જૌહર : દુશ્મનો સામે હાર નિશ્ચિત જણાય ત્યારે આક્રમણખોરોથી સ્વધર્મ અને શીલની રક્ષા માટે થતો સ્ત્રીઓનો સામૂહિક અગ્નિપ્રવેશ. ભારતના ઇતિહાસમાં સ્ત્રીઓ જૌહર કરતી તેના કેટલાક ઉલ્લેખ પ્રાપ્ત થયા છે.

સામાન્ય રીતે એમ માનવામાં આવે છે કે જૌહરની પ્રથા માત્ર રાજપૂતોમાં જ પ્રચલિત હતી; પરંતુ રાજપૂત ઇતિહાસ પૂર્વે પણ જૌહરના બનાવના ઉલ્લેખ પ્રાપ્ત થયા છે. સિકંદરે ભારતની સરહદ પર આક્રમણ કર્યું તે વખતે સિકંદરના સૈન્ય સામે આગલી હરોળના સૈન્યની હાર નિશ્ચિત થતાં ત્યાંના લોકોએ ઘરોને આગ લગાડીને સ્ત્રી-બાળકો સહિત અગ્નિમાં પ્રવેશ કર્યો હતો. 711માં મહમ્મદ કાસિમે સિંધ પર આક્રમણ કર્યું તે વખતે યુદ્ધમાં સિંધના રાજવી દાહરના મૃત્યુના સમાચાર જાણી તેની રાણી સહિત સેંકડો સ્ત્રીઓએ અગ્નિસ્નાન કર્યું હતું. પાછળથી જૌહરની આ પ્રથા રાજપૂતો પૂરતી મર્યાદિત રહી.

રાજસ્થાનના ઇતિહાસમાં જૌહરના પાંચ મુખ્ય પ્રસંગોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેમાં બે જેસલમેરમાં અને ત્રણ ચિતોડમાં બન્યા હતા. 1294માં સુલતાન જલાલુદ્દીન ખલજીના લશ્કરે જેસલમેરના કિલ્લાને ઘેરો ઘાલ્યો ત્યારે નગરની બધી સ્ત્રીઓ તથા બાળકો સહિત 24,000 જેટલા માણસો બળી મૂઆ હતા. તેવી રીતે 1303માં જ્યારે અલાઉદ્દીન ખલજીએ ચિતોડ પર આક્રમણ કર્યું અને 30,000 રાજપૂતોનો વધ કરી કિલ્લો સર કર્યો તે વખતે રાણી પદ્મિની સહિત 15,000 જેટલી રજપૂતાણીઓ સમૂહમાં બળી મરી હતી. ચિતોડના કીર્તિસ્તંભની બહારની બાજુ પથ્થરની એક જગા છે ત્યાં આજે પણ બતાવવામાં આવે છે કે આ સ્થળે સ્ત્રીઓએ સમૂહમાં જૌહર કર્યું હતું. મેવાડના ઇતિહાસમાં જૌહરનો બીજો પ્રસંગ 1,535માં બન્યો કે જ્યારે ગુજરાતના સુલતાન બહાદુરશાહે ચિતોડને ઘેરી લીધું હતું. તે વખતે 13,000 જેટલી રાજપૂત સ્ત્રીઓએ અગ્નિસ્નાન કર્યું હતું.

તે જ રીતે 1542માં શેરશાહ સામેના યુદ્ધમાં રાજા પૂરણમલ અને તેના સૈનિકોને દગાથી મારી નાખવામાં આવતાં રાજપૂત સ્ત્રીઓ જૌહર કરી બળી મરી. તે જ રીતે અકબર સામેના યુદ્ધમાં ચિતોડની હાર થતાં 1568ના ફેબ્રુઆરીની 23મી તારીખે રાજપૂત સ્ત્રીઓએ અગ્નિસ્નાન કર્યું હતું.

જ્યારે રાજપૂતોને એમ લાગે કે પોતે કિલ્લાની રક્ષા કરી શકે તેમ નથી અને શત્રુઓ વિજય પામશે ત્યારે તેઓ પોતાની સ્ત્રીઓ તથા બાળકોને ચિતામાં બળી મરવાનો આદેશ આપીને પોતે યુદ્ધ માટે મરણિયા થઈને નીકળી પડતા અને બહાદુર સ્ત્રીઓ શણગાર સજી અગ્નિના મોટા કુંડમાં કૂદી પડી બળી મરતી.

પ્રિયબાળાબહેન શાહ