ટંગ્સ્ટન : આવર્ત-કોષ્ટકમાં 6ઠ્ઠા (અગાઉના VI A)માં આવેલા સમૂહ  સંક્રમણ-તત્વોમાંનું એક વિશિષ્ટ તત્વ. તેની સંજ્ઞા W, પરમાણુઆંક 74, પરમાણુભાર 183.84 તથા ઇલેક્ટ્રૉન સંરચના 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 4p6 4d10 4f14 5s2 5p6 5d4 6s2 છે. તેના કુદરતી સમસ્થાનિકોનાં ભારાંક અને સાપેક્ષ વિપુલતા (કૌંસમાં) આ પ્રમાણે છે : 180 (0.14 %), 182 (26.4 %), 183 (14.4 %), 184 (30.6 %) અને 186 (28.4 %). આ ઉપરાંત તેના પરમાણુભાર 173થી 189 ધરાવતા 12 કિરણોત્સર્ગી સમસ્થાનિકો પણ છે. ટંગ્સ્ટન સ્વીડિશ શબ્દો tung (heavy) તથા sten (stone) ઉપરથી બન્યો છે. જર્મન ભાષામાં તેને માટેના શબ્દ વુલફ્રામ (wolfram) ઉપરથી તેની સંજ્ઞા W વપરાય છે. 1783માં જોસ તથા દ ઇલ્યુયાર નામના બે સ્પૅનિશ ભાઈઓ દ્વારા વુલફ્રેમાઇટ ખનિજમાંથી ટંગ્સ્ટન સૌપ્રથમ અલગ પાડવામાં આવેલું. અગાઉ બર્ગમૅન 1781માં તથા શીલેએ તેના અસ્તિત્વની શક્યતા દર્શાવેલી. ટંગ્સ્ટન d સંક્રમણ-તત્વોની શ્રેણી(જેમાં આંશિક રીતે ભરાયેલી d ઇલેક્ટ્રૉનિક ઉપ-કક્ષાઓ હોય છે)નું સભ્ય છે. શુદ્ધ સ્ફટિકમય તત્વનો ચળકાટ ચાંદી જેવો હોય છે.

પ્રાપ્તિસ્થાન : પૃથ્વીના પોપડામાં 0.0001 % ટંગ્સ્ટેટ (WO4–2) લવણરૂપે હોય છે. તેનાં અગત્યનાં ખનિજોમાં શિલાઇટ (CaWO4) (71–68 % W), વુલફ્રેમાઇટ (FeMn)WO4 (74–82 % W) તથા સ્ટૉલ્ઝાઇટ (PbWO4) મુખ્ય છે. ટંગ્સ્ટનનાં ખનિજો (અયસ્કો) મુખ્યત્વે ચીન (ઉત્પાદન 15,000 મેટ્રિક ટન), રશિયા (9200 ટન), કૅનેડા (3100 ટન), દક્ષિણ કોરિયા (2600 ટન), ઑસ્ટ્રેલિયા (1900 ટન), પોર્ટુગલ (1800 ટન) તથા અમેરિકા અને બોલિવિયામાં મળી આવે છે. ભારતમાં તેનો ઉપલભ્ય (recoverable) જથ્થો 2,38,94,371 ટન (55026 ટન WO3) ધારવામાં આવે છે, જે મુખ્યત્વે દેગાના, રાજસ્થાનમાં છે. આ ઉપરાંત તે મહારાષ્ટ્ર, કર્ણાટક, પ. બંગાળ અને ઉત્તરપ્રદેશમાં મળી આવે છે.

ગુણધર્મો : ટંગ્સ્ટનના સ્ફટિક વસ્તુકેન્દ્રિત ઘન સંરચનાવાળા હોય છે. બધી ધાતુઓમાં તે સૌથી ઊંચું ગલનબિંદુ, ઊંચા તાપમાને સૌથી નીચું બાષ્પદબાણ અને મહત્તમ તનનસામર્થ્ય (tensile strength) ધરાવે છે. તેના કેટલાક ભૌતિક ગુણધર્મો નીચે દર્શાવ્યા છે :

સારણી : ટંગ્સ્ટનના ભૌતિક ગુણધર્મો

ગુણધર્મ મૂલ્ય
ગલનબિંદુ (° સે.) 3422
ઉત્કલનબિંદુ (° સે.) 5500
ઘનતા (20° સે.) (ગ્રા./ઘસેમી.) 19.3
વિશિષ્ટ ઉષ્મા (25° સે.)

(કૅલરી/ગ્રા.° સે.)

(J/ગ્રા.° સે.)

 

0.032

0.13

વિદ્યુતઋણતા 1.7
સંગલન-ઉષ્મા :

(કૅલરી/ગ્રા.)

(J/ગ્રા.° સે.)

 

52.2 ± 8.7

218 ± 36

બાષ્પદબાણ (2027° સે.)

વાતાવરણ

(Pa)

 

6.4 x 10–12

6.5 x 10–7

વિદ્યુત-પ્રતિરોધકતા (27° સે.)

માઇક્રોઓહમ–સેમી.5

5.65
ઉષ્મીય સંવાહકતા (27° સે.)

(કૅલરી/સેમી. સેકન્ડ °સે.)

(J/સેમી. સેકન્ડ° સે.)

 

0.43

1.8

સામાન્ય તાપમાને પાણી, ઑક્સિજન, ઍસિડ, જલીય આલ્કલી દ્રાવણો વગેરેની ટંગ્સ્ટન ઉપર અસર થતી નથી, પરંતુ ફ્લૉરિન અથવા સાંદ્ર નાઇટ્રિક–હાઇડ્રોફ્લૉરિક ઍસિડના મિશ્રણની તેના ઉપર અસર થાય છે. ગરમ (250° સે.) ફૉસ્ફરિક ઍસિડમાં તથા પિગાળેલા KOH-KNO3 મિશ્રણમાં તે ઝડપથી ઓગળે છે. 500° સે. તાપમાને ટંગ્સ્ટન ઑક્સિજન તથા હાઇડ્રોજન ક્લૉરાઇડ સાથે પ્રક્રિયા કરે છે. 800°–900° સે. તાપમાને તે પાણીની વરાળનું વિઘટન કરે છે. આ તાપમાને તે કાર્બન મૉનૉક્સાઇડ, એમોનિયા તથા હાઇડ્રોજન સલ્ફાઇડ સાથે પણ પ્રક્રિયા કરે છે. ઊંચા તાપમાને (1000°–1500° સે.) ધાતુ (W) ઉપર કાર્બન-ડાયૉક્સાઇડ તથા નાઇટ્રોજન અને હાઇડ્રોકાર્બન પ્રક્રિયા કરે છે તથા ખૂબ ઊંચા તાપમાને (2000° સે.) થોરિયા (ThO2) તથા ઍલ્યુમિના (Al2O3) દ્વારા તેનું ઉપચયન થાય છે અને તેને પરિણામે Th તથા Al ધાતુ છૂટી પડે છે.

મુખ્ય સંયોજનો : રાસાયણિક રીતે ટંગ્સ્ટન તેના સમવંશી (cogener) મોલિબ્ડિનમ માફક વર્તે છે. ઘણી ધાતુઓ તથા હાઇડ્રોજન અને નિષ્ક્રિય વાયુઓ સિવાયની મોટા ભાગની અધાતુઓ સાથે તે સંયોજનો બનાવે છે. ટંગ્સ્ટનના ઉપચયનાંક –4 થી +6 સુધીના જાણમાં છે તથા તેના સવર્ગ-અંક (coordination number) 4થી 9 સુધીના હોઈ શકે છે.

બોરાઇડ, કાર્બાઇડ તથા નાઇટ્રાઇડ : ટંગ્સ્ટન બોરાઇડમાં W2B, WB2, W2B5 તથા WB4 જાણીતાં છે. તે બનાવવા માટે ટંગ્સ્ટન તથા બોરૉનના મિશ્રણને 2000° સે. તાપમાને  આર્ગન વાયુમાં ગરમ કરવામાં આવે છે. WO2 તથા B2O3ના ઘન દ્રાવણનું ઍલ્યુમિનિયમ વડે અપચયન કરવાથી પણ બોરાઇડ બનાવી શકાય છે. બોરાઇડ સખત, બરડ, વિદ્યુતવાહક સંયોજનો છે. WB4 સિવાયનાં બધાં બોરાઇડ ઊંચા ગલનબિંદુવાળાં તથા ઊંચા તાપમાને સ્થાયી છે.

ટંગ્સ્ટનમાંથી બે જાણીતાં કાર્બાઇડ W2C તથા WC બને છે. ટંગ્સ્ટનનો પાઉડર તથા કાર્બનને 1400°–1600° સે. તાપમાને ગરમ કરવાથી તે બનાવી શકાય છે. આ ઉપરાંત ટંગ્સ્ટન-ઑક્સાઇડનું કાર્બન દ્વારા અપચયન કરીને પણ તે મેળવી શકાય છે. ટંગ્સ્ટન-કાર્બાઇડ ભૂખરા રંગનાં અતિશય સખત સંયોજનો છે. સામાન્ય તાપમાને મોટા ભાગના ઍસિડની તેના ઉપર અસર થતી નથી, પરંતુ ફ્લૉરિનની અસર થાય છે. આ બંને કાર્બાઇડને હવામાં ગરમ કરતાં WO3 સંયોજન બને છે. WC અત્યંત કઠિન પદાર્થ (f = 9.5 મોઝ માપક્રમ) હોઈ બીબાં (dies), કરવતના દાંતા, શારડીનાં પાનાં તથા કર્તન ઓજારો(cutting tools)માં વપરાય છે.

ટંગ્સ્ટનનાં W2Nથી WN2 સુધીનાં, સંઘટન ધરાવતાં નાઇટ્રાઇડ નોંધાયાં છે. ટંગ્સ્ટન નાઇટ્રાઇડ W2N 800° સે. તાપમાને ટંગ્સ્ટન પાઉડર ઉપર એમોનિયા પસાર કરીને બનાવી શકાય. ટંગ્સ્ટનના તારને નાઇટ્રોજન વાયુમાં 2500° સે. તાપમાને ગરમ કરતાં WN2 (ડાઇનાઇટ્રાઇડ) બને છે. 400° સે. સુધી આંશિક શૂન્યાવકાશમાં તે સ્થાયી છે, પરંતુ ઑક્સિજન સાથે ગરમ કરવાથી તેનું WO3 તથા N2માં વિઘટન થાય છે.

ઑક્સાઇડ : ટંગ્સ્ટન ટ્રાયૉક્સાઇડ WO3 લીંબુ રંગનો ઘન પદાર્થ છે. તેનું ગલનબિંદુ 1473° સે. છે. ટંગ્સ્ટનને અથવા તેનાં કાર્બાઇડ, નાઇટ્રાઇડ, સલ્ફાઇડ જેવાં સંયોજનોને ગરમ કરતાં અંતિમ નીપજ WO3 મળે છે. આ ટ્રાયૉક્સાઇડ પાણીમાં તથા મોટા ભાગના ઍસિડ(HF સિવાય)માં અદ્રાવ્ય છે, પરંતુ આલ્કલી ધાતુ હાઇડ્રૉક્સાઇડના જલીય દ્રાવણ સાથે દ્રાવ્ય ટંગ્સ્ટેટ લવણો બનાવે છે. WO3ને 800°–1000° સે. તાપમાને શૂન્યાવકાશમાં અથવા હાઇડ્રોજનની હાજરીમાં ગરમ કરવાથી W18O49 તથા W20O58 જેવા મધ્યસ્થી (intermediate) ઑક્સાઇડનું  મિશ્રણ (W4O11) મળે છે. ટંગ્સ્ટન-ડાયૉક્સાઇડ (WO2) ગરમ સંકેન્દ્રિત ખનિજ ઍસિડોમાં ઓગળે છે. ઊકળતા સંકેન્દ્રિત આલ્કલી ધાતુ હાઇડ્રૉક્સાઇડ દ્રાવણો સાથે હાઇડ્રોજન વાયુ તથા ટંગ્સ્ટેટ લવણો મળે છે. 500° સે. તાપમાને N2O તથા NO દ્વારા WO2માંથી ઉપચયન દ્વારા વાદળી રંગનો ઑક્સાઇડ બને છે જ્યારે NO2 દ્વારા 300° સે.થી નીચા તાપમાને તેમાંથી WO3 બને છે.

ટંગ્સ્ટન લવણો તથા ટંગ્સ્ટનના ઍસિડ : આલ્કલી ધાતુ(M)ના જલીય હાઇડ્રૉક્સાઇડ તથા WO3માંથી સ્ફટિકીકરણ દ્વારા M2WO4·nH2O સૂત્રવાળાં સાદાં લવણો મેળવવામાં આવે છે. બીજી ધાતુનાં ટંગ્સ્ટેટ લવણો યોગ્ય લવણ તથા WO3ની સીધી રાસાયણિક પ્રક્રિયા દ્વારા અથવા વિનિમય (metathetic) પ્રક્રિયા દ્વારા મળે છે. દા.ત.,

આલ્કલી ટંગ્સ્ટેટ લવણોનું ઊંચા તાપમાને H2 કે WO2 દ્વારા અપચયન કરવાથી પિત્તળ જેવા દેખાવનો પદાર્થ બને છે જેને ટંગ્સ્ટન બ્રૉન્ઝ કહે છે. તે અનુચિત-તત્વપ્રમાણવાળા (nonstoichiometric) સામાન્ય સૂત્ર MxWO3 (o < x < 1)  ધરાવતાં સંયોજનો છે. x ના મૂલ્ય ઉપર તેમના રંગનો આધાર રહેલો છે; દા.ત., x = 0.93 સોનેરી પીળો, x = 0.32 વાદળી-જાંબલી વગેરે. x > 0.3 વાળા ટંગ્સ્ટન બ્રૉન્ઝ  અર્ધ-ધાત્વીય ગુણધર્મો (જેમ કે, ધાતુ જેવો ચળકાટ, વિદ્યુત સુવાહકતા) દર્શાવે છે. આ સંયોજનો પાણીમાં  અદ્રાવ્ય હોય છે તથા HF સિવાયના કોઈ પણ ઍસિડની તેના પર અસર થતી નથી.

હૅલાઇડ : હેક્ઝાહૅલાઇડ WF6, WCl6, WBr6 બનાવવા માટે ધાતુ સાથે હૅલોજનની પ્રક્રિયા કરવામાં આવે છે. સામાન્ય તાપમાને WF6 રંગવિહીન વાયુ છે તથા સોનું અને પ્લૅટિનમ સિવાયની બધી ધાતુઓ સાથે પ્રક્રિયા કરે છે. તે કાચને નિરેખિત કરે છે તથા ભેજવાળી હવામાં ઝડપથી જળવિભાજન પામે છે. WCl6 સ્ટીલ જેવો, વાદળી રંગનો 275° સે. ગ. બિં. ધરાવતો હૅલાઇડ છે, જે 60° સે. તાપમાને પાણી સાથે પ્રક્રિયા કરે છે તથા આલ્કોહૉલ, ક્લૉરોફૉર્મ, બેન્ઝિનમાં ઓગળે છે. WBr6 કાળા-વાદળી રંગનું ઘન સંયોજન છે જે ગરમ કરતાં વિઘટન પામે છે. તે સહેલાઈથી જળવિભાજન પામે છે. ટંગ્સ્ટનનાં પેન્ટાહૅલાઇડ, ટેટ્રાહૅલાઇડ, ટ્રાઇહૅલાઇડ તથા ડાઇહૅલાઇડ જાણીતા છે.

સંકીર્ણ સંયોજનો : વિવિધ લિગેન્ડ સાથે જોડાયેલાં ટંગ્સ્ટનનાં અનેક સંકીર્ણ  આયનો જાણીતાં છે; દા.ત., WX6 (X = F, Cl, Br), WX6–2 (X = Cl).

WX6–3 આયનો જાણીતાં નથી. પરંતુ W ≡ W ત્રિબંધ ધરાવતાં દ્વિકેન્દ્રીય (dinuclear) આયન W2Cl9–3 જાણીતાં છે. કોઈ પણ ઉપચયનાંક ધરાવતા ઍક્વો-આયન જાણીતાં નથી. +4, +5, +6 ઉપચયનાંક ધરાવતા ઑક્સો-સંકીર્ણો જાણીતાં છે; દા. ત., W3O4F9–5, WOCl5–2 તથા WO2F4–2. આ  ઉપરાંત  પર્યાવરણ  પ્રત્યે  સંવેદનશીલ એવાં W(CN)8–4 અને W(CN)8–3 જાણીતાં છે.

કાર્બધાત્વીય સંયોજનમાં ટંગ્સ્ટન હેક્ઝાકાર્બોનિલ W(CO)6 સફેદ, બાષ્પશીલ, હવામાં સ્થાયી ઘન સંયોજન છે.

W(CO5)–2 તથા W(CO)4–4 જેવાં અતિ અપચયિત ઋણાયનોમાં ટંગ્સ્ટન ખૂબ ઊંચો ઉપચયનાંક ધરાવે છે. પ્રવાહી એમોનિયામાં યોગ્ય ટંગ્સ્ટન કાર્બોનિલના આલ્કલી ધાતુ વડે થતા અપચયન દ્વારા તે મેળવી શકાય છે.

ટંગ્સ્ટનનાં ખનિજો ઉપર પારજાંબલી પ્રકાશ પડતાં તે ભૂરાશ પડતી સફેદ સંદીપ્તિ દર્શાવે છે. આ ગુણને ખનિજના નમૂનાની ગુણાત્મક (qualitative) ક્ષેત્રીય કસોટી તરીકે વાપરી શકાય. મોલિબ્ડિનમની હાજરી સંદીપ્તિના રંગમાં ફેરફાર કરે છે અને મોલિબ્ડિનમનું પ્રમાણ વધતાં તે વાદળીમાંથી આછો પીળો અને નારંગી રંગ ધારણ કરે છે. સિંકોનિન, α-બેન્ઝોઇનઑક્ઝાઇમ અને ટૅનિક ઍસિડ – ઍન્ટિપાયરિન ટંગ્સ્ટન સાથે  અવક્ષેપ આપતા હોવાથી ભારાત્મક (quantitative) વિશ્લેષણમાં આ પ્રક્રિયકો વડે ટંગ્સ્ટનને  અવક્ષિપ્ત કરી, બાળી, WO3 તરીકે વજન કરવામાં આવે છે. ઓછા પ્રમાણ(10–100 મિગ્રા.)વાળાં ખનિજો માટે 3, 4–ડાયમર્કેપ્ટોટૉલ્યુઈન(ડાયથાયોલ)નો ઉપયોગ કરી સ્પેક્ટ્રોફોટોમિતીય પદ્ધતિ વપરાય છે. 200 ભાગ પ્રતિ મિલિયન કક્ષાએ પરમાણ્વીય અવશોષણ સ્પેક્ટ્રમિતિનો ઉપયોગ થઈ શકે, જ્યારે અતિ અલ્પ પ્રમાણ માટે ઍક્સ-કિરણ પ્રતિદીપ્તિ તથા પરમાણ્વીય  ઉત્સર્જન પદ્ધતિઓનો ઉપયોગ થાય છે.

ટંગ્સ્ટનનું ઉત્પાદન : શીલાઇટ ખનિજને સાંદ્ર HCl અથવા અમ્લરાજ સાથે ખનિજમાંની અશુદ્ધિઓ દ્રાવ્ય થઈ અદ્રાવ્ય પીળો ટંગ્સ્ટિક ઍસિડ અને સિલિકા મળે નહિ ત્યાં સુધી દ્રાવણ  ઉકાળવામાં આવે છે :

અદ્રાવ્ય જથ્થાને ગાળી, ધોઈ એમોનિયા ઉમેરતાં ટંગ્સ્ટિક ઍસિડ દ્રાવણમાં જાય છે. દ્રાવણને ગાળી, બાષ્પીભવન કરતાં એમોનિયમ પૅરાટંગ્સ્ટેટ (NH4)10[H2W12O42]·10H2Oના સ્ફટિકો મળે છે, જેનું દહન કરતાં WO3 મળે છે.

વુલફ્રેમાઇટ ખનિજના ભૂકાને 15 ટકા જેટલા વધુ સોડિયમ કાર્બોનેટ તથા થોડા સોડિયમ નાઇટ્રેટ સાથે પ્રક્ષેપક ભઠ્ઠીમાં 1000° સે. તાપમાને ઉપચયનકારી સ્થિતિમાં ગરમ કરવામાં આવે છે. પીગળેલા જથ્થાને વહેતા પાણીની ટાંકીમાં ધીમે ધીમે પસાર કરતાં દ્વિવિઘટનથી બનતો સોડિયમ ટંગ્સ્ટેટ પાણીમાં ઓગળી જાય છે. આ વહેતા દ્રાવણને સતત ગાળવાનું ચાલુ રાખવામાં આવે છે.

દ્રાવણને સંકેન્દ્રિત કરી સ્ફટિકીકરણ દ્વારા 70 % જેટલો સોડિયમ ટંગસ્ટેટ મેળવવામાં  આવે છે. માતૃદ્રાવણમાં HCl ઉમેરવાથી ટંગ્સ્ટિક ઍસિડ છૂટો પડે છે. સોડિયમ ટંગ્સ્ટેટને પાણીમાં ઓગાળી દ્રાવણને ઊકળતા મંદ HClમાં નાખવાથી ટંગ્સ્ટિક  ઍસિડના પીળા દાણાદાર અવક્ષેપ મળે છે.

Na2WO4 + 2HCl = H2WO4 + 2NaCl

કૅલ્શિયમ ક્લોરાઇડ દ્વારા પણ ટંગ્સ્ટનનું કૅલ્શિયમ ટંગ્સ્ટેટ તરીકે અવક્ષેપન કરી શકાય છે. આ રીતે 96 % જેટલો ટંગ્સ્ટેટ મળે છે જેને HCl દ્વારા ટંગ્સ્ટિક ઍસિડમાં ફેરવવામાં આવે છે. ટંગ્સ્ટિક ઍસિડને ગરમ કરતાં ટંગ્સ્ટન ટ્રાયૉક્સાઇડ મળે છે :

H2WO4 → WO3 + H2O

કલિલીય ટંગ્સ્ટિક ઍસિડ દ્રાવણમાં નીકળી જતો રોકવા માટે દ્રાવણોને ધીરેથી ઊંચા તાપમાને સતત હલાવીને મિશ્ર કરવામાં આવે છે અને મંદ ઍસિડ વડે ઝડપથી ધોવામાં  આવે છે. આ રીતે મેળવેલ ટંગ્સ્ટન ટ્રાયૉક્સાઇડનું અનેક રીતે અપચયન કરી ટંગ્સ્ટન મેળવવામાં  આવે છે.

(i) ટંગ્સ્ટન ટ્રાયૉક્સાઇડને નિકલના મૂસમાં હાઇડ્રોજનના પ્રવાહમાં 1100°–1500° સે. તાપમાન સુધી ગરમ કરતાં ટંગ્સ્ટન મળે છે, જે શુદ્ધ ભૂખરા રંગનું હોય છે.

4WO3 + H2 → W4O11 + H2O

W4O11 + 3H2 → 4WO2  + 3 H2O

WO2  + 2H2 → W + 2H2O

(ii) જસત, ઍલ્યુમિનિયમ, કાર્બન વગેરે વડે પણ અપચયન કરી શકાય. ટંગ્સ્ટન હેક્ઝાફ્લૉરાઇડનું H2 દ્વારા અથવા તેની  બાષ્પનું 1600° સે. તાપમાને તપાવેલ ટંગ્સ્ટન ફિલામેન્ટ વડે વિઘટન કરતાં શુદ્ધ ટંગ્સ્ટન મળે છે.

(iii) વિદ્યુતવિભાજન દ્વારા પણ ટંગ્સ્ટન મેળવી શકાય છે.

ટંગ્સ્ટન ઉમેરવાથી મળતી મિશ્રધાતુઓ મજબૂત, સ્થિતિસ્થાપક અને ક્ષારણરોધક હોવાથી તે જુદી જુદી લોહ અને બિનલોહ મિશ્રધાતુઓ બનાવવામાં ઉપયોગી છે. તેનો ઉપયોગ ધાતુ કાપવાનાં ઓજારો, બખ્તર અને શસ્ત્રો બનાવવામાં થાય છે. તેના ઊંચા ગ. બિંદુ તેમજ ઊંચા તાપમાને અબાષ્પશીલતાને કારણે વિદ્યુતગોળામાં ફિલામેન્ટ તરીકે અને વોલ્ટેજ-રેગ્યુલેટરમાં, તેમજ ઊંચી ઘનતાને લીધે ઍક્સ-કિરણોના ટાર્ગેટ તરીકે, વાઢકાપમાં સોના અથવા ચાંદીના તારની જગ્યાએ, એમોનિયાના ઉત્પાદનમાં ઉદ્દીપક તરીકે, વિદ્યુત ઢોળ  ચડાવવા વગેરેમાં ટંગ્સ્ટન વપરાય છે. આલ્કલી મેટાટંગ્સ્ટેટ લવણો વર્ણકો તરીકે તેમજ કપડાં તથા અન્ય જ્વલનશીલ પદાર્થોને અદાહ્ય બનાવવા વગેરેમાં વપરાય છે.

Co – Cr – W મિશ્રધાતુઓ (સ્ટેલાઇટ) વાલ્વ, બેરિંગ, ખડક કાપવાની આરી તથા આગબોટના પ્રૉપેલર તરીકે વપરાય છે. ટંગ્સ્ટન સ્ટીલ (3 % W) ટેપ તથા બુશિંગમાં અને ટંગ્સ્ટન સુપર મિશ્રધાતુ (5 % W) ગૅસ-ટર્બાઇન, વિમાન, અવકાશયાનો તથા ઊંચા તાપમાને વપરાતાં ઉપકરણો(દા.ત., પેટ્રોલ-ભંજન)માં વપરાય છે. W-Re મિશ્રધાતુ અવકાશયાનો, કેન્દ્રીય રિઍક્ટર તથા થરમૉકપલ બનાવવા વપરાય છે.

થૉરિયમ ઉમેરેલા ટંગ્સ્ટન-વાયરો કૅથોડ  ઇલેક્ટ્રૉનિક ફિલામેન્ટ, Cā તથા Mg– ટંગ્સ્ટેટ સ્વયં-સંદીપક પ્રકાશ તથા ટેલિવિઝન-ટ્યૂબ માટે વપરાય છે.

WO3 તથા WS2 પેટ્રોલ-ઉદ્યોગમાં ઉદ્દીપક તરીકે અને WS2 તથા WSe2 ઉચ્ચ તાપમાને વપરાતાં ઊંજણો તરીકે કાચ, સિરામિક, ટૅનિંગ ઉદ્યોગ વગેરેમાં વપરાય છે. ટંગ્સ્ટન કાર્બાઇડ અત્યંત સખત હોઈ તેનો ઉપયોગ કર્તન-ઓજારો, ખનન અને શારકામમાં, તાર ખેંચવાનાં બીબાં (dies) અને બખ્તરભેદી શસ્ત્રો બનાવવામાં થાય છે. ઉત્પાદિત ટંગ્સ્ટનનો લગભગ 50 %થી વધુ જથ્થો આ માટે વપરાય છે.

જગદીશ જ. ત્રિવેદી