જામીનદાર (surety or guarantor) : બૅંક પાસેથી લીધેલું ઋણ ચૂકવવામાં મુખ્ય દેવાદાર કસૂર કરે ત્યારે બૅંકને ઋણ ચૂકવવાની બાંયધરી આપનાર વ્યક્તિ. લોન/ધિરાણ આપતી વખતે બૅંક કોઈ વ્યક્તિને વચ્ચે જામીન તરીકે રાખીને પછી જ ત્રાહિત વ્યક્તિને લોન/ ધિરાણ આપતી હોય છે. એમાં એવી શરત રખાય છે કે જો લોન/ ધિરાણ લેનાર ત્રાહિત વ્યક્તિ લોન/ધિરાણ ચૂકવવામાં કસૂર કરે તો જામીન રહેલી વ્યક્તિ તેની જવાબદારી અદા કરશે. આથી તેને જામીનદાર તરીકે ઓળખવામાં આવે છે. બૅંક દ્વારા ખાસ કરીને ધિરાણ અંગેના નાણાકીય વ્યવહારો કરવામાં આવે છે ત્યારે બૅંક એક અથવા વધુ વ્યક્તિઓની બાંયધરી માગે છે.

આ પ્રકારના વ્યવહારોમાં મુખ્યત્વે 3 પક્ષકારો હોય છે : (1) જે વ્યક્તિ જામીન આપે છે તેને જામીન/જામીનદાર કહેવાય છે; (2) જે વ્યક્તિની કસૂર અંગે જામીનગીરી આપવામાં આવે છે તેને મુખ્ય દેવાદાર (principal debtor) કહેવાય છે અને (3) જે વ્યક્તિને જામીનગીરી આપવામાં આવી હોય તેને લેણદાર (creditor) કહેવાય છે.

આ પ્રકારના વ્યવહારોમાં મુખ્ય દેવાદાર અને લેણદાર વચ્ચે જે કંઈ વ્યવહાર થાય અથવા કરારમાં વખતોવખત ફેરફાર થાય તેનાથી જામીનદારને માહિતગાર કરવો જરૂરી છે. જામીનદારને આવી માહિતી આપવામાં ન આવે તો જામીનદાર જવાબદારીમાંથી મુક્ત થઈ શકે છે.

જ્યારે જામીનદારો એક કરતાં વધારે હોય ત્યારે જવાબદારી બધા વચ્ચે પ્રમાણસર રીતે ફાળવી દેવામાં આવે છે.

કોઈ સંજોગોમાં મુખ્ય દેવાદાર જવાબદારી અદા કરવામાં કસૂર કરે અને જામીનદાર જવાબદારી અદા કરે તો જામીનદારને મુખ્ય દેવાદારની મિલકતોમાંથી પોતાની જવાબદારી જેટલી રકમ વસૂલ કરવાનો અધિકાર છે.

મુખ્ય દેવાદાર જ્યારે પોતાની જવાબદારી અદા કરી દે ત્યારે જામીનદાર બાંયધરીમાંથી આપોઆપ મુક્ત થાય છે અથવા જામીનદાર મૃત્યુ પામે ત્યારે તે મુક્ત થાય છે.

આમ જામીનદાર ધિરાણની પ્રક્રિયામાં મહત્વની કડીરૂપ કામગીરી બજાવે છે.

પરબતભાઈ રાઠોડ