જ્ઞાતિ : હિંદુઓની સમાજરચના અંગેની એક વ્યવસ્થા. માનવ- ઇતિહાસના કોઈ પણ તબક્કાને તપાસીએ તો સમાજનું કોઈ ને કોઈ રીતે વિભાગીકરણ થયેલું જણાશે. આ વિભાગીકરણ સામાન્ય રીતે સામાજિક અને આર્થિક સંદર્ભે થયું છે. ભારતીય સંદર્ભમાં ખાસ કરીને હિંદુ સમાજ જ્ઞાતિના આધારે અસમાન રીતે વિભાજિત રહ્યો છે. જ્ઞાતિવ્યવસ્થાના મૂળમાં રહેલી સામાજિક-આર્થિક અસમાનતાને કારણે ભૂતકાળમાં નિમ્ન જ્ઞાતિઓએ ધર્માન્તર કર્યાના પ્રસંગો નોંધાયા છે. જ્ઞાતિ જેવી સામાજિક સંસ્થા વિશ્વના કોઈ પણ ભાગમાં નજરે પડતી નથી. હિંદુઓની સમાજરચનામાં તે એક અદ્વિતીય અને અજોડ વ્યવસ્થા છે. પરિણામે અનેક પરદેશી વિદ્વાનોનો તે અભ્યાસનો વિષય બની રહ્યો છે. આજે પણ એક સામાન્ય હિંદુ માટે પોતાની ઓળખાણ જ્ઞાતિના આધારે આપવી એ સ્વાભાવિક ઘટના છે.

‘જ્ઞાતિ’ શબ્દ ज्ञा ધાતુમાંથી આવેલો છે. એ રીતે ‘જ્ઞાતિ’નો અર્થ ઓળખ થાય છે. જ્ઞાતિની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે કારણ કે તેનું સ્વરૂપ જટિલ છે. અનેક અભ્યાસીઓએ જ્ઞાતિનાં લક્ષણો વર્ણવી તેને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ઈ. સ. પૂ. ચોથા સૈકામાં મૅગેસ્થિનિસ નામના ગ્રીક એલચીએ રોટી-બેટી-વ્યવહાર અને ધંધો એ બંને લક્ષણોને મહત્વનાં ગણાવ્યાં હતાં. નામાંકિત સમાજશાસ્ત્રી પ્રો. જી. એસ. ઘૂર્યેએ તારવેલાં જ્ઞાતિનાં છ લક્ષણો સમાજશાસ્ત્રમાં સ્વીકૃતિ પામ્યાં છે. આ લક્ષણોમાં : (1) સમાજનું જુદા જુદા ખંડોમાં વિભાજન, (2) ઉચ્ચાવચ ક્રમ, (3) સામાજિક (જ્ઞાતિ બહારના) સંપર્ક અને ખાનપાન પર પ્રતિબંધ, (4) ધાર્મિક તેમજ નાગરિક હકો પર પ્રતિબંધ, (5) ધંધા પર પ્રતિબંધ અને (6) લગ્ન પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. આ લક્ષણો પરંપરાગત જ્ઞાતિવ્યવસ્થાને ધ્યાનમાં રાખી તારવવામાં આવ્યાં છે; તેમ છતાં, તે સર્વગ્રાહી હોવાથી વર્તમાન જ્ઞાતિવ્યવસ્થાના પરિવર્તિત સ્વરૂપને સમજવામાં પણ ઉપયોગી છે. જાણીતા ફ્રેન્ચ સમાજશાસ્ત્રી લૂઈસ ડૂમોના મત પ્રમાણે ભારતના જ્ઞાતિપ્રધાન સમાજમાં વ્યક્તિ ઊંચનીચના ક્રમનો ખ્યાલ ધરાવતો એક વિશિષ્ટ પ્રકારનો માનવી છે. તેનાં બધાં જ સામાજિક વર્તનોમાં આ મનોવલણ વ્યક્ત થાય છે.

જ્ઞાતિની ઉત્પત્તિ : જ્ઞાતિના ઉદભવનો કોઈ ચોક્કસ સમય આપવો મુશ્કેલ છે, કારણ કે વર્તમાન જ્ઞાતિપ્રથા ધીરે ધીરે અસ્તિત્વમાં આવી છે. હિંદુઓનાં શાસ્ત્રો અને પુરાણો અનુસાર ભિન્ન ભિન્ન કારણોને લઈને ચાર વર્ણમાંથી જુદી જુદી જ્ઞાતિઓ ઊતરી આવી છે. ત્રણ વર્ણનો ઉલ્લેખ ઋગ્વેદમાં અને ચાર વર્ણનો ઉલ્લેખ ઋગ્વેદના દશમ મંડળના ‘પુરુષસૂક્ત’માં આવે છે. આ ચાર વર્ણોમાંથી અનુલોમ કે પ્રતિલોમ લગ્ન, વંશપરંપરાના ધંધા, ભિન્ન સંસ્કૃતિ વગેરે કારણોને લઈને જ્ઞાતિસંસ્થા અસ્તિત્વમાં આવી હશે. વર્ણવ્યવસ્થાને વિગતે તપાસતાં, એક મત પ્રમાણે, આ વ્યવસ્થા આર્યો ભારતમાં આવ્યા તે પહેલાં જ દ્રવિડ સમાજમાં હતી અને પોતાના સમાજના સફળ સંચાલન માટે આર્યોએ આ પ્રથા અપનાવી હતી, જ્યારે કેટલાકનું એમ માનવું છે કે આર્યો બહારથી ભારતમાં આવ્યા ત્યારે આ પ્રથા લેતા આવ્યા હતા. અગાઉ દર્શાવ્યા પ્રમાણે ઋગ્વેદના પુરુષસૂક્તમાં ચાર વર્ણનો સૌપ્રથમ ઉલ્લેખ જોવા મળે છે. સમાજના ચાર વર્ણો : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રનું તેમાં વર્ણન છે. બ્રહ્માના મુખમાંથી બ્રાહ્મણો, બાહુમાંથી ક્ષત્રિયો, જાંઘમાંથી વૈશ્યો અને પગમાંથી શૂદ્રો ઉત્પન્ન થયા એવી રજૂઆત છે. શતપથ બ્રાહ્મણને ટાંકીને પ્રો. ઘૂર્યે જણાવે છે કે ‘આર્ય’ અને ‘દસ્યુ’ લોકોમાં ભેદ કરવા અનુક્રમે ‘ઊજળા’ અને ‘કાળા’નું સૂચન કરવા પણ ‘વર્ણ’ શબ્દનો પ્રયોગ થયો હતો. વેદોમાં દર્શાવેલી વર્ણવ્યવસ્થામાં ચાર સ્તરો હતા અને અસ્પૃશ્યોનું તેમાં સ્થાન ન હતું. જોકે વૈદિક સાહિત્યમાં તેઓ માટે અયોગવા, ચાંડાલ, નિષાદ જેવા શબ્દપ્રયોગો થયા છે. વર્ણ અને વ્યવસાય વચ્ચેનો સંબંધ તપાસતાં જણાય છે કે અધ્યયન અને ધાર્મિક ક્રિયાઓ કરવાનું કામ બ્રાહ્મણો પાસે હતું, સમાજનું રક્ષણ કરવાની જવાબદારી ક્ષત્રિયોએ ઉપાડી, વેપારઉદ્યોગ દ્વારા સમાજની અર્થવ્યવસ્થા વૈશ્યોએ સંભાળી. પાછળથી આર્યોએ અનાર્યોને પણ પોતાના સમાજમાં સમાવી લીધા અને તેમાંથી ચોથો વર્ણ સમાજની સેવા કરનારાઓનો થયો. તેઓ શૂદ્રો તરીકે ઓળખાયા. વર્ણવ્યવસ્થાની આ કોટિક્રમિક રચનામાં બ્રાહ્મણો શ્રેષ્ઠ મનાયા. સ્મૃતિકારોએ વર્ણવ્યવસ્થાને નિશ્ચિત અને ઢ સ્વરૂપ આપ્યું. સ્મૃતિકાર મનુએ મનુસ્મૃતિમાં ચારેય વર્ણનો નિર્દેશ અને તેમના ધર્મ વર્ણવ્યા છે. ગીતામાં શ્રીકૃષ્ણ કહે છે કે चातुर्वर्ण्यं मया सृष्टं गुणकर्मविभागशः । મહાભારતના સમય સુધીમાં સમાજમાં ચાર વર્ણો અને અવર્ણ ગણાતા અસ્પૃશ્યો સ્થાપિત થયા હતા. સમય જતાં વર્ણોમાંથી અનેક જ્ઞાતિઓ રચાઈ જે સમગ્ર ભારતમાં જોવા મળે છે. ઘૂર્યેના મત પ્રમાણે પ્રત્યેક ભાષાકીય વિસ્તારમાં આશરે 200 જ્ઞાતિઓ છે, જે આગળ જતાં આશરે 3000 પેટા જ્ઞાતિઓ રૂપે નાના અંતર્વિવાહી એકમોમાં વહેંચાઈ જાય છે.

જ્ઞાતિનું સ્વરૂપ : વર્ણવ્યવસ્થામાંથી જ્ઞાતિઓ કેવી રીતે અસ્તિત્વમાં આવી હશે અને તેનાં વિવિધ નામો કઈ રીતે પડ્યાં હશે તે અંગે સમજવાથી આપણે જ્ઞાતિનું સ્વરૂપ જાણી શકીશું. કેટલીક આદિવાસી જાતિઓએ હિંદુ સંસ્કૃતિ અપનાવ્યા પછી તેમનું જ્ઞાતિમાં રૂપાંતર થયું છે. આસામના ડોમ લોકોનું ઉદાહરણ જાણીતું છે. આહીર, કૈવત, કોળી વગેરે જ્ઞાતિઓનો આ પ્રકારમાં સમાવેશ થાય છે. કેટલીક જ્ઞાતિઓનાં નામ મુખ્ય ધંધા-વ્યવસાય પરથી આવેલાં છે; દા. ત., સુથાર, સોની, હજામ, કુંભાર, ભરવાડ વગેરે. ધંધો કે વેપાર કરતી જ્ઞાતિ વાની અથવા તો વાણિયા તરીકે જાણીતી છે. ‘વાની’ શબ્દ સંસ્કૃત શબ્દમાંથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ વેપારી થાય છે. કામના સાધન અથવા પ્રકાર ઉપરથી કેટલીક જ્ઞાતિઓ અસ્તિત્વમાં આવી છે. વણકર, કંસારા, તાંતી, તંબોળી, તેલી વગેરેનો અહીં સમાવેશ થાય છે.

કેટલીક જ્ઞાતિઓ ધર્મના જુદા જુદા પંથ કે સંપ્રદાયને આધારે રચાયેલી છે. અમુક પ્રકારની ધાર્મિક ક્રિયાઓ કરાવતી વ્યક્તિઓને આધારે પણ જ્ઞાતિઓ બની છે. રામમંદિરમાં પૂજા કરાવનાર રામાનંદી સાધુઓ, વિષ્ણુમંદિરમાં પૂજા કરાવનારા ગોસ્વામીઓ, મહાદેવની પૂજા કરનારા તપોધનો ઉપરાંત જોગી, જતિ, ગોસાંઈ, બાવાઓ વગેરે આ પ્રકારનાં ઉદાહરણો છે. આ દરેક સંપ્રદાયને પોતપોતાની અલગ જ્ઞાતિ છે અને તે પોતાના વર્તુળમાં લગ્નસંબંધ બાંધે છે. ગુજરાતના મોટા ભાગના ગરાસિયાઓ હિંદુધર્મી છે પરંતુ મોલેસલામ ગરાસિયાઓ કે જે મુસ્લિમ થઈ ગયા છે તેમની જુદી જ્ઞાતિ બની ગઈ છે. જોકે હિંદુ ગરાસિયાઓ તથા મોલેસલામ ગરાસિયાઓ એકબીજા સાથે રોટી-બેટી-વ્યવહાર રાખતા નથી. મહારાષ્ટ્ર અને દક્ષિણનાં અન્ય રાજ્યોમાં જોવા મળતી લિંગાયત જ્ઞાતિ પણ સંપ્રદાય પર રચાયેલી છે. એક જ્ઞાતિ પરંપરાના જ્ઞાતિરિવાજ વિરુદ્ધ બીજી જ્ઞાતિ સાથે લગ્ન કરે તો વર્ણસંકર જ્ઞાતિ ઉત્પન્ન થાય છે. અનુલોમ, પ્રતિલોમ લગ્નથી બનેલી જ્ઞાતિઓનો અહીં સંદર્ભ છે. જાત્યુત્કર્ષ અને જાત્યપકર્ષ ઉપરથી જુદી જુદી જાતિઓ અસ્તિત્વમાં આવ્યાનું યાજ્ઞવલ્કયે જણાવ્યું છે. આપ અનુલોમ-પ્રતિલોમ લગ્નો જ જાતિનું મૂળ કારણ છે જ્ઞાતિ શબ્દ જાતિ ઉપરથી નિમિત્ત થયો. હોવાનું કહી શકાય. આ થઈ જાતિવાળ, વ્યવસાય પણ કારણો બન્યાં. રજપૂત પુરુષો અને ભીલ સ્ત્રીઓના સંબંધથી ઉત્પન્ન થયેલી પ્રજા ભીલાળા જ્ઞાતિ તરીકે જાણીતી છે. વાંસનો ધંધો કરનાર લોકોમાં ધુબેલા નામની જ્ઞાતિ ધોબી સાથેના સંબંધથી ઉત્પન્ન થયેલી છે. ભૂતકાળમાં એક સ્થળેથી બીજે સ્થળે જતાં એક જ્ઞાતિના લોકો પોતાની અલગ જ્ઞાતિ રચતા અને પોતાના મૂળ પ્રદેશનું નામ પોતાની જ્ઞાતિ સાથે જોડતા. આ રીતે અનેક પેટા જ્ઞાતિઓની રચના થયેલી જોવા મળે છે. વડનગરા અને સાઠોદરા નાગર, કોંકણસ્થ, સારસ્વત વગેરે પેટા જ્ઞાતિઓનાં નામ તેમના મૂળ પ્રદેશ ઉપરથી બન્યાં છે. કેટલીક જ્ઞાતિઓ રીતરિવાજો અને ખાનપાનની ભિન્નતાને લીધે અસ્તિત્વમાં આવી છે. ગુજરાતમાં પાટીદારોમાં કડવા, લેઉવા અને કણબી જેવા વિભાગો છે તે રીતરિવાજોની ભિન્નતાને લીધે બનેલા છે. કણબીમાં વિધવા-પુનર્લગ્નની છૂટ છે જ્યારે લેઉવા પાટીદારોમાં વિધવા-પુનર્લગ્ન ભાગ્યે જ જોવા મળે છે.

પ્રો. ઘૂર્યે ધંધાની વિશિષ્ટતા, ધંધો કરવાની જુદી રીતને આધારે પેટા જ્ઞાતિઓ રચાઈ છે એમ જણાવે છે. તેઓ મહારાષ્ટ્રની કુંભાર જ્ઞાતિનું ઉદાહરણ આપે છે. આ કુંભાર જ્ઞાતિમાં હાથઘડે, થોરચકે અને લ્હાણચકે એવી ત્રણ પેટા જ્ઞાતિઓ છે. હાથઘડે હાથથી ઘડે છે. થોરચકે વાસણો બનાવવા મોટા ચાકનો ઉપયોગ કરે છે, જ્યારે લ્હાણચકે નાના ચાક પર વાસણો બનાવે છે. આ પેટા જ્ઞાતિઓ એકબીજી સાથે લગ્નસંબંધ બાંધતી નથી. આ ઉપરાંત કેટલાક કુંભારો ગોરા એટલે ધોળા રંગનાં માટીનાં વાસણો બનાવે છે એટલે તેઓ ગોરિયા કહેવાય છે. કેટલીક જ્ઞાતિઓ સમાન વસ્તુનો ધંધો કરે છે; પરંતુ તેમાંથી અલગ પ્રકારની વસ્તુઓ બનાવતી હોય તો જુદી પેટા જ્ઞાતિ બને છે. ઉદાહરણ રૂપે મોચી, ડબગર, ચામડિયા ત્રણેય જ્ઞાતિઓ ચામડાનો જ ધંધો કરે છે; પરંતુ ચામડામાંથી જુદી જુદી વસ્તુઓ બનાવવાને લીધે તેમની જ્ઞાતિઓ અલગ થઈ ગઈ છે. મોચી નવા જોડા, કોસ વગેરે સીવે છે, ડબગર લોકો ચામડામાંથી નગારાં, ઢોલ વગેરે વાદ્યો બનાવે છે, જ્યારે ચામડિયા લોકો મરેલાં ઢોરનાં ચામડાં ઉતારે છે અને ચામડાંને કેળવીને વેચે છે.

પ્રો. ઘૂર્યેએ દર્શાવેલાં જ્ઞાતિનાં છ લક્ષણોનો અગાઉ ઉલ્લેખ કર્યો છે. આ લક્ષણોને ટૂંકમાં વર્ણવીએ તો જ્ઞાતિપ્રથાનું સ્વરૂપ વધુ સ્પષ્ટ થશે. જ્ઞાતિસમાજનું અનેક અસમાન ખંડોમાં વિભાજન થયેલું છે. હિંદુ સમાજ આ રીતે અસમાન દરજ્જાના સમૂહોમાં વહેંચાયેલો છે. આ જ્ઞાતિદરજ્જાઓ જન્મદત્ત છે. મનુષ્ય-પ્રયત્નથી સભ્યપદ બદલી શકાતું નથી. ભૂતકાળમાં જ્ઞાતિપંચો જ્ઞાતિના નિયમોનું ઉલ્લંઘન કરનારને દંડ કરતાં અને જ્ઞાતિ બહાર મૂકવાની સજા કરવાની સત્તા ધરાવતાં હતાં. પાંચ સદી પહેલાં કવિ નરસિંહ મહેતા હરિજનવાસમાં ભજન-કીર્તન કરવા ગયા ત્યારે જૂનાગઢની નાગરી નાતનો રોષ ભભૂકી ઊઠ્યો હતો. ખાનપાન અને સામાજિક વ્યવહારના અનેક નિયમો જ્ઞાતિપ્રથાનું મહત્વનું લક્ષણ રહ્યું છે. જોકે સમય જતાં તે હળવા બન્યા છે. ઉત્તર ભારત કરતાં દક્ષિણ ભારતમાં બ્રાહ્મણની પવિત્રતાને મળેલા વધારે પડતા પ્રાધાન્યને કારણે ત્યાં ખાનપાનનાં નિયમનો વધુ જડ રહ્યા હતા. કાચા અને પાકા ભોજનનો વિનિમય આવા સંબંધોનું હાર્દ રહ્યું છે. પાણીમાં તૈયાર થયેલું ભોજન કાચું અને દૂધમાં તૈયાર થયેલું ભોજન પાકું ગણાયું. પાકું ભોજન અસ્પૃશ્ય સિવાય કોઈ પણ જ્ઞાતિએ બનાવ્યું હોય તોપણ બ્રાહ્મણથી લઈ શકાય છે. સામાજિક સંબંધમાં એકબીજાના સ્પર્શનો હરિજનો સિવાય બીજી જ્ઞાતિઓ માટે પ્રતિબંધ નથી. જ્ઞાતિવ્યવસ્થાની અસર હેઠળ હરિજનોમાં વણકર, ચમાર, ભંગી વગેરેમાં સામાજિક અંતર ઊભું થયેલું જોવા મળે છે.

ભારત ખેતીપ્રધાન અને ગ્રામવ્યવસ્થાનો દેશ હોવાથી જ્ઞાતિપ્રથાનું એક વિશિષ્ટ સ્વરૂપ વિકસેલું છે. જ્ઞાતિના નાગરિક તરીકેના અધિકારો, ગામની રચના તેમજ વસવાટ પરથી સ્પષ્ટ થાય છે. સામાન્ય રીતે ઉપલી જ્ઞાતિના લોકો ગામની મધ્યમાં અને એકબીજાના વિસ્તારમાં રહી શકે છે પણ વસવાયા એટલે કે કારીગર વર્ગ જેવા કુંભાર, હજામ વગેરે ગામના છેડા પર રહે છે અને છેલ્લે ગામથી સહેજ દૂર હરિજનોનો વાસ હોય છે. ફળિયાં, વાડો, વગો વગેરે વસવાટ વિસ્તાર ઉપલી જ્ઞાતિ સાથે સંકળાયેલાં છે જ્યારે ‘વાસ’ને પછાત જ્ઞાતિ સાથે સંબંધ છે. ભૂતકાળમાં ગુનાના પ્રકાર પ્રમાણે નહિ પણ ગુનેગારની જ્ઞાતિ પ્રમાણે શિક્ષા કરાતી. ધાર્મિક વિધિઓમાં વૈદિક વિધિ શાસ્ત્રોક્ત ગણાતી અને બ્રાહ્મણો તેમજ ઉચ્ચ કોમો તે વિધિ અનુસાર ક્રિયાઓ કરી શકતા, જ્યારે પૌરાણિક વિધિ ઓછી પવિત્ર હોવાથી નીચી કે હલકી જ્ઞાતિના લોકો માટે તે વિધિ હતી. બ્રાહ્મણોના અબાધિત વર્ચસની સામે ઓગણીસમી સદીના અંત ભાગમાં મહારાષ્ટ્રના મહાત્મા ફૂલે કે જેઓ માળી જ્ઞાતિના હતા તેમણે તેમજ અન્ય સુધારકોએ જેહાદ જગાવી. લગ્ન તેમજ ધાર્મિક ક્રિયાઓ કરાવવાનો અધિકાર બ્રાહ્મણો પાસે જ છે તેનો ઇન્કાર કરવા બ્રાહ્મણ સિવાયના અન્ય જ્ઞાતિના લોકો પાસે આ સુધારકો વિધિઓ કરાવતા.

વ્યવસાય વંશપરંપરા સાથે સંકળાયેલ હોવાથી કોઈ પણ વ્યક્તિ મનફાવે તે ધંધો કરી શકતી નહિ. શિક્ષણનું, પુરોહિતનું વગેરે કામ બ્રાહ્મણો જ કરતા અને પરિણામે અક્ષરજ્ઞાનનો માત્ર બ્રાહ્મણોનો જ ઇજારો રહ્યો. જોકે સમય જતાં બ્રાહ્મણોએ અન્ય વ્યવસાયોમાં પણ પ્રવેશ કર્યો. બ્રિટિશરોના આગમન પછી જમીનમાલિકી અંગેના વિશેષાધિકારોને કારણે બ્રાહ્મણો, રજપૂતો વગેરે પાસે જમીનમાલિકીનું કેન્દ્રીકરણ થયું અને જ્ઞાતિ અને જમીનમાલિકી વચ્ચે સીધો સંબંધ સ્થાપિત થયો. ખાસ કરીને અસ્પૃશ્યો જમીનવિહોણા રહ્યા. બીજી તરફ રસ્તા વાળવાનું, મેલું ઉપાડવાનું, સફાઈનું વગેરે કામ હરિજનોનાં જ ગણાતાં. ચામડાં કેળવવાનું કામ ચમારનું ગણાતું.

સમય જતાં મુખ્ય જ્ઞાતિઓ અનેક પેટા જ્ઞાતિઓમાં વહેંચાઈ ગઈ. એક જ્ઞાતિ બીજી જ્ઞાતિ સાથે અને દરેક જ્ઞાતિની પેટા શાખાઓ એક-બીજી સાથે લગ્નસંબંધ બાંધી શકતી નથી; પરંતુ અંદર અંદર લગ્ન કરી શકે છે. જ્ઞાતિનું આ લક્ષણ આજે પણ પ્રભાવી રહ્યું છે. પોતાની જ્ઞાતિમાં નક્કી કરેલા વર્તુળ કે ગોળમાં જ લગ્નવ્યવહાર થવો જોઈએ. આ પ્રકારના લગ્નને આંતર-લગ્ન (endogamy) કહે છે. જ્ઞાતિ જ્ઞાતિ વચ્ચેનું અંતર ઓછું કરવા ગાંધીજીએ આંતરજ્ઞાતીય લગ્નોની હિમાયત કરી હતી. શહેરોમાં અને ઉચ્ચ શિક્ષણ પામેલા કેટલાક સમૂહોમાં આંતરજ્ઞાતીય લગ્નો થાય છે; તેમ છતાં, હજુ તે અપવાદ રૂપે જ છે. દેશના અમુક વિસ્તારોમાં કેટલીક જ્ઞાતિઓમાં લગ્નમાં દહેજની કુપ્રથા અસ્તિત્વમાં આવી છે અને તેને કારણે નવવધૂ પર માનસિક-શારીરિક ત્રાસ ગુજારવાના અસંખ્ય બનાવો બનતા રહે છે. 1961માં દહેજ પ્રતિબંધક કાનૂન અમલમાં આવ્યો તેમ છતાં તે હજુ જોઈએ તેટલો અસરકારક રહ્યો નથી.

વર્ણવ્યવસ્થામાં સ્થાન ન પામેલી જ્ઞાતિઓ સાથે આભડછેટનું વર્તન-વ્યવહાર રાખવાની સદીઓ જૂની પરંપરા હિંદુ જ્ઞાતિવ્યવસ્થાનું કલંક ગણાયું છે. એકવીસમી સદીમાં પણ હજી કોઈ ને કોઈ સ્વરૂપે અનુસૂચિત જાતિઓ સાથે અસ્પૃશ્યતાનું પાલન અને વલણ ટકી રહ્યાં છે. ઐતિહાસિક રીતે તપાસીએ તો પેશ્વાના અમલ દરમિયાન મહાર લોકો જે અસ્પૃશ્ય ગણાતા તે પુણે શહેરના દરવાજાની અંદર સવારના નવ પહેલાં અને સાંજના ત્રણ પછી આવી શકતા નહિ, કારણ કે આ સમયે પડછાયા ખૂબ લાંબા પડતા હોવાથી તેમના પડછાયાની અંદર કોઈ ઉચ્ચ વર્ણનો માણસ રસ્તા પર ચાલતી વખતે આવી જવાનો સંભવ હોવાથી આભડછેટના કારણે આવો પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. દક્ષિણ ભારતમાં બ્રાહ્મણો અને અબ્રાહ્મણો વચ્ચેના જ્ઞાતિસંઘર્ષ અને બ્રાહ્મણવિરોધી આંદોલનો ત્યાં જોવા મળતી અસ્પૃશ્યોની સ્થિતિને વ્યક્ત કરે છે. ત્યાંની પરિયા અસ્પૃશ્ય જ્ઞાતિ બ્રાહ્મણોના વિસ્તારમાં પ્રવેશી શકતી નહિ. મલબારના નાયમર અને તમિળનાડુના વેલાલાને બ્રાહ્મણો શૂદ્રો જ ગણતા અને ચતુર્વર્ણ સમાજમાં તેમનો સમાવેશ કરવામાં આવતો નહિ. ભારતના જાણીતા સમાજશાસ્ત્રી પ્રો. આઈ. પી. દેસાઈએ 1970માં ગુજરાતનાં 69 ગામોમાં અસ્પૃશ્યતાના આચરણ અંગેનો અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસમાં જણાયું હતું કે જાહેર સ્થાનોમાં અસ્પૃશ્યતા અર્દશ્ય થતી જાય છે; પરંતુ ઘરપ્રવેશ, મંદિરપ્રવેશ, પીવાના પાણીની વ્યવસ્થા અને ગ્રામપંચાયત વગેરે ક્ષેત્રોમાં અસ્પૃશ્યતાનું પાલન વત્તાઓછા પ્રમાણમાં થતું રહે છે. આઝાદી પહેલાં મહારાષ્ટ્ર અને ગુજરાત સહિત અનેક રાજ્યોમાં દલિતો દ્વારા મંદિરપ્રવેશ અને પીવાના પાણી માટેનાં સ્થળોમાં પ્રવેશ અંગેનાં નોંધપાત્ર આંદોલનો થયાં. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ મહારાષ્ટ્રનાં આંદોલનો દલિત જ્ઞાતિઓ માટે આજે પણ પ્રેરણાસ્રોત બની રહ્યાં છે. જોકે આજે પણ ગુજરાતના ગ્રામવિસ્તારોમાં દલિતો મંદિરના ગર્ભભાગ સુધી પ્રવેશ કરી શકતા નથી. કેટલાંક ગામો તો એવાં છે જ્યાં મંદિરની બહાર ઊભા રહીને તેમને દર્શન કરી સંતોષ માનવો પડે છે. દલિતો માટે પીવાના પાણીની અલગ વ્યવસ્થા આજે પણ આ અમાનુષી પ્રથાનું અસ્તિત્વ દર્શાવે છે. ભારતીય બંધારણના આર્ટિકલ 17 અન્વયે અને 1955ના અસ્પૃશ્યતા પ્રતિબંધક કાનૂનના કારણે અસ્પૃશ્યતાના પાલન દ્વારા હરિજનો પર થતા અત્યાચાર પર સદીઓ પછી પ્રતિબંધ મુકાયો છે. તેમ છતાં સ્વાતંત્ર્યપ્રાપ્તિના છ દાયકા બાદ પણ અનેક રીતે દલિત પુરુષો, સ્ત્રીઓ અને બાળકો પર અત્યાચારો થતા રહ્યા છે. ભારત સરકારના અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના કમિશનરના વર્ષોવર્ષના અહેવાલોમાં આ બાબત સ્પષ્ટ થઈ છે. આ પરિસ્થિતિની ગહનતા અને ગંભીરતાને અનુલક્ષીને અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓ અત્યાચારનિવારણ ધારો, 1989 નામે નવો કાયદો અસ્તિત્વમાં આવ્યો છે.

જ્ઞાતિ : અનામત અને ગતિશીલતા : હજારો વર્ષ જૂની હિંદુઓની જ્ઞાતિપ્રથા ભલે સ્થિર દેખાય પરંતુ તેમાં છેક પુરાણકાળથી પરિવર્તન થતું આવ્યું છે. જોકે આ પ્રથામાં ક્રાંતિકારક ફેરફારો થયા નથી, છતાં આ બંધ વ્યવસ્થામાં ગતિશીલતા જોવા મળે છે. બૌદ્ધ અને જૈન ધર્મોની સ્થાપના દરમિયાન જ્ઞાતિ તરફના વલણમાં થોડો ફેરફાર થયો હતો, કારણ કે આ ધર્મ પ્રમાણે શૂદ્ર તેમજ બ્રાહ્મણ મોક્ષ મેળવવા માટે અધિકારી હતા. જૈન તેમજ બૌદ્ધ ધર્મ શક્તિશાળી ક્ષત્રિયોએ શરૂ કર્યો હતો. માનવ સમાનતામાં માનનારા આ ધર્મોએ નવી વિચારધારા અને આચાર રજૂ કર્યાં. બારમી સદીથી વીસમી સદી સુધીમાં ભારતમાં અનેક સંતો જેવા કે જ્ઞાનદેવ, કબીર, નરસિંહ મહેતા, ચૈતન્ય, નાનક, એકનાથ, તુકારામ, દયાનંદ સરસ્વતી, જ્યોતિબા ફૂલે થઈ ગયા. તેમણે ઈશ્વરભક્તિનો નવો માર્ગ શૂદ્રો માટે ઉઘાડ્યો અને એ રીતે સમાજના તરછોડાયેલા વર્ગોમાં પ્રાણ પૂર્યા. બ્રિટિશ સમય દરમિયાન કાનૂન, નવી વિચારધારા, સાર્વત્રિક શિક્ષણ તથા ઉદ્યોગીકરણ અને શહેરીકરણની ધીમી પણ મહત્ત્વની પ્રક્રિયાઓએ જ્ઞાતિનાં પરંપરાગત લક્ષણો પર કુઠારાઘાત કર્યા. રાજા રામમોહનરાય જેવા અનેક સમાજસુધારકોએ રાષ્ટ્ર-કક્ષાએ અને કરસનદાસ મૂળજી અને નર્મદ જેવા ગુજરાતના સુધારકોએ જ્ઞાતિપ્રથા સહિત સમાજના પરંપરાગત કુરિવાજો સામે બંડ પોકાર્યું. બ્રિટિશ શાસનકાળે જ્ઞાતિનું સ્વરૂપ બદલવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરી. સ્વાતંત્ર્યની ચળવળ દરમિયાન ગાંધીજીએ રાજકીય સ્વાતંત્ર્ય ઉપરાંત સામાજિક અસમાનતા માટે પણ અનેક રચનાત્મક પ્રવૃત્તિઓ આદરી. નરસિંહ મહેતાએ આપેલ ‘હરિજન’ નામ ગાંધીજીએ અસ્પૃશ્યો માટે પ્રચલિત બનાવ્યું. જોકે ગાંધીજીને વર્ણાશ્રમવ્યવસ્થા માન્ય હતી. બીજી તરફ તેઓ વારંવાર કહેતા કે અસ્પૃશ્યતા માટે શાસ્ત્રમાં કોઈ પ્રમાણ નથી. તેમણે જણાવ્યું : ‘ફરી જન્મ લેવાની મારી ઇચ્છા નથી, પણ જો મારે જન્મ લેવો જ પડે તો અસ્પૃશ્ય તરીકે લેવો જોઈએ જેથી હું એમનાં દુ:ખો, મુશ્કેલીઓ અને એમને સહન કરવાં પડતાં અપમાનમાં એમનો સહભાગી બની શકું, અને મારી જાતને તથા એમને એ દયનીય દશામાંથી મુક્ત કરી શકું. એથી હું પ્રાર્થના કરું છું કે મારે ફરી જન્મ લેવો પડે તો હું બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે શૂદ્ર તરીકે નહિ પણ અતિશૂદ્ર તરીકે લઉં.’ ગાંધીજીના પ્રયત્નોથી કૉંગ્રેસે પણ અસ્પૃશ્યતાનિવારણનો કાર્યક્રમ અપનાવ્યો.

એક તરફ ગાંધીજીએ અસ્પૃશ્યતા નાબૂદ કરવાના પ્રયત્નોમાં જનમાનસને જાગ્રત કર્યું; તો બીજી તરફ અસ્પૃશ્ય જ્ઞાતિમાં જન્મેલા ડૉ. ભીમરાવ આંબેડકરે શિક્ષણ અને સંઘર્ષ એ બે સૂત્રો આપીને ભારતના ઇતિહાસમાં સૌપ્રથમ દલિતો-શોષિતોને જગાડ્યા. આંબેડકરનું માનવું હતું કે ગાંધી વિચારધારાથી વર્ણવ્યવસ્થાનું માળખું બદલાશે નહિ અને દલિતો પરના અત્યાચારો ઘટશે નહિ. ગાંધીજીથી અલગ સંઘર્ષનો માર્ગ આંબેડકરે અપનાવ્યો. રાજકીય ક્ષેત્રે અનામતની નીતિ અપનાવી દલિતો માટે અલગ મતદારક્ષેત્રોની માગણી કરી. તેમણે રાજકીય ક્ષેત્રે દલિતોના પ્રતિનિધિત્વની શરૂઆત કરાવી. આ માગણીના વિરોધમાં ગાંધીજીએ ઉપવાસ કર્યા અને 1932માં પુણે ખાતે આંબેડકર અને ગાંધીજી વચ્ચે સમજૂતી થઈ જે ‘પુણે કરાર’ તરીકે જાણીતી છે. આંબેડકરનો મૂળ વિરોધ હિંદુ ધર્મ અને તેની વિચારસરણી સામે હતો. પરિણામે તેમણે હજારો મહારો સાથે બૌદ્ધ ધર્મ અપનાવીને અસ્પૃશ્યોની ગતિશીલતા માટે એક નવો ચીલો પાડ્યો. જ્ઞાતિ-આધારિત અનામત પ્રથાની શરૂઆત આ સદીના પ્રારંભે દક્ષિણનાં રાજ્યો તમિળનાડુ અને કર્ણાટકમાં થઈ હતી; પરંતુ સ્વાતંત્ર્ય બાદ બંધારણ દ્વારા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો માટે અનામત વ્યવસ્થાની જોગવાઈ કરવી એવું નક્કી થયું. આ અનામત રાજકીય, શૈક્ષણિક અને નોકરીના ક્ષેત્રે અપનાવવામાં આવી. તેનો આધાર કુલ વસ્તીમાં જે તે સમૂહની ટકાવારી હતો. આ જોગવાઈઓને કારણે અનેક દલિત જ્ઞાતિઓને શિક્ષણ અને નોકરીની તકો પ્રાપ્ત થવા માંડી છે અને આજે તેનો લાભ મેળવીને આ જ્ઞાતિઓમાં એક નવો બુદ્ધિજીવી મધ્યમવર્ગ સર્જાયો છે. અહીં ઉલ્લેખ કરવો જોઈએ કે આ સદીની શરૂઆતમાં ગુજરાતમાં ગાયકવાડના વડોદરા રાજ્યમાં દલિતોનાં બાળકોને ભણાવવા માટે કાયદા ઘડાયા હતા, તેમજ શિષ્યવૃત્તિની જોગવાઈ પણ કરવામાં આવી હતી.

ગુજરાતમાં 1977માં બક્ષી કમિશને 82 જ્ઞાતિઓને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહોનો દરજ્જો આપ્યો અને તેઓ માટે 10 ટકા ઍડહૉક અનામતની જોગવાઈની ભલામણ કરી. 1931ની વસ્તીગણતરી પછી જ્ઞાતિ પ્રમાણે વસ્તીગણતરી કરવાની પ્રથા બંધ થવાથી અન્ય પછાત જ્ઞાતિનું પ્રમાણ કેટલું હશે એ જાણવું મુશ્કેલ બન્યું છે. તેમ છતાં એવો અંદાજ છે કે આ સમૂહનું પ્રમાણ ગુજરાતની અને ભારતની કુલ વસ્તીમાં અનુક્રમે
40 % અને 55 % જેટલું છે. રાષ્ટ્રીય કક્ષાએ અન્ય પછાત વર્ગો માટે માંડલ કમિશન રચાયું અને 1990 બાદ કેન્દ્ર-સરકારની નોકરીઓમાં તેઓ માટે 27 ટકા અનામતની જોગવાઈ કરવામાં આવી. આ જોગવાઈ શિક્ષણના ક્ષેત્રે પણ લાગુ કરવામાં આવી છે. માંડલ કમિશનની ભલામણો અને તેના અમલ સામે પણ સમગ્ર દેશમાં આંદોલનો થયાં અને સુપ્રીમ કોર્ટ સુધી કાનૂની કેસો નોંધાયા.

આજે એકવીસમી સદીના આરંભે ભારતમાં જ્ઞાતિ એક મહત્વની સામાજિક સંસ્થા તરીકે ઊપસી છે. જ્ઞાતિ-આધારિત અસમાનતાઓમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. તેમ છતાં, રાજકારણથી માંડીને આર્થિક ક્ષેત્ર સુધી તેની અસરકારકતાનો પરિચય થાય છે. પછાત જ્ઞાતિઓમાં અભૂતપૂર્વ જાગૃતિ આવી છે અને સરકારના તેમજ લોકપ્રયત્નોએ જ્ઞાતિને બદલવામાં નોંધપાત્ર ફાળો આપ્યો છે.

ગૌરાંગ જાની