર્ભધારણ પદ્ધતિ (artificial reproductive technique –ART) કહે છે. સામાન્ય રીતે પૂરતા સમયગાળામાં સંતતિ પ્રાપ્ત ન કરી શક્યાં હોય એવાં દંપતીને આ પદ્ધતિનો લાભ અપાય છે. કૃત્રિમ ગર્ભધારણની વિવિધ પદ્ધતિઓ છે જેમાં હાલ બહિર્દેહી ફલનીકરણ અને ભ્રૂણ-પ્રતિસ્થાપન (in-vitro fertilizaion and embryo replacement, IVF-ER) તથા અંત:અંડવાહિની જનનકોષ સ્થાપન (gamete intra-fallopian transfer, GIFT) નામની બે પદ્ધતિઓ સૌથી વધુ વપરાય છે. તેમાંની પ્રથમ પદ્ધતિ(IVF–ER)માં જનનકોષોનું શરીર બહાર યુગ્મન કરીને ફલિત અંડકોષને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે, જ્યારે બીજી પદ્ધતિ(GIFT)માં અંત:નળીઓ(catheters)ની મદદથી માતાના ગર્ભાશયની અંડવાહિનીમાં બંને પ્રકારના જનનકોષોને કૃત્રિમ રીતે મૂકવામાં આવે છે.
પૂરતા સમયમાં જો દંપતી સંતતિ પ્રાપ્ત ન કરી શકે પરંતુ તેમના જનનકોષો (શુક્રકોષ અને અંડકોષ) જો પૂરતી સંખ્યામાં તથા સામાન્ય ક્રિયાશીલતાવાળા હોય તો તે સ્થિતિને અફલિતતા (infertility) કહે છે. તેનો અર્થ એ છે કે સામાન્ય જનનકોષો હોવા છતાં કોઈક વિકાર કે રોગ અથવા કોઈક અજ્ઞાત કારણસર તેમનું ફલન (fertilization) થતું નથી. જો પૂરતી સંખ્યામાં જનનકોષો ઉત્પન્ન ન થતા હોય તો તેવી સ્થિતિને વંધ્યતા (sterility) કહે છે. સામાન્ય જનનકોષોવાળાં દંપતીને એક વર્ષ સુધી કોઈ પણ ગર્ભનિરોધ પદ્ધતિ અપનાવ્યા વગરના શારીરિક સંબંધ પછી પણ ગર્ભધારણ (conception) ન થાય તો તેને અફલિતતા કહે છે. તે એક સામાજિક ક્ષોભ(social stigma)નું કારણ પણ બને છે. તેને કારણે માનસિક અને દૈહિક અપર્યાપ્તતાની લાગણી ઉદભવે છે. લગભગ 10 % દંપતીમાં તે જોવા મળે છે. હાલ આ સ્થિતિની સારવારની માગમાં ઘણો વધારો થયો છે. તેનાં મુખ્ય કારણોમાં : (1) કૃત્રિમ ગર્ભધારણની ટૅકનિકની ઉપલબ્ધતા, (2) સમાજમાં તેને વિશે વ્યાપક બનેલી યોગ્ય જાણકારી તથા (3) આ વર્ગની 35 વર્ષથી વધુ વયની પરિણીત સ્ત્રીઓની સંખ્યામાં થયેલો વધારો વગેરેનો સમાવેશ થાય છે. પહેલાં અફલિતતા માટે ફક્ત સ્ત્રીઓને જ કારણભૂત મનાતી હતી પરંતુ હવે જાણી શકાયું છે કે લગભગ 40 % કિસ્સાઓમાં પુરુષ પણ અંશત: કે સંપૂર્ણ તેમાં કારણભૂત હોય છે; તેથી તેનાં કારણોને 3 જૂથમાં વહેંચવામાં આવે છે : (1) પુરુષને લગતાં કારણો, (2) સ્ત્રીને લગતાં કારણો અને (3) અજ્ઞાત કારણો.
નિદાન : પુરુષલક્ષી કારણોનું નિદાન વિગતે લેવાયેલી તબીબી નોંધ, શારીરિક તપાસ તથા કેટલીક કસોટીઓ વડે કરી શકાય છે. વીર્યની ઓછામાં ઓછી બે વખત તપાસ કરાય છે અને તે બંને તપાસ કોઈ વિકાર વગરની હોય તો તે પુરુષમાં સંભોગ-પ્રક્રિયાની કોઈ મુશ્કેલી સિવાયની કોઈ અન્ય ક્ષતિ નથી તેવું સૂચવે છે. ક્યારેક જનનપિંડોના ઉત્તેજક અંત:સ્રાવો (FSH, LH), ટેસ્ટૉસ્ટરોન તથા ગલગ્રંથિ ઉત્તેજક અંત:સ્રાવ(thyroid stimulating hormone, TSH)ની લોહીમાંની સપાટીની જાણકારી તથા શુક્રપિંડ-કોથળી(scrotum)ની ડૉપ્લર તપાસ વડે પણ પુરુષમાંની ક્ષતિનું નિદાન કરી શકાય છે. જો પુરુષમાં FSHનું પ્રમાણ વધુ હોય તો તે શુક્રપિંડની પ્રાથમિક નિષ્ફળતા સૂચવે છે અને તે માટે કોઈ ઉપચારપદ્ધતિ ઉપલબ્ધ નથી. આવા કિસ્સાઓમાં અન્ય દાતા દ્વારા કૃત્રિમ વીર્યનિવેશન (artificial insemination, AID) કરાવવાનું કે બાળકને દત્તક લેવાનું સૂચવાય છે.
સ્ત્રીલક્ષી કારણોના નિદાનમાં પણ વિગતપૂર્ણ તબીબી નોંધ, શારીરિક તપાસ તથા વિવિધ કસોટીઓ ઉપયોગી છે. તે માટે ક્યારેક પેટની અંદરના અવયવોને અંત:દર્શક (endoscope) વડે તપાસવામાં આવે છે, ગર્ભાશયમાં એક્સ-રે-રોધી માધ્યમ (radio-opaque medium) નાખીને તેના પોલાણ, કદ તથા આકારના અભ્યાસ માટે ચિત્રણો લેવામાં આવે છે, અંત:દર્શક વડે ગર્ભાશય કે અંડવાહિનીઓનું અંદરથી અવલોકન કરવામાં આવે છે તથા વિવિધ અંત:સ્રાવો(hormones)નું લોહીમાં પ્રમાણ (સાંદ્રતા) જાણવામાં આવે છે.
પેટની નિદાન માટેની અંત:દર્શક વડે કરાતી તપાસને નિદાનલક્ષી ઉદરનિરીક્ષા (diagnostic laparoscopy) કહે છે. પ્રથમ 2 વર્ષમાં અફલિતતા હોય તો તે પ્રારંભિક તપાસ ગણાય છે. તેના વડે ગર્ભાશય, અંડપિંડો, અંડવાહિનીઓ તથા પેટના અન્ય અવયવોનાં સ્થાન, કદ અને વિકૃતિઓની જાણકારી મળે છે. અંડપિંડ અને અંડવાહિની વચ્ચેના સ્થાનસંબંધની જાણકારી અગત્યની છે; કેમ કે, અંડપિંડમાંથી અંડકોષ છૂટો પડીને અંડવાહિનીમાં પ્રવેશે છે (આકૃતિ 1 અને 2). તેથી તેમના શરીરરચનાલક્ષી સ્થાનસંબંધ(antatomic relation)માં કોઈ વિકૃતિ હોય તો સામાન્ય ગર્ભધારણની સંભાવના ઘટે છે. તેવી જ રીતે અંત:ગર્ભાશયકલાની સ્થાનાંતરિતતા (endometriosis) નામના રોગનું નિદાન પણ આ જ પદ્ધતિથી થાય છે. ક્યારેક આવી નિદાનલક્ષી તપાસ વખતે અંત:ગર્ભાશયકલાની સ્થાનાંતરતા, બદ્ધતંતુતા (adhesions), અંડપિંડ કોષ્ઠ (cyst) તથા ગર્ભાશયી તંતુ સ્નાયુ-અર્બુદ (fibroid) વગેરે વિવિધ વિકારો અને રોગોની સારવાર પણ કરી શકાય છે. ગર્ભાશયમાં એક્સ-રે-રોધી દ્રવ્ય નાખીને લેવાતાં એક્સ-રે-ચિત્રણોને ગર્ભાશયઅંડવાહિની-ચિત્રણ (hystero-salpingography, HSG) કહે છે.
તેના દ્વારા ગર્ભાશયની વિકૃતિઓ, અંડવાહિનીનું પોલાણ તથા આસપાસની બદ્ધતંતુતાને કારણે આસપાસ ચોંટી ગયેલી અંડવાહિનીની વિકૃતિનું નિદાન કરી શકાય છે. અંત:દર્શક વડે ગર્ભાશયમાંના પોલાણના અવલોકનને ગર્ભાશયનિરીક્ષા (hysteroscopy) કહે છે. હાલ HSGને સ્થાને તેનો વધુ ઉપયોગ થાય છે. જોકે ગર્ભાશયના રોગોમાં ગર્ભપાતના કિસ્સા વધુ બને છે અને ગર્ભધારણ કરવાની નિષ્ફળતા ક્યારેક જ જોવા મળે છે. અંડવાહિનીનિરીક્ષા (falloposcopy) વડે અંડવાહિનીનું અંદરથી નિરીક્ષણ કરી શકાય છે અને તેમાંના પ્રવાહીનો અભ્યાસ કરીને તેની દેહધાર્મિક (physiological) સ્થિતિ જાણી શકાય છે. FSH અને LH નામના અંત:સ્રાવોની જાણકારી વડે અંડપિંડના કાર્યમાં થયેલા ઘટાડા(અલ્પ-અંડપિંડતા, hypogonadism)નું નિદાન થઈ શકે છે. પ્રોલૅક્ટિનની ઊણપ જાણવા તેનું લોહીમાંનું પ્રમાણ જાણવામાં આવે છે. સ્ત્રીઓને પુરુષો જેવા વાળ ઊગે તો તેને નરકેશિતા(hairsuitism) કહે છે. તેના નિદાનમાં ટેસ્ટૉસ્ટરોનનું પ્રમાણ જાણવામાં આવે છે. અંડપિંડની ગ્રાફિયન પુટિકા (Graafian follicle) તથા પીતપિંડ(corpus luteum)ની કાર્યશીલતા જાણવા માટે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટરોન જેવા સ્ત્રીઓના અંત:સ્રાવોનું પ્રમાણ જાણવામાં આવે છે. તેમની મદદથી સારવારની સફળતા વિશે પણ જાણી શકાય છે.
સારવાર : અફલિતતાની સારવાર તેના કારણભૂત પરિબળને અનુરૂપ હોય છે. જો અંડકોષ છૂટો ન પડવાનો વિકાર હોય તો ક્લોમિફેન, જનનપિંડ ઉત્તેજક અંત:સ્રાવો (gonadotrophins) કે તેમના વિમોચક ઘટકો(releasing factors)નો ઉપયોગ કરાય છે. માનવલક્ષી ગર્ભાવરણીય જનનપિંડ ઉત્તેજક(human chorionic gonadotrophin, HCG)ને જો સમાગમ (coitus) કે કૃત્રિમ વીર્યનિવેશનના સમયે આપવામાં આવે તો ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ છૂટો પડે છે. HCGની મદદથી પીતપિંડી તબક્કા(luteal phase)ના વિકારની કે વારંવાર થતા ગર્ભપાતની પણ સારવાર કરાય છે. અંડવાહિનીના અવરોધમાં સૂક્ષ્મ-શસ્ત્રક્રિયા (microsurgery) કરાય છે. જો ગર્ભાશયની અંત:કલા અન્ય સ્થાને વધુ પ્રમાણમાં સ્થાનાંતરિત થયેલી હોય (endometriosis) તો લેઝર તથા ડેનેઝોલ નામની દવા વડે ઘણી વખત સફળતા મળે છે. સમાગમોત્તર કસોટી (postcoital test) વડે પ્રતિરક્ષાલક્ષી (immunological) કારણોની જાણ થઈ શકે છે. સમાગમ પછી જો શુક્રકોષ ન જોવા મળે અથવા તે હલનચલન ન કરતા હોય તો પ્રતિરક્ષાલક્ષી કારણ હોવાની સંભાવના વધે છે. તે સમયે એઝાથાયોપ્રિમ કે કૉર્ટિકોસ્ટીરૉઇડ વડે સારવાર અથવા ગર્ભાશયમાં કૃત્રિમ વીર્યનિવેશ કરવાનું સૂચવાય છે. પ્રતિદ્રવ્યો(antibodies)ના પ્રકાર અને સ્થાનને જાણવાની કસોટીઓ ઉપલબ્ધ છે. લોહીમાં અભિસરણ પામતાં પ્રતિદ્રવ્યોનું કોઈ સારવારલક્ષી મહત્વ ગણાતું નથી. ગર્ભાશય-ગ્રીવા(uterine-cervix)ના પ્રવાહી(શ્લેષ્મ, mucus)ની તપાસ તથા સમાગમોત્તર કસોટી વડે ગર્ભાશય-ગ્રીવાના વિકારોનું નિદાન કરાય છે. આવા સંજોગોમાં કૃત્રિમ વીર્યનિવેશન વડે ગર્ભધારણ કરાવી શકાય છે.
ગર્ભાશયમાં કૃત્રિમ વીર્યનિવેશન (આકૃતિ 3) : લગભગ 30 %થી 40 %નો સફળતાદર ધરાવતી આ એકદમ સાદી સારવાર છે, જેના માટે દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવો પડતો નથી. વળી, તે કૃત્રિમ ગર્ભધારણની કોઈ પણ પદ્ધતિ કરતાં વધુ સફળતાદર ધરાવે છે. તેથી અન્ય કોઈ પણ પદ્ધતિ અપનાવતાં પહેલાં આ પદ્ધતિનો ઉપયોગ કરાય છે. સૌપ્રથમ વીર્યના નમૂનાનું અર્લના સંતુલિત ક્ષાર વડે શોધન કરીને તેમાંના પ્રોસ્ટાગ્લૅન્ડિન તથા કચરા જેવાં દ્રવ્યોને દૂર કરાય છે. આવી રીતે 95 % જેટલા શુદ્ધ થયેલા વીર્યનો 1.5 કલાક સુધી અંત:ઉછેર (incubation) કરાય છે. તે સમયે શુક્રકોષની સંખ્યા 40 લાખ જેટલી હોય તો તેને પૂરતી ગણવામાં આવે છે. ત્યારબાદ નળી વડે ગર્ભાશયના ઘુમ્મટ પાસે વીર્ય નાખવામાં આવે છે. HCG આપ્યા પછી 36 કલાકે જ્યારે ગ્રાફિયનની પુટિકામાંથી અંડકોષ છૂટો પડે ત્યારે આ પ્રક્રિયા કરાય છે. યોગ્ય રીતે કરાયેલી સારવાર પછી ચેપ લાગતો નથી કે દુખાવો થતો નથી. તેથી હવે ગ્રીવાપાત્ર (cervical cup) વડે કે ઇસ્ટ્રોજન વડે સારવાર થતી નથી. તે પેટમાંના પરિતનગુહા (peritoneal cavity) નામના પોલાણમાં વીર્યનિવેશન કરવાની પદ્ધતિ કરતાં વધુ અસરકારક છે.
કૃત્રિમ ગર્ભધારણનો ઇતિહાસ : સૌપ્રથમ જન્મેલી ટેસ્ટ ટ્યૂબ બેબી(1978)નું નામ છે લુઈ બ્રાઉન. ત્યારપછી તો આ ક્ષેત્રે ઘણો વિકાસ થયો છે. જોકે સૌપ્રથમ માતાના શરીર બહાર કરાયેલું બહિર્દેહી ફલનીકરણ અને ફલિતાંડ(zygote)નું ખંડન (cleavage) 1944માં રૉક અને મેન્ડિને કરી બતાવ્યું હતું. લૂઈ બ્રાઉનના જન્મ માટે એડવર્ડ્ઝ અને સ્ટેપ્ટોનો પ્રયોગ કારણભૂત હતો. તે બહિર્દેહી ફલનીકરણ અને ભ્રૂણ-પ્રતિસ્થાપન(IVF-ET)નો પ્રથમ સફળ પ્રયોગ હતો. તે પહેલાં પણ એક પ્રયોગ થયો હતો જેમાં ગર્ભનો વિકાસ ગર્ભાશયની બહાર થયો હતો.
કૃત્રિમ ગર્ભધારણની પ્રક્રિયા (આકૃતિઓ 3, 4, 5, 6) : તેમાં મુખ્ય 3 તબક્કાઓ હોય છે : (1) પૂર્વતૈયારીનો તબક્કો, (2) અંડકોષ-ઉપાર્જન (retrival) ફલનીકરણ ભ્રૂણ સ્થાપન તથા (3) શરૂઆતની સગર્ભાવસ્થાનું નિદાન અને જાળવણી. પૂર્વતૈયારી રૂપે સ્ત્રીની શારીરિક અને પ્રયોગશાળાકીય તપાસ કરવામાં આવે છે તથા તેને સલાહ અને સમજણ (counselling) આપવામાં આવે છે. બીજા તબક્કામાં અંડપિંડ(ovary)ને નિયંત્રિત રીતે અતિઉત્તેજિત (hyperstimulated) કરીને છૂટા પડતા અંડકોષને મેળવી લેવામાં આવે છે. તેને અંડકોષ-ઉપાર્જન (oocyte-retrival) કહે છે (આકૃતિ 7, 8). તેનું કૃત્રિમ ફલનીકરણ (fertilization) કરીને તેને ફલિત અંડકોષ(zygote)ને ગર્ભાશયમાં સ્થાપિત કરવામાં આવે છે (આકૃતિ 9).
ત્રીજા તબક્કામાં પીતપિંડની જાળવણી તથા શરૂઆતની સગર્ભાવસ્થાનાં નિદાન અને જાળવણી કરવામાં આવે છે, જે શિશુજન્મ સુધી સતત કરતાં રહેવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયા માટે અંત:ઉછેરયંત્ર (incubator), સૂક્ષ્મદર્શક, સંવર્ધન, માધ્યમો (culture media), અંડકોષ સંવર્ધન ટૅક્નિક (oocyte culture technique), શુક્રકોષોની નિવેશન માટેની તૈયારી વગેરે સાધનો અને પ્રક્રિયાઓની જરૂર પડે છે. તે માટે કેટલીક સૂક્ષ્મ અધિક્રિયાઓ (micro-manipulation) કરવામાં આવે છે (આકૃતિ 10); જેમ કે, (1) અંડકોષની આસપાસ કોષોના બનેલા પરિવૃત્તનું છિદ્રણ (zonal drilling), (2) પરિવૃત્તનું અપૂર્ણ દ્વિછેદન (partial zonal dissection, PZD), (3) પરિવૃત્તની નીચે ઇન્જેક્શન (subzonal injection, SUZI) તથા (4) અંત:કોષજલીય ઇન્જેક્શન (intracytoplasmic-injection, ICSI).
અંડપિંડને ઉત્તેજિત કરવા માટે ક્લોમિફેન, વિવિધ પ્રકારના અંત:સ્રાવો (hormones); જેવા કે, માનવલક્ષી ઋતુસ્રાવસ્તંભી જનનપિંડ ઉત્તેજક (human menopausal gonadotrophin, HMG), પુટિકા
ઉત્તેજક અંત:સ્રાવ (follicular stimulating hormone, FSH) અને જનનપિંડ ઉત્તેજક વિમોચક અંત:સ્રાવa(gonado-trophin releasing hormone–a, Gn RHa)નો ઉપયોગ તથા વૃદ્ધિકારક અંત:સ્રાવ(growth hormone)ની કાર્યક્ષમતામાં વધારો કરવાની પદ્ધતિઓ ઉપલબ્ધ છે. જનનપિંડ ઉત્તેજક અંત:સ્રાવો- (gonadotrophins)ની મદદથી અંડકોષનું ઉત્તેજન કરીને મોટી સંખ્યામાં ગ્રાફિયન પુટિકાઓનો વિકાસ કરાય છે. માનવલક્ષી ગર્ભાવરણીય જનનપિંડ ઉત્તેજક અંત:સ્રાવ(HCG)ની મદદથી યોગ્ય સમયે 16થી 18 મિમી. કદની ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ છૂટો પડાય છે. અંડકોષ છૂટો પડ્યા પછી અંડપિંડમાંની ગ્રાફિયન પુટિકા પીળા રંગના નાના ગઠ્ઠા જેવા પીતપિંડ(corpus luteum)માં ફેરવાય છે. તેને જાળવી રાખવા માટે HCG અને પ્રોજેસ્ટરોનનો ઉપયોગ કરાય છે. વિવિધ પ્રકારની કૃત્રિમ ગર્ભધારણની રીતો વિકસેલી છે (સારણી 1). હાલ તેમાંથી IVF-ER, GIFT, MIST અને ICSI સૌથી વધુ પ્રચલિત છે.
સારણી 1 કૃત્રિમ ગર્ભધારણની વિવિધ રીતો |
|||
ક્રમ | રીત | અંગ્રેજી નામ | નોંધ |
1 | બહિર્દેહી
ફલીકરણ અને ભ્રૂણ-પ્રતિસ્થાપન |
in-vitro
fertilization and embryo replacement (IVF-ER) |
અંડવાહિનીમાં અવરોધ હોય,
વીર્યમાં શુક્રકોષોની સંખ્યા ઓછી હોય અથવા કોઈ કારણ જાણી શકાયું ન હોય ત્યારે અંડપિંડનું માતાના શરીર બહાર ફલીકરણ કરીને ભ્રૂણને ગર્ભાશયમાં પ્રતિસ્થાપિત કરવામાં આવે છે. |
2 | બહિર્દેહી ફલીકરણ
અને અંડવાહિનીમાં ભ્રૂણ-પ્રતિસ્થાપન |
in-vitro
fertilization and tubal embryo replacement (IVF-TER) |
GIFT, OAI કે કૃત્રિમ
વીર્યનિવેશન (AID) નિષ્ફળ જાય ત્યારે અંડકોષનું શરીર બહાર ફલીકરણ કરીને ભ્રૂણને અંડવાહિનીમાં પ્રતિસ્થાપિત કરવામાં આવે છે. |
3 | અંતઃ અંડવાહિની
જનનકોષીય સ્થાપન (આકૃતિ 11) |
gamete
intrafallopian transfer (GIFT)
|
અંતઃનળીઓ (catheters) વડે
શુક્રકોષ અને અંડકોષને અંડવાહિનીમાં ધકેલવામાં આવે છે, જેથી ત્યાં ફલીકરણ થાય. જેમનામાં અફલિતતાનું કારણ ખબર ન હોય અથવા ગ્રાફિયન પુટિકા ફાટતી ન હોય તેમાં આ પદ્ધતિ અપનાવાય છે. તેમાં અંતર્દેહી (in vivo) ફલીકરણ થાય છે. |
4 | અંડકોષમાં સૂક્ષ્મ
વીર્યનિવેશન અને ભ્રૂણ-પ્રતિસ્થાપન |
micro-insemi-
nation sperm transfer (MIST), and tubal embryo transfer (MIST-TET) or embryo replacement (MIST-ER) |
જ્યારે વીર્યમાં શુક્રકોષોની
સંખ્યા ઘણી ઓછી હોય ત્યારે અંડકોષની આસપાસ આવરણરૂપ રહેતા પરિવૃત્ત- (zona)ના કોષોમાં સૂક્ષ્મ છિદ્રણ કરીને શુક્રકોષોને અંડકોષના સંસર્ગમાં લાવવામાં આવે છે. |
5 | અંતઃકોષજલીય
શુક્રકોષીય વીર્ય- નિવેશન |
intra-
cytoplasmic sperm insemination (ICSI) |
તેમાં ઉપર પ્રમાણેની પ્રક્રિયા વડે
શુક્રકોષને અંડકોષમાં છિદ્ર કરીને પ્રવેશ આપવામાં આવે છે. |
કૃત્રિમ ગર્ભધારણની દરેક પદ્ધતિમાં ઉપયોગમાં લેવાતાં પગલાં તથા સિદ્ધાંતો સારણી 2માં સંક્ષેપમાં દર્શાવ્યાં છે.
તેમાં સૌ પ્રથમ અંડપિંડને અંત:સ્રાવો વડે ઉત્તેજિત કરીને તેની ગ્રાફિયન પુટિકાઓને તૈયાર કરવામાં આવે છે. ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ આપમેળે છૂટો પડે તે પહેલાં તેને મેળવી લેવામાં આવે છે અને શરીર બહાર તેનું યોગ્ય માધ્યમમાં સંવર્ધન કરવામાં આવે છે. આ સાથે મેળવેલા વીર્યમાંના શુક્રકોષોની ક્ષમતા વધે તે માટેની પ્રક્રિયા કરાય છે અને ત્યારબાદ શરીર બહાર શુક્રકોષો (વીર્ય) અને અંડકોષને એકઠા કરાય છે. જ્યારે અંડકોષ ફલિત થાય ત્યારે તે ફલિતાંડ (zygote) બને છે. આ પ્રક્રિયા આકૃતિ 7 અને 8માં દર્શાવી છે. ત્યારબાદ તેને ગર્ભાશય કે અંડવાહિનીમાં પ્રતિસ્થાપિત કરાય છે. આ પ્રક્રિયા આકૃતિ 9 અને 11માં દર્શાવી છે. જો ફલિત અંડકોષને પૂર્વકોષકેન્દ્ર તબક્કામાં જ પ્રથમ દિવસે જ અંડવાહિનીમાં પ્રતિસ્થાપિત કરાય તો તેને પૂર્વકોષકેન્દ્ર તબક્કાનું પ્રતિસ્થાપન (pronuclear stage transfer, ProST) કહે છે. જો ફલિતાંડને ભ્રૂણના તબક્કા સુધી સંવર્ધિત કરીને પછી અંડપિંડમાં મૂકવામાં આવે તો તેને અંડવાહિનીમાં ભ્રૂણપ્રતિસ્થાપન (tubal embryo transfer, TET) કહે છે. જો ફલિતાંડને અંડવાહિનીમાં પ્રસ્થાપિત કરવામાં આવે તો તેને અંડવાહિનીમાં ફલિતાંડનું પ્રતિસ્થાપન (zygote intrafallopian transfer, ZIST) કહે છે.
કૃત્રિમ ગર્ભધારણની આનુષંગિક તકલીફો તથા જોખમો : ક્યારેક અંડપિંડનું ઉત્તેજન અતિશય થઈ જાય છે. તે સમયે HCG આપવાનું બંધ કરીને દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરાય છે અને નસ વાટે પ્રવાહી અપાય છે. દર્દીના શરીરમાં પાણી અને ક્ષારોનું સંતુલન જાળવવા પ્રયત્ન કરાય છે અને ભ્રમણ કરતા લોહીનું કદ જાળવી રાખવા પ્રયત્ન કરાય છે. જો શરીરના કોઈ ભાગમાં પાણી ભરાય તો તેને કાઢી નખાય છે. ક્યારેક અંડકોષ મેળવતાં કે શુક્રકોષ મેળવતાં પણ તકલીફો થાય છે. પાતળી સ્ત્રીઓમાં આ તકલીફોનું જોખમ વધુ રહે છે.
સારણી 2 કૃત્રિમ ગર્ભધારણ પ્રક્રિયાઓનાં પગલાં અને સિદ્ધાંત |
|
ક્રમ | પગલું/સિદ્ધાંત |
1 | અંડપિંડનું નિયંત્રિત અતિઉત્તેજન |
2 | પ. વ. ગ્રાફિયન પુટિકામાંથી અંડકોષ આપોઆપ છૂટો પડે તે પહેલાં તેને મેળવી લેવો તે |
3 | વીર્યનિવેશન પહેલાં અંડકોષનું સંવર્ધન (culture) |
4 | શુક્રકોષનું ક્ષમતાવર્ધન (enhancement) |
5 | બહિર્દેહી વીર્યનિવેશન (in-vitro insemination) |
6 | ફલિત અંડકોષ (ફલિતાંડ, zygote)નું સંવર્ધન |
7 | ગર્ભાશયગ્રીવામાં થઈને કે અન્ય માર્ગે ગર્ભાશયમાં પ્રતિસ્થાપન |
અફલિતતાની સારવારમાં ઉપયોગી અન્ય પદ્ધતિઓ : એક વધુ ભ્રૂણ ઉત્પન્ન થાય તો તેને અતિશય ઠંડા વાતાવરણમાં અતિશીતકૃત ભ્રૂણ (frozen embryo) રૂપે જાળવી રાખવાની પદ્ધતિ વિકસેલી છે. જો સ્ત્રીના શરીરમાં અંડકોષ ઉત્પન્ન ન થઈ શકતો હોય તો તેનું દાન મેળવવાની પદ્ધતિ પણ વિકસેલી છે. જો કૃત્રિમ ગર્ભધારણની પદ્ધતિઓ વારંવાર નિષ્ફળ જાય તો અંડકોષ, શુક્રકોષ તથા ભ્રૂણને એકસાથે સંવર્ધિત કરાય છે. અન્ય પદ્ધતિઓ : ગર્ભાશયમાં વીર્યનિવેશન, પેટના પોલાણ(પરિતનગુહા, peritoneal cavity)માં વીર્યનિવેશન (direct intraperitoneal insemination, DIPI), ગ્રાફિયન પુટિકામાં વીર્યનિવેશન (direct intrafollicular insemination, DIFI) પરિતનગુહામાં અંડકોષ અને શુક્રકોષનું પ્રતિસ્થાપન (peritoneal oocyte and sperm transfer, POST) સીધેસીધું અંડકોષ પ્રતિસ્થાપન (direct oocyte transfer, DOT), અંત:ગર્ભાશયી જનનકોષ પ્રતિસ્થાપન (gamete intrauterine tranfer, GIUT), અંડવાહિનીમાં અંડકોષ અને વિલંબિત વીર્યનિવેશન (fallopian receipt of eggs with delayed insemination, FREDI), પારગર્ભાશયી અંડવાહિની સ્થાપન (transuterine fallopilan transfer, TUFT), શસ્ત્રક્રિયાલક્ષી ભ્રૂણસ્થાપન (surgical embryo transfer, SET), અંતર્યોનિ સંવર્ધન (intravaginal culture, IVC) વગેરેનો સમાવેશ થાય છે.
શિલીન નં. શુક્લ
ચૈતન્ય નાગોરી