જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण)

January, 2012

જિનદત્તાખ્યાન (जिणदत्तक्खाण) : 1953માં સિંઘી જૈન ગ્રંથમાળામાં પ્રકાશિત થયેલી વિશિષ્ટ પ્રાકૃત રચના. તેના કર્તા સુમતિસૂરિ પાડિચ્છયગચ્છીય આચાર્ય સર્વદેવસૂરિના શિષ્ય હતા. ગ્રંથનો સમય નિશ્ચિત નથી. એક પ્રાચીન પ્રતમાં તે અણહિલવાડ પાટણમાં સં. 1246માં લખાઈ હોવાનો ઉલ્લેખ મળે છે. એટલે આની રચના તે પહેલાં થઈ હોવી જોઈએ.

તેમાં જિનદત્તનાં બે આખ્યાનો છે. એકના કર્તા સુમતિસૂરિ અને બીજાના કર્તા અજ્ઞાત છે. બન્નેનાં કથાનક એકસરખાં છે પણ બીજું સંક્ષિપ્ત છે. તેની હસ્તપ્રતમાં ચિત્રકૂટમાં મણિભદ્ર યતિ દ્વારા સં. 1186માં લખાયાનો ઉલ્લેખ છે. એથી તે પ્રથમ કરતાં પ્રાચીન હોવાનો સંભવ છે.

કથાનો નાયક જિનદત્ત ચંપાનગરીના વિમલશેઠની કન્યા વિમલમતિ સાથેનાં લગ્ન પછી દ્યૂતમાં બધું ધન ગુમાવીને વિદેશયાત્રાએ નીકળી પડે છે. દધિપુરમાં રાજકન્યા શ્રીમતીને વ્યાધિમુક્ત કરી તેની સાથે અને ત્યારપછી રથનપુર ચક્રવાલની રાજકન્યા અંગારવતી સાથે લગ્ન કરે છે. અંતે ચંપાનગરીમાં આવી ગીત, વાદ્ય, વિનોદ આદિ દ્વારા ત્યાંના લોકોને ખુશ કરે છે; અને રાજકન્યા રતિસુંદરી સાથે લગ્ન કરે છે. પછી અનેક પ્રકારનાં સુખ ભોગવી દીક્ષા લે છે.

કાવ્યતત્વથી પૂર્ણ આ કથામાં વિવિધ પ્રહેલિકાનો સમાવેશ થયો છે. તેમાં ગદ્ય અને પદ્યની ભાષા પરિમાર્જિત છે.

કાનજીભાઈ પટેલ