જોગ, વિષ્ણુ ગોવિંદ

January, 2014

જોગ, વિષ્ણુ ગોવિંદ (જ. 1922, સાતારા મહારાષ્ટ્ર; અ. 31 ડિસેમ્બર 2004, કૉલકાતા) : ભારતના વિખ્યાત વાયોલિન(બેલા)-વાદક. સંગીતની દુનિયામાં તેઓ વી. જી. જોગના નામે ઓળખાય છે.

વિષ્ણુ ગોવિંદ જોગ

માત્ર 5 વર્ષની કુમળી વયમાં જ તેમણે પિતાની છત્રછાયા ગુમાવેલી, તેથી શાળાકીય અભ્યાસ કરી શક્યા નહોતા. 1927થી પંડિતજીએ સંગીતની તાલીમ મોટા ભાઈ પાસે શરૂ કરી. ત્યારબાદ પ્રસિદ્ધ ગાયક ગણપતબુવા પુરોહિત પાસે તેમણે અભ્યાસ શરૂ કર્યો. વાયોલિનવાદન પ્રત્યે તીવ્ર રુચિ હોવાને કારણે ગાયનની સાથે તેમણે કર્ણાટક પદ્ધતિના વિજ્ઞાનેશ્વર શાસ્ત્રી પાસે બેલાની તાલીમ લીધી. તીવ્ર બુદ્ધિશાળી, સંવેદનશીલ અને કઠોર પરિશ્રમી વી. જી. જોગ ખૂબ જ ઓછા સમયમાં ભારતના શ્રેષ્ઠ બેલાવાદક તરીકે ગણાવા લાગ્યા. બેલાના સ્વતંત્ર કાર્યક્રમ ઉપરાંત તેમણે ફૈયાઝખાન, ઓમકારનાથ ઠાકુર, વિનાયકરાવ પટવર્ધન વગેરે એ સમયના શ્રેષ્ઠ ગાયકો સાથે પણ બેલાની સંગત કરી હતી. પંડિતજીનું બેલાવાદન નખશિખ ગાયકી પર આધારિત હતું. તેઓ સિતારની જેમ બેલામાં ઝાલા પણ વગાડતા. ખ્યાલની સાથે સાથે ઠૂમરી અને ભજન પણ તેઓ અદભુત રીતે પ્રસ્તુત કરતા. 1936માં જોગ શ્રીકૃષ્ણ રાતંજનકરના સંપર્કમાં આવ્યા. રાતંજનકર જોગના જ્ઞાન અને વ્યક્તિત્વથી પ્રભાવિત થઈ ગયા અને લખનૌની મેરિસ કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે તેમની નિયુક્તિ કરાવી. તેમણે ભારતના પ્રત્યેક નગરમાં અને અનેક સંગીત-કાર્યક્રમોમાં બેલાવાદનથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમનું બાહ્ય વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું. સ્વભાવે સરળ અને મૃદુભાષી પંડિત જોગ ઉત્તર ભારતીય સંગીતના બેલાવાદનના ક્ષેત્રમાં આગવું સ્થાન ધરાવતા હતા.

પ્રતિમા જી. શાહ