ટંડેલ : ખલાસીઓના ઉપરી. ‘નાખવો’, ‘નાખુદા’ કે ‘નાખોદા’ તેના પર્યાયરૂપ શબ્દો છે. સંસ્કૃતમાં આ માટે ‘पोतवाह’ શબ્દ છે. ખલાસીઓને વહાણના સંચાલન માટે તે આદેશો આપે છે અને સમગ્ર વહાણના સંચાલનની જવાબદારી તેની રહે છે. સ્ટીમરના કૅપ્ટન સાથે તેને સરખાવી શકાય. લાંબા વખત સુધી સમુદ્રની ખેપના અનુભવથી આ પદ પ્રાપ્ત થાય છે. સમુદ્રમાં ખરાબા, પાણીની ઊંડાઈ, ભરતી-ઓટ, વાવાઝોડું, પવનની ગતિ, તારાની ઓળખ વગેરેનું સંગીન જ્ઞાન ધરાવતો હોય છે. વેપારી અને વહાણનો માલિક વહાણની બધી જવાબદારી તેને સોંપે છે. ખારવાઓની કામગીરી ઉપરાંત માલની સંભાળ રાખવાની તથા જે તે સ્થળના માલિકને તેનો માલ સહીસલામત પહોંચાડવાની તેની જવાબદારી હોય છે.

શિવપ્રસાદ રાજગોર