જામે જમશેદ : ‘મુંબઈ સમાચાર’ પછીનું ગુજરાતી ભાષાનું સૌથી જૂનું અખબાર. 1832ની 12મી માર્ચે પેસ્તનજી માણેકજી મોતીવાલાના તંત્રીપદે મુંબઈમાં પ્રકાશિત થયેલું ચાર ફૂલ્સકૅપ પાનાંનું આ સાપ્તાહિક 1838થી સપ્તાહમાં બે વખત પ્રસિદ્ધ થતું અને 1853ની પહેલી ઑગસ્ટથી દૈનિક બન્યું. પત્ર પારસી સમાજના મહત્વના પ્રશ્નો પર નીતિવિષયક ચર્ચા કરવા માટે જાણીતું બન્યું. 1858ની 15મી મેએ સાવંતવાડી રાજ્યની પ્રગટ થયેલી હકીકતને સરકાર વિરુદ્ધની ખબર ગણીને 1858ની 31મી મેએ ‘જામે જમશેદ’ છાપવાનો પરવાનો સરકારે પાછો ખેંચી લીધો; પરંતુ, ત્રણ દિવસ બાદ પુન: પ્રકાશનની પરવાનગી અપાઈ. આ વર્તમાનપત્રે આક્રમક નીતિને બદલે મધ્યમ માર્ગ અપનાવ્યો અને ગરીબ તેમજ મધ્યમ વર્ગના પારસીઓને મદદ કરી. ગુજરાતી પત્રકારત્વમાં વેપાર, આરોગ્ય અને હાસ્યવિભાગ જેવા વિભાગોની આ પત્રે પહેલ કરી. 1942ની 28 જૂનથી ‘જામે જમશેદ વીકલી’ નામે સ્વતંત્ર સાપ્તાહિકનું પ્રકાશન શરૂ થયું.

પ્રીતિ શાહ