ટેમિન, હોવર્ડ માર્ટિન

January, 2014

ટેમિન, હોવર્ડ માર્ટિન (જ. 10 ડિસેમ્બર 1934, ફિલાડેલ્ફિયા, યુ.એસ.) : ડેવિડ બાલ્ટિમોર અને રેનેટો ડલ્બેકો સાથે 1975ના નોબેલ પુરસ્કારના વિજેતા. તેમણે અર્બુદ-વિષાણુઓ (tumour viruses)

હોવર્ડ માર્ટિન ટેમિન

અને કોષના જનીનીય (genetic) દ્રવ્ય વચ્ચેની આંતરક્રિયાઓ અંગે સંશોધન કર્યું હતું. બાલ્ટિમોર તથા ટેમિને અલગ અલગ સંશોધન દ્વારા વિપરીત લિપ્યંતરક (reverse transcriptase) નામનો ઉત્સેચક શોધ્યો હતો. તેમની શોધ પહેલાં DNAમાંથી RNA અને તેમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થાય છે, એવી પ્રક્રિયાની એકદિશ (unidirectional) શૃંખલા એટલે કે એક જ દિશામાં થતી ક્રમિક જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે એવી માન્યતા હતી. આ શોધને કારણે RNAમાંથી DNAમાં એટલે કે અવળી દિશામાં લિપ્યંતરણ (transcription) થઈ શકે છે તેવું દર્શાવી શકાયું. ટેમિને સ્વાર્થમોર  ખાતે અભ્યાસ કરીને 1959માં કેલટૅક (કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજી) ખાતે વિષાણુવિદ્યા-(virology)માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. 1960માં તેઓ વિસ્કૉન્સિન યુનિવર્સિટીમાં જોડાયા. તેમણે ઍક્ટિનોમાયસિન–ડી નામની ઍન્ટિબાયૉટિકની હાજરીમાં રાઉસ-સાર્કોમા વિષાણુ (Rous Sarcoma Virus, RSV)ની સંખ્યાવૃદ્ધિ અટકે છે તેવું શોધ્યું હતું. આ સંશોધન સમયે તેમણે વિપરીત લિપ્યંતરકના હોવાની સંભાવના વિચારી હતી. તેમણે RNAમાંથી લિપ્યંતરણથી બનતા DNAને પૂર્વવિષાણુ (provirus) નામ આપ્યું હતું. 1970માં ટેમને ઉપર જણાવેલા ઉત્સેચક શોધી કાઢ્યા હતા.

શિલીન નં. શુક્લ