જ્યૉફ્રોય સેઇન્ટ-હિલેર એતીન

January, 2014

જ્યૉફ્રોય સેઇન્ટ-હિલેર એતીન (જ. 15 એપ્રિલ 1772, એતામ્પ, ફ્રાન્સ; અ. 19 જૂન 1844, પૅરિસ) : સંઘટનની એકાત્મતા(unity of composition)નો નિયમ પ્રતિપાદિત કરનાર ફ્રેંચ પ્રકૃતિવિદ. તેમણે એવી ધારણા રજૂ કરી કે તુલનાત્મક શરીરવિજ્ઞાન(comparative anatomy)ના મુખ્ય સિદ્ધાંત તરીકે સૌ પ્રાણીઓ માટે પાયારૂપ એવી એક સુસંગત સંરચનાકીય રૂપરેખા (consistent structural plan) હોય છે. તેમણે વિરૂપતાવિજ્ઞાન(teratology)નો — પ્રાણીઓની ક્ષતિપૂર્ણ રચનાના અભ્યાસનો — પાયો નાખ્યો.

1790માં કાયદાના સ્નાતક બન્યા પછી લુઇ ડોબેતોં(Louis Daubentin)ના વિદ્યાર્થી તરીકે પૅરિસની કૉલેજ દ કાર્ડિનલ લેમોનમાં વિજ્ઞાનના અભ્યાસની શરૂઆત કરી. 1792ના ફ્રેંચ વિપ્લવ વખતે તેમણે પોતાના જાનના જોખમે પોતાના કેટલાક શિક્ષકો અને મિત્રોને મૃત્યુના મુખમાંથી ઉગાર્યા હતા. પછીના વર્ષે ડોબેતોંએ તેમની જારડીન દ પ્લાન્ટમાં પ્રાણીશાસ્ત્રના મંડળના અધીક્ષક તરીકેની નિમણૂક કરાવી. જ્યારે ઉદ્યાનને પ્રાકૃતિક ઇતિહાસના રાષ્ટ્રીય સંગ્રહાલયનું સ્વરૂપ અપાયું ત્યારે જ્યૉફ્રોયે પ્રાણીશાસ્ત્રના પ્રાધ્યાપકનું આસન શોભાવ્યું.

1794માં કૃષિવિજ્ઞાની (agronomist) ઍલેક્ઝાન્ડર હેનરી તેસેંના કહેવાથી જુવાન જ્યૉર્જ કુવિયરને જ્યૉફ્રોયે પોતાની સાથે કામ કરવાનું નિમંત્રણ આપ્યું. બંનેનું સહકાર્ય તેમના દ્વારા પાંચ ગ્રંથોના પ્રકાશનમાં પરિણમ્યું. આમાંના એકમાં ‘બાહ્યાકૃતિની ગૌણતા’ (subordination of characters) સૂચવાયેલ છે. આ પદ્ધતિ મુજબ પ્રાણીઓનું વિવિધ સમુદાયો(phyla)માં વર્ગીકરણ શક્ય બનાવે તેવાં જ લક્ષણોને તારવવાં જોઈએ. કુવિયરની પ્રાણીશાસ્ત્રીય પ્રણાલીનો આ પાયાનો સિદ્ધાંત બની રહ્યો.

ઈ. સ. 1798માં નેપોલિયને ઇજિપ્ત પર આક્રમણ કર્યું ત્યારે તેમને વૈજ્ઞાનિક અભિયાનના એક સભ્ય તરીકે લઈ જવામાં આવેલા. ત્યાં ભેગા કરવામાં આવેલા નમૂનાઓને ત્રણ વર્ષ પછી બ્રિટિશરોની ઇચ્છા વિરુદ્ધ ફ્રાન્સ લઈ જવામાં તેમને સફળતા મળી. 1807માં તેમની ‘એકૅડમી દ સાયન્સીઝ’માં સભ્ય તરીકેની નિમણૂક થયા પછી નેપોલિયને જ્યૉફ્રોયને પોર્ટુગલમાંથી તેવા જ બીજા નમૂનાઓ લાવવાનું કામ સોંપ્યું જે તેમણે ફ્રેંચ સંગ્રહસ્થાનોમાંના નમૂનાઓના વિનિમય દ્વારા સુંદર રીતે પાર પાડ્યું.

1809માં તે પૅરિસ વિશ્વવિદ્યાલયમાં પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમાયા, જ્યાં તેમણે પ્રાણીઓની શરીરરચનાનો અભ્યાસ કરી 1818-22માં બે ગ્રંથો બહાર પાડ્યા. પ્રાણીઓના ગર્ભ(embryo)ના અભ્યાસ પરથી તેમણે પૃષ્ઠવંશી (vertebrate) પ્રાણીઓ માટેના પોતાના સંરચનાની એકાત્મતાના સિદ્ધાંતના સમર્થન માટેનાં તારણો મેળવ્યાં જે તેમણે ત્રણ ભાગમાં રજૂ કર્યાં છે :

(1) વિકાસનો નિયમ (law of development) : પ્રાણીઓનું કોઈ અંગ એકાએક ઉત્પન્ન થતું નથી કે દૂર થતું નથી, એટલે કે જ્યારે પ્રાણીના કોઈક ભાગનો તેને ઉપયોગ ન હોય તો સમય જતાં તે અર્દશ્ય થાય છે. જોકે તેના અવશેષો પ્રાણીમાં હાજર રહેવાની શક્યતા રહેલી હોય છે.

(2) ક્ષતિપૂર્તિ(compensation)નો નિયમ : પ્રાણીનું એક અંગ બીજા અંગના ભોગે કઢંગો (disproportionate) વિકાસ પામી શકે છે.

(3) સાપેક્ષ સ્થાનનો નિયમ (law of relative position) : બધાં પ્રાણીઓનાં શરીરમાંનાં અંગો એકબીજાંના સાપેક્ષમાં પોતાનું સ્થાન જાળવી રાખે છે.

જ્યારે જ્યૉફ્રોયે આ નિયમો અપૃષ્ઠવંશી (invertebrate) પ્રાણીઓને લાગુ પાડ્યા (1830) ત્યારે કુવિયરે તેનો વિરોધ કર્યો. કુવિયર ઉત્ક્રાંતિના સિદ્ધાંત(theory of evolution)ને માનતો ન હતો. જ્યૉફ્રોય ઉત્ક્રાંતિમાં માનતા હતા. તેમના ઉત્ક્રાંતિ અંગેના ખ્યાલો ડાર્વિનના સિદ્ધાંતના સ્વીકાર માટે વૈજ્ઞાનિકોને મદદરૂપ નીવડ્યા હતા.

પ્રવીણસાગર સત્યપંથી