ટૅમેરિક્સ : વનસ્પતિઓના દ્વિદળી વર્ગના ટૅમેરિકેસી કુળની એકમાત્ર પ્રજાતિ. સમગ્ર વિશ્વમાં તેની 20 જેટલી જાતિઓ થાય છે. તે પૈકી ભારતમાં 5 જાતિઓ નોંધાયેલી છે. તે નૈસર્ગિક  રીતે પૂર્વ યુરોપ, ઉત્તર આફ્રિકા, મધ્ય અને વિષુવવૃત્તીય એશિયાના દરિયાકાંઠાના પ્રદેશોમાં વિસ્તરણ પામેલી છે. તે ક્ષુપ કે મધ્યમ કદનું વૃક્ષસ્વરૂપ ધરાવે છે અને દૂરથી સરુ (Casuarina) જેવું લાગે છે. શાખાઓ પાતળી, નબળી, લટકતી; અત્યંત નાનાં શલ્કી-પર્ણો; પુષ્પો નાનાં, નિયમિત, દ્વિલિંગી, શૂકિ કે કલગી રૂપે શાખાના અગ્ર ભાગે ગોઠવાયેલાં હોય છે. પુષ્પો ગુલાબી કે સફેદ, આછા જાંબલી રંગનાં; ફળો પ્રાવરીય નળાકાર. પ્રકાંડની શાખાઓ ઉપર નાના કદની પિટિકાઓ (galls) આવેલી હોય છે, જેમાં Coccus manniparus નામનાં જંતુઓ રહે છે, જે મન્ના ગુંદર ઉત્પન્ન કરે છે. પિટિકામાં ટૅનિન હોવાથી તે રંગાટી પદાર્થ તરીકે ઉપયોગી છે. તેને દરિયાકિનારે રેત-યોજક વૃક્ષ તરીકે મોટા પાયે રોપવામાં આવે છે. તે ખારપાટને વધતો અટકાવે છે, પવનની ગતિનો અવરોધ કરે છે અને ભૂક્ષરણ (soil erosion) અટકાવે છે. હાલ હિમાલયના લેહ-લડાખ વિસ્તારમાં તેનો વનીકરણ (aforestation) માટે મોટે પાયે ઉછેર કરવામાં આવે છે. ગુજરાતમાં તેની નીચે મુજબની પાંચ જાતિઓ મળી આવે છે :

(1) T. aphylla (Linn) Karst; syn. T. articulata Vahl (લાલ જવ) 4થી 6 મી. ઊંચી વૃક્ષની જાતિ છે અને હરિયાણા, પંજાબ, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ તથા ગુજરાતની રેતાળ, લવણ ભૂમિમાં નૈસર્ગિક રીતે ઊગે છે.

તેના કાષ્ઠમાંથી ખેતીનાં ઓજાર બનાવવામાં આવે છે. છાલમાંથી ટૅનિન મેળવવામાં આવે છે, જેનો ઉપયોગ રંગકામ અને ચર્મ-ઉદ્યોગમાં થાય છે. છાલને લસોટી પાણી સાથે ગરમ કરી દાદર, ખસ, ખરજવા તથા ચર્મરોગ ઉપર લગાડવામાં આવે છે. તેની કુમળી શાખાઓ અને પર્ણોમાં ટૅમેરિક્સિન ગ્લુમૅસાઇડ (C22H22O12) હોય છે. તેની પિટિકા રક્તસ્રાવ બંધ કરે છે. શુષ્ક પિટિકાનો ભૂકો બનાવી ગરમ પાણીમાં ઉકાળી કોગળા કરવાથી મોંના ફોલ્લા મટી જાય છે. તેના પ્રકાંડમાંથી સ્રવતો મન્ના નામનો પદાર્થ શક્તિદાયક હોય છે અને મેનિટોલનો સ્રોત છે.

(2) T. dioica Roxb નદીના રેતાળ પટમાં ઊગતી, 2 મીટર જેટલી ઊંચી ક્ષુપ જાતિ છે. તેની શાખાઓ નબળી, પાતળી, લટકતી અને પુષ્પો ગુલાબી કે આછા જાંબલી રંગનાં હોય છે. તે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત તથા દક્ષિણ ગુજરાતમાં કેટલાંક સ્થળોએ જોવા મળે છે.

તેના કાષ્ઠનો ઉપયોગ હળ, ગાડાની ધૂંસરી અને ઓજારોના હાથા બનાવવા માટે થાય છે તથા પંજાબમાં તેના લાકડા ઉપર સંઘાડિયા ખરાદીકામ કરે છે. પિટિકામાં રહેલા ટૅનિનનો ઉપયોગ રંગકામમાં પ્રાથમિક અસ્તર મારવા, જુદા જુદા રંગોના શેડ બનાવવા તેમ જ બદામી, રાખોડી અને કાળા રંગની બનાવટમાં થાય છે.

આકૃતિ : T. dioicaની પુષ્પ સહિતની શાખા

(3) T. ericoides Rottl. (ગાજરી) નાની, ઘટાદાર ક્ષુપ સ્વરૂપે જોવા મળતી અને પથરાળ નદીના પટમાં થતી જાતિ છે.

તેની શાખાઓનો સાવરણા બનાવવામાં ઉપયોગ થાય છે. તેનાં પર્ણો તથા કુમળી શાખાને ચોખા સાથે રાંધીને ખાવાથી છાતીનો કફ દૂર થાય છે. તેનાં પર્ણનો ઉકાળો બરોળનો સોજો મટાડે છે તથા તેની પિટિકા રક્તસ્રાવ અટકાવે છે.

(4) T. troupii Hole syn. T. gallica Dyer. 3થી 4 મીટર ઊંચાઈવાળી ક્ષુપ કે નાની વૃક્ષ જાતિ છે. તે કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને સૂરતમાં જોવા મળે છે તેમજ બગીચામાં સુશોભન માટે ઉછેરાય છે.

તેની શાખાઓ ઉપર થતી પિટિકાનો કડક ઉકાળો છોલાયેલી ચામડીવાળાં ગૂમડાંને મટાડે છે. તેનો ઉકાળો અતિસાર, મરડો તથા પેટની ચૂંક મટાડે છે. પિટિકાના ભૂકાને ગરમ પાણીમાં પલાળી કોગળા કરવાથી ગળું સુંવાળું રહે છે અને અવાજની કર્કશતા દૂર થાય છે. પિટિકાનો ભૂકો વૅસેલિન અથવા અદાહક તેલમાં ભેળવવાથી દૂઝતા હરસ અને ગુદા-ફાટ ઉપર ઉપયોગી થાય છે.

જૈમિન વિ. જોશી