જ્ઞાન : ચક્ષુ, કર્ણ, નાસિકા, જીભ અને ત્વચા ­­– એ પાંચ ઇન્દ્રિયો અને મન વડે પ્રાણીમાત્રને થતો જગતના પદાર્થોનો બોધ. સંસ્કૃત ज्ञा ધાતુ પરથી બનેલો ‘જ્ઞાન’ શબ્દ ‘જાણવું’ એવો અર્થ ધરાવે છે. પોતાની આસપાસના જગતની જાણકારીમાં ખૂબ મહત્વની બાબત ધ્વનિ એટલે કે અવાજ છે જેના દ્વારા પ્રાણીઓ ભય, ભૂખ ઇત્યાદિની સંવેદના વ્યક્ત કરે છે. માનવીની વિશેષતા તેને પ્રાપ્ત થયેલી વાણીની અમૂલ્ય બક્ષિસમાં રહેલી છે.

સંવેદના, જ્ઞાન અને ચિંતનમાં જ્ઞાનેન્દ્રિયો ઉપરાંત બુદ્ધિ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. માનવી બુદ્ધિનો ઉપયોગ ભૌતિક તેમજ આધ્યાત્મિક સ્તરે કરતો હોય છે. કુતૂહલ અને જિજ્ઞાસા વૈજ્ઞાનિક તેમજ વૈચારિક જ્ઞાનવૃદ્ધિનું નિમિત્ત બને છે. જ્ઞાનપિપાસાના ફલસ્વરૂપ વૈજ્ઞાનિક શોધોનો ઉપયોગ માનવીએ વિકાસ અને વિનાશ માટે કરેલો છે તે સુવિદિત છે.

સૃષ્ટિના ઉત્ક્રાન્તિક્રમમાં પ્રગટ થયેલ માનવીને ‘આ બધું શું છે ?’ ‘એનો સર્જક કોણ છે ?’ અને ‘હું કોણ છું ?’ એ પ્રશ્નો સતત મૂંઝવ્યા કરતા હતા. તેના જવાબ રૂપે લાંબા મંથન અને મથામણ બાદ તેને પ્રાપ્ત થયેલું જ્ઞાન તે અનુક્રમે વિજ્ઞાન, તત્વજ્ઞાન અને આત્મજ્ઞાન છે.

ન્યાયશાસ્ત્ર પ્રમાણે મનુષ્યના સર્વ વ્યવહારોના હેતુરૂપ બુદ્ધિ છે. તેના જ્ઞાન, પ્રજ્ઞા, ધી, ઉપલબ્ધિ, સંવિદ વગેરે પર્યાયો છે. ‘અમરકોશ’માં ‘ધી’ એટલે બુદ્ધિના જ્ઞાન અને વિજ્ઞાન એવા બે પ્રકારો ગણાવ્યા છે. મોક્ષ એટલે આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટેની બુદ્ધિ તે જ્ઞાન, શાસ્ત્ર તથા શિલ્પકળા વગેરેને લગતા વ્યવહારની બુદ્ધિ તે વિજ્ઞાન. દર્શનોમાં તેને અનુક્રમે પરાવિદ્યા અને અપરાવિદ્યા તરીકે ઓળખાવેલી છે. આત્માનું જ્ઞાન તે પરાવિદ્યા. આત્મા એટલે ‘હું’નું સૂક્ષ્મ શુદ્ધ સ્વરૂપ. કોઈને ‘હું’ વિશે સંદેહ કે વિકલ્પ હોતો નથી એટલે તેને વિશેનું જ્ઞાન તે નિત્યજ્ઞાન છે. ઉપનિષદો આત્મજ્ઞાન પર આ જ કારણે ભાર મૂકે છે. યાજ્ઞવલ્ક્યે કહ્યું છે : आत्मा वा अरे श्रोतव्यो मन्तव्यो निदिध्यासितव्यः । અર્થાત્ આત્મા વિશેનો ઉપદેશ સાંભળવો જોઈએ. તેને વિશે જ ચિંતવન કરવું જોઈએ તથા તેનું સતત ધ્યાન કરવું જોઈએ. શાસ્ત્રો, કલા, શિલ્પાદિ અપરાવિદ્યામાં કર્તાની વૈયક્તિક રુચિ તથા વિચારણાનું વૈચિત્ર્ય પ્રવર્તતું હોવાથી મતની યથાર્થતા સંદેહાસ્પદ હોઈ શકે, તેમાં વિકલ્પો પણ હોય. આ કારણે અપરાવિદ્યા સંદેહમુક્ત નથી, તેમાં સુધારાવધારાને અવકાશ છે એટલે તેને અનિત્ય કહી છે.

ભારતીય દર્શનોમાં આત્માના સ્વરૂપ વિશે મતાંતર છે. તેથી જ્ઞાનના સ્વરૂપમાં પણ મતભેદ છે. શરીરનો નાશ થતાં જ્ઞાનનો પણ નાશ થાય એમ માનનારા શરીરાત્મવાદી ચાર્વાકોના મતે જ્ઞાન પણ અનિત્ય છે. બૌદ્ધોના મતે બાહ્ય પદાર્થનું અસ્તિત્વ જ નથી પરંતુ બુદ્ધિ જ જે તે પદાર્થ રૂપે ભાસે છે તેથી જ્ઞાન અનિત્ય છે. જૈન-મતાનુસાર સમ્યગ્જ્ઞાન આત્માનું સ્વરૂપ છે. આત્મા સ્વપ્રકાશરૂપ હોવાથી પોતે પોતાને જાણે છે. વેદાન્તીઓએ બુદ્ધિને સાત્ત્વિક, રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની ગણાવી છે. પાતંજલ યોગદર્શનમાં બુદ્ધિવૃત્તિના પાંચ પ્રકાર દર્શાવ્યા છે તે પ્રમાણ, વિપર્યય, વિકલ્પ, નિદ્રા અને સ્મૃતિ છે.

માયાવાદીઓના મતે મનોવૃત્તિ કે વિશિષ્ટ ચૈતન્ય તે જ્ઞાન. તે પદ અને પદાર્થના સંબંધથી જન્મે છે અથવા વૃત્તિમાં ચૈતન્ય પ્રતિબિંબિત થાય ત્યારે થાય છે. પ્રત્યક્ષ જ્ઞાન પણ સવિકલ્પ અને નિર્વિકલ્પ  એમ બે પ્રકારનું ગણાવ્યું છે. વૈશેષિકોના મત પ્રમાણે વિદ્યા ચાર પ્રકારની છે અને અવિદ્યાના પણ ચાર પ્રકાર છે. પ્રત્યક્ષ, લૈંગિક, સ્મૃતિ અને આર્ષ એ વિદ્યાના પ્રકાર છે; જ્યારે સંશય, વિપર્યય, સ્વપ્ન અને અનધ્યવસાય એ અવિદ્યાના પ્રકાર છે. જ્ઞાન એ આત્મામાં રહેલો પ્રકાશ છે.

દર્શનોમાં જ્ઞાનનાં સાધનો તરીકે પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અર્થાપત્તિ અને અનુપલબ્ધિ એ છને સ્વીકાર્યાં છે. અભાવને સાતમું પ્રમાણ ગણવામાં આવ્યું. પ્રત્યક્ષ જ્ઞાન પદાર્થ અને જ્ઞાનેન્દ્રિયનો સંબંધ થતાં જ ઉત્પન્ન થાય છે. આત્મા મનનું અનુસંધાન કરે, મન ઇન્દ્રિયનું અને ઇન્દ્રિય પદાર્થનું અનુસંધાન કરે ત્યારે પ્રત્યક્ષ જ્ઞાન થાય. પૂર્વે અનુભવેલા ચિહન ઉપરથી વર્તમાનમાં તેવું જ ચિહ્ન જોતાં નિશ્ચય થાય તે અનુમાનથી નીપજતું જ્ઞાન કહેવાય. ધૂમ અને વહ્નિના સાહચર્યના જ્ઞાનને આધારે અગ્નિ ન જણાતો હોય તોપણ ધૂમના ચિહ્ન પરથી અગ્નિનું અનુમાન કરવું તે અનુમિતિ જ્ઞાન કહેવાય. પરિચિત વસ્તુના આકાર તથા પ્રકાર ઉપરથી અજાણી વસ્તુમાં સાશ્યમૂલક જ્ઞાન થાય તે ઉપમાનને લીધે થયેલું ઉપમિતિ જ્ઞાન છે. યથાર્થ વાણીમાં રજૂ થયેલું આપ્તવચન તે શાબ્દજ્ઞાન. વેદ ઇત્યાદિ શાસ્ત્રો યથાર્થ વાત કહેનારાં હોવાથી શાબ્દજ્ઞાન આપનારાં છે. કેટલાંક દર્શનોનો મત શાબ્દજ્ઞાનને જ અસંદિગ્ધ જ્ઞાન માનનારો છે. અર્થાપત્તિમાં પ્રત્યક્ષ પ્રમાણનો અભાવ પરંતુ પરિણામ સ્પષ્ટ રીતે પ્રતીત થતું હોય ત્યારે અનુમાનથી સંબંધ સ્પષ્ટ કરી શકાય. દિવસે ન ખાતો દેવદત્ત જાડો હોય તો રાત્રિભોજનનું અનુમાન થઈ શકે. અનુપલબ્ધિ એટલે વસ્તુના અભાવનું જ્ઞાન. અહીં માટીનો ઘડો નથી એનો અર્થ એ કે આ સ્થળે માટીના ઘડાનો અભાવ છે.

આ પ્રમાણે દર્શનોમાં સામાન્ય અર્થાત્ વ્યવહારના બોધને અપરાવિદ્યા કહી છે. પરાવિદ્યાનું લક્ષ્ય આત્માનું જ્ઞાન છે. પરાવિદ્યા તે જ બ્રહ્મવિદ્યા અને તે જ સાચું જ્ઞાન છે. જીવન પરાવિદ્યાના જ્ઞાનપ્રકાશથી દીપ્તિમંત છે. અપરાવિદ્યા પણ જીવન માટે એટલી જ મહત્ત્વની છે. વ્યવહારમાં પરમાર્થનો વિનિયોગ કરનાર અપરાને સહારે પરાની ઉપલબ્ધિ કરીને શાશ્વત જ્ઞાનના આનંદમાર્ગે વિચરે છે. મહાન દ્રષ્ટાઓ કહે છે : ‘तमेव विद्त्वा अतिमृत्युमेति’ તેને જાણવાથી જ મનુષ્ય મૃત્યુને તરી જાય છે ! એટલે જ ગીતાકારનું વચન છે : ‘नहि ज्ञानेन सदृशं पवित्रमिह विद्यते ।’ અર્થાત્, આ જગતમાં જ્ઞાન જેવું બીજું કંઈ પણ પવિત્ર નથી.

નટવરલાલ યાજ્ઞિક