જિનેન્દ્રબુદ્ધિ

January, 2012

જિનેન્દ્રબુદ્ધિ (આશરે 750) : સંસ્કૃત વૈયાકરણ પાણિનિની અષ્ટાધ્યાયી ઉપર વામન અને જયાદિત્યે લખેલી કાશિકા નામની વૃત્તિ ઉપર ‘ન્યાસ’ નામની ટીકા લખનાર ટીકાકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ ઓરિયેન્ટલ મૅન્યુસ્ક્રિપ્ટ્સ લાઇબ્રેરીની એક પોથીમાં એમનું નામ સ્થવિર જિનેન્દ્ર એ પ્રમાણે આપવામાં આવ્યું છે અને જિનેન્દ્રબુદ્ધિ પોતે પોતાને श्रीबोधिसत्वदेशीयाचायं તરીકે ઓળખાવે છે. આ ઉપરથી તેઓ બૌદ્ધધર્માનુયાયી હતા એ સ્પષ્ટ થાય છે.

તેઓ 750 પહેલાં થઈ ગયા હોવા જોઈએ કારણ કે ભામહ પોતાના ગ્રંથમાં ‘ન્યાસ’નો ઉલ્લેખ કરે છે.

જિનેન્દ્રબુદ્ધિની ટીકાનું પૂરું નામ ‘કાશિકાવિવરણપંજિકા’ છે. પરંતુ તે કાશિકાન્યાસ અથવા ટૂંકમાં ‘ન્યાસ’ તરીકે જ વધુ જાણીતી છે.

જિનેન્દ્રબુદ્ધિ કાશિકાનું અનુકરણ કરીને વ્યાકરણના ક્ષેત્રે પોતાના સમય દરમિયાન જે જે નવા સુધારાવધારા થયા હતા તેનો સમાવેશ ન્યાસમાં કરે છે. તેઓ કહે છે :

अन्यतः सारमादाय कृतैषा काशिका यथा ।

वृतिस्तस्या यथाशक्ति क्रियते पंजिका तथा ।।

(જેવી રીતે અન્ય ગ્રંથોમાંથી શ્રેષ્ઠ વસ્તુઓનો સ્વીકાર કરીને કાશિકા કરાઈ તેવી જ રીતે તેની પંજિકા નામની વૃત્તિ હું રચું છું.)

અરુણોદય જાની