જોગ, રામચંદ્ર શ્રીપાદ

January, 2014

જોગ, રામચંદ્ર શ્રીપાદ (જ. 15 મે 1901, ગડદિંગ્લજ, જિ. કોલ્હાપુર; અ. 1980) : પ્રસિદ્ધ મરાઠી વિવેચક. પુણેની ફર્ગ્યુસન કૉલેજમાંથી સંસ્કૃત અને મરાઠી સાથે બી.એ. અને પછી એમ.એ. થયા. 1926થી 1963 સુધી નાસિક, સાંગલી અને છેલ્લે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં પ્રાધ્યાપક તરીકે કામ કર્યું. ‘જ્યોત્સ્નાગીત’ (1926) અને ‘નિશાગીત’ (1928) તેમના કાવ્યસંગ્રહો. સરળતાથી ભાવો અને સંવેદનોનું આલેખન એ તેમની કવિતાની વિશેષતા. પછીથી તો તેમણે સાહિત્યશાસ્ત્ર અને કાવ્યસમીક્ષાને જ પોતાનું કાર્યક્ષેત્ર ગણ્યું. ‘અભિનવ કાવ્યપ્રકાશ’ (1930) ગ્રંથમાં તેમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના મૂળતત્વને મરાઠીમાં ઉતારવાનો પ્રયત્ન કર્યો. આ ગ્રંથની પરિવર્ધિત આવૃત્તિમાં તેમણે સંસ્કૃત કાવ્યશાસ્ત્રના તત્વની પાશ્ચાત્ય કાવ્યમીમાંસા સાથે તુલના કરવાનો ઉપક્રમ રાખ્યો. તેમનો બીજો મહત્વનો વિવેચનસંગ્રહ ‘સૌન્દર્યશોધ અને આનંદબોધ’ (1943). તેમાં બીજી લલિતકલાઓમાં આવતા સૌન્દર્યઘટકોની વાત કરી, પછી સૌન્દર્યની અનુભૂતિ વ્યક્તિગત છે એ ર્દષ્ટિકોણથી સૌન્દર્યાનંદ અને તે સાથે કાવ્યાનંદની ચર્ચા કરી છે. ‘કાવ્યવિભ્રમ’(1951)માં છંદ અને અલંકારની ચર્ચા છે. વા. મ. જોશી વ્યાખ્યાનમાળામાં આપેલાં વ્યાખ્યાનો ‘અર્વાચીન મરાઠી કાવ્ય (કેશવસુત અને પછી)’ (1946)માં સંગૃહીત કરવામાં આવ્યાં છે, જેમાં આધુનિક મરાઠી કવિતાનું વિશ્લેષણ-વિવેચન છે. ‘કેશવસુત’(1947)માં કેશવસુતની કવિતાનું તલસ્પર્શી વિવેચન છે. પુણે વિદ્યાપીઠની કેળકર વ્યાખ્યાનમાળામાં આપેલાં, જ્ઞાનેશ્વર અને પછી થયેલા મરાઠી કવિઓની બદલાતી અભિરુચિ અને અભિગમ વિશેનાં વ્યાખ્યાનો ‘મરાઠી વાઙ્મય-અભિરુચિનું વિહંગાવલોકન’ (1959) સંગ્રહમાં સમાવિષ્ટ કરેલાં છે. ‘ચર્વણા’ (1960), ‘વિચક્ષણા’ (1962) અને ‘દક્ષિણા’ (1967) તેમના સાહિત્યવિષયક વિવેચનના અન્ય લેખોના સંગ્રહો છે. મરાઠી સાહિત્ય પરિષદના મરાઠી વાઙ્મય ઇતિહાસની યોજનામાં રામચંદ્ર શ્રીપાદ જોગે ત્રીજા, ચોથા અને પાંચમા ખંડોના સંપાદનની જવાબદારી ઉત્તમ રીતે ઉપાડી અને પાર પાડી. નવી કવિતાની દુર્બોધતાની ચર્ચા કરતું તેમનું વ્યાખ્યાન ‘મુખ્યાર્થની કેફિયત’, ‘વિરહતરંગા’ની ‘મેઘદૂત’ સાથેની તુલના અને ડાંગી બોલી વિશેનો દીર્ઘ નિબંધ વગેરે તેમની ઊંડી પર્યેષણાનાં દ્યોતક છે. તેઓ એકંદરે સમતોલ સમીક્ષક તરીકે ઊપસી આવે છે. મરાઠી સાહિત્ય સંમેલનના બેતાળીસમા અધિવેશનના અધ્યક્ષ થવાનું માન તેમને સાંપડ્યું હતું (1960); મરાઠી સાહિત્ય મહામંડળ સાથે પણ તેઓ વર્ષો સુધી ઘનિષ્ઠપણે જોડાયેલા રહેલા.

અનિલા દલાલ