ટૅસિટસ (જ. આશરે ઈ. સ. 56; અ. આશરે 120) : પ્રાચીન રોમનો લિવી પછીનો મહત્વનો ઇતિહાસકાર. તેણે છેક પ્રાચીન યુગથી પોતાના સમય સુધીનો રોમનો ઇતિહાસ લખેલો છે. તેમાં તેણે રોમની રાજકીય સંસ્થાઓ, તેમના મુખ્ય આગેવાનો, તેમની વચ્ચેના સંઘર્ષો વગેરેનો આપેલો અહેવાલ ઘણોખરો વાસ્તવિક છે. આમ છતાં, તેણે પોતાના વિવરણમાં ઉમરાવવર્ગ અને તેની બનેલી સેનેટ તરફ પક્ષપાત દર્શાવીને આમજનતા અને તેની બનેલી ટ્રિબ્યૂનલને અન્યાય કરેલો છે; એટલું જ નહિ; પરંતુ ઇતિહાસકાર તરીકેની તટસ્થતાનો પણ આ રીતે તેણે ભંગ કરેલો છે. તેના લખાણમાં ધાર્મિક તેમજ રાજકીય પૂર્વગ્રહો પણ દેખાય છે; તોપણ તેનું લખાણ લિવીના લખાણ કરતાં વધારે ગંભીર છે. અલબત્ત, બંને ઇતિહાસકારોએ બનાવોનાં કારણોમાં દૈવી તત્વોનું આરોપણ કરેલું છે તથા બંનેએ વાસ્તવિક હકીકતોની સાથે દંતકથાને પ્રાધાન્ય આપેલું છે. જોકે લિવીએ વિચાર કરતાં ભાષાને વધારે મહત્વ આપેલું છે, જ્યારે ટૅસિટસે વિચાર પર વિશેષ ભાર મૂકેલો છે અને ભાષાને ગૌણ ગણેલ છે, જે તેની વિશિષ્ટતા છે.

ટૅસિટસના લખાણ પર ઈ. સ. પૂ. બીજી સદીમાં થઈ ગયેલ વિખ્યાત ગ્રીક ઇતિહાસકાર પૉલિબિયસના લખાણની છાપ સ્પષ્ટ દેખાય છે. પૉલિબિયસે ઇતિહાસમાં પ્યૂનિક વિગ્રહો તરીકે જાણીતા થયેલા રોમ તથા કાર્થેજ વચ્ચેનાં યુદ્ધોનું 40 ગ્રંથોમાં વિવરણ કરેલું છે. તેમાં તેણે રોમની રાજકીય સંસ્થાઓ(સેનેટ તથા ટ્રિબ્યૂનલ)નું અને તેમની વચ્ચેના સંઘર્ષોનું વિગતથી વિવરણ કરેલું છે, જેને આધારે ટૅસિટસે રોમની રાજકીય સંસ્થાઓ અને તેમની વચ્ચેના સંઘર્ષોનો અહેવાલ લખેલો છે.

રોમન ઇતિહાસલેખન પદ્ધતિને પાયાના સિદ્ધાંતો આપવામાં ટૅસિટસનો ફાળો નોંધપાત્ર હતો. લિવીની માફક તેનું લખાણ માત્ર વર્ણનાત્મક નથી, પરંતુ તે વિકાસાત્મક (genetic) છે. આમ તેણે ઇતિહાસની વૈજ્ઞાનિક પદ્ધતિનો પાયો નાખ્યો છે. ટૅસિટસે લખેલાં ઇતિહાસનાં પુસ્તકોમાં ‘એગ્રિકોલા’, ‘જર્મનિકા’, ‘હિસ્ટરીઝ’ અને એનાલ્સ’ ખાસ નોંધપાત્ર છે. ટૅસિટસે તેમાં કરેલું વિવરણ બહુધા વાસ્તવિક, ઉપયોગી અને વહેવારુ ર્દષ્ટિવાળું છે.

રમણલાલ ક. ધારૈયા