ટંકારા : ગુજરાતમાં રાજકોટ જિલ્લાના મોરબી તાલુકામાં આવેલું આર્યસમાજના સ્થાપક સ્વામી દયાનંદ સરસ્વતીનું જન્મસ્થળ. 22° 35´ ઉ. અ. અને 70° 40´ પૂ. રે. ઉપર ડેમી નદીના પશ્ચિમ કાંઠે સર્પાકાર વળાંક પર તે વસેલું છે. ટંકારા નજીક ડેમી નદી સાથે આસુંદરીનો સંગમ થાય છે. આ સ્થળ મોરબીથી વાયવ્યે 22.4 કિમી., રાજકોટથી ઉત્તરે 35.2 કિમી. અને વાંકાનેરની પશ્ચિમે 20.8 કિમી. દૂર છે.

અહીં ડેમીના કિનારે મહર્ષિ દયાનંદ(મૂળ નામ મૂળશંકર)નું વિશાળ સ્મારક છે. દર વરસે મહાશિવરાત્રિના દિવસે અહીં ઋષિબોધોત્સવ ઊજવાય છે. દરરોજ યજ્ઞશાળામાં વેદોચ્ચાર સાથે યજ્ઞ થાય છે.

આસપાસના 16 કિમી. વિસ્તારનાં ગામો માટે ટંકારા ખરીદ-વેચાણ કેન્દ્ર છે. તેનો મોરબી, વાંકાનેર અને રાજકોટ સાથે ઘનિષ્ઠ વેપારી સંબંધ છે. જિલ્લા માર્ગો દ્વારા તે આ શહેરો સાથે જોડાયેલું છે. 22·5 કિમી. લાંબી નેકનામ–ટંકારા નૅરોગેજ રેલવેનું ટંકારા ટર્મિનસ સ્ટેશન છે. મગફળી, જુવાર, બાજરી, કપાસ જેવી કૃષિપેદાશો અહીં વેચાવા આવે છે. સ્ટેશન નજીક ચકમક અને અકીક જેવા પથ્થરો જોવા મળે છે.

ટંકારામાં આર્યસમાજની શાખા છે. આર્યસમાજ દ્વારા અહીં બાલમંદિર, વ્યાયામશાળા, આયુર્વેદિક દવાખાનું, માધ્યમિક શાળા, આર્યવીરદળ વગેરેનું સંચાલન થાય છે. અહીં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, બાલમંદિરો અને ધંધાદારી તાલીમ માટે આઈ.ટી.આઈ. સંસ્થાઓ છે.

તેની 10,175ની વસ્તી (2011) છે. શહેરમાં બૉલપેન અને ફાઉન્ટન-પેનનું કારખાનું તથા ટાઇલ્સનાં કારખાનાં ઉપરાંત સોનાચાંદીના દાગીના બનાવવાના તથા હીરા ઘસવાના ગૃહઉદ્યોગો છે.

અહીં લક્ષ્મીનારાયણનું પૌરાણિક મંદિર અને 14 કિમી.ના અંતરે જડેશ્વર મહાદેવનું પ્રસિદ્ધ મંદિર છે.

સૌરાષ્ટ્ર રાજ્યની રચના બાદ 1950માં અહીં નગરપાલિકા હતી. તેનું હવે નગરપંચાયતમાં રૂપાંતર થયું છે.

શિવપ્રસાદ રાજગોર