ઝાકળ : ભૂમિતલની નજીકના ઘાસ, છોડ અને બારીના કાચ જેવા પદાર્થો ઉપર જામતું પાણીનું પાતળું પડ. દિવસે પૃથ્વીની સપાટી સૂર્યનાં કિરણોનું શોષણ કરે છે. આથી તે ગરમ થાય છે. સૂર્યાસ્ત પછી પૃથ્વીની સપાટી ધીમે ધીમે ઠંડી પડે છે.  આકાશ વાદળો વિનાનું હોય તો સપાટી જલદી ઠંડી પડે છે અને આકાશ વાદળછાયું હોય તો પૃથ્વીની સપાટીમાંથી ઉત્સર્જિત ઉષ્માવિકિરણનું પરાવર્તન થાય છે; પરિણામે સપાટી જલદી ઠંડી પડતી નથી. સપાટી જેમ ઠંડી પડતી જાય છે તેમ હવામાં રહેલી બાષ્પ પદાર્થો ઉપર ઠરવા લાગે છે, જે ઝાકળ રચે છે. ઝાકળની રચના માટે હવામાં બાષ્પનું પ્રમાણ વિશેષ હોવું જોઈએ તેમજ વાતાવરણનું તાપમાન નીચું જવું જોઈએ. આ સાથે સાથે જમીનનો ભેજ ઝાકળમાં ઉમેરો કરે છે. જે તાપમાને ઝાકળ પડે છે તેને ઝાકળબિંદુ (dew-point) કહે છે. બાહ્ય તાપ સામે સુરક્ષિત હોય અને છતાં પોતાનું તાપમાન શીઘ્રતાથી ઘટાડી શકે તેવા પદાર્થો ઉપર ઝાકળ વધારે માત્રામાં જામે છે. વાતાવરણના નીચલા સ્તરમાં ભેજનું પ્રમાણ વધારે હોય તો ઝાકળની પ્રક્રિયા ઝડપથી થાય છે; એથી ઊલટું પવન જોરમાં હોય ત્યારે નીચલા સ્તરના વાયુ વહી જવાથી ઝાકળની પ્રક્રિયા ધીમી પડે છે.

ઝાકળબિંદુ 0° સે.થી નીચે જાય તો ઉષ્માના ઊર્ધ્વગમનની પ્રક્રિયા થાય છે. આથી તાપમાન શૂન્યથી નીચે જતાં ઝાકળનાં બિંદુઓનું બરફમાં રૂપાંતર થાય છે. બરફના સૂક્ષ્મ સ્ફટિકોની રચનાને તુષાર (frost) કહે છે એટલે કે તુષાર ઝાકળનું ઘનસ્વરૂપ છે. તે ઘાસ, છોડનાં પાન કે બારીના કાચ ઉપર હિમકણો રૂપે જામે છે. હિમકણો સ્ફટિકમય હોવાથી તેમના કદમાં વધારો થાય છે. પરિણામે નજીકનાં ઝાકળબિંદુઓ બાષ્પ બની તેમનું પાણી હિમકણ ઉપર જામે છે. તુષાર સ્ફટિકો બે પ્રકારના હોય છે : પટ્ટિકારૂપ (platelike) અને સ્તંભરૂપ (columnar). પટ્ટિકા સ્ફટિકો ચપટા હોય છે અને હિમવર્ષાના બરફના કણોને મળતા આવે છે. સ્તંભરૂપ સ્ફટિકો ષટ્કોણઘાટની નલિકા જેવા હોય છે.

ઠારબિંદુ (freezing point) કરતાં નીચા તાપમાને બાષ્પનું ઝાકળ બન્યા સિવાય, બરફમાં રૂપાંતર થાય છે. આ પરિસ્થિતિ પાક અને છોડવાઓને નુકસાન કરે છે. હિમ સામે રક્ષણ માટે ખેતરમાં પુષ્કળ પાણી વહેવડાવવામાં આવે છે, તાપણાં કરવામાં આવે છે. આ બધાંને લીધે હિમની પ્રક્રિયા મંદ પડે છે.

પ્રહલાદ છ. પટેલ