જાયફળ (જાવંત્રી)

January, 2012

જાયફળ (જાવંત્રી) : ઘરગથ્થુ તેજાનો અને ઔષધદ્રવ્ય. લૅ. Myristica fragrans Houtt. ફળના બહારના આવરણને જાવંત્રી અને અંદરના બીજને જાયફળ કહે છે.

કાયમ લીલું રહેતું આ ઝાડ ઘેરા લીલા રંગનાં પાન ધરાવે છે અને લગભગ 13થી 16 મી. ઊંચું ઘટાદાર હોય છે. તે મોલુકાસ નામના ટાપુમાં જંગલી અવસ્થામાં મળી આવે છે. તેનું વાવેતર મોલાકા, સિંગાપોર, પેનાંગ, બ્રાઝિલ, વેસ્ટ ઇન્ડીઝ ઉપરાંત છેલ્લાં કેટલાંક વર્ષોથી ચીન, શ્રીલંકા અને જમૈકામાં પણ થાય છે. ભારતમાં નીલગિરિની ટેકરીઓમાં સોપારી અને નારિયેળીની માફક અને કેટલાક વિસ્તારમાં સોપારી અને નારિયેળીની વચ્ચે પણ તેનું વાવેતર કરવામાં આવે છે. સામાન્ય રીતે સારું ઝાડ દર વર્ષે જૂનથી સપ્ટેમ્બરના ગાળા દરમિયાન લગભગ 1000 જેટલાં ફળ આપે છે.

જાયફળ અને જાવંત્રીનો મહત્તમ ઉપયોગ દૂધની બનાવટોમાં સુગંધી લાવવા પરાપૂર્વથી થાય છે. અત્યારે બેકરી ઉદ્યોગમાં, ઠંડાં પીણાંમાં, આઇસક્રીમ પાઉડર વગેરેમાં સુગંધી લાવવા મોટા પાયે વપરાય છે. કેટલાક રોગોમાં દવા તરીકે પણ તે ઉપયોગમાં લેવાય છે. ખાસ કરીને આંતરડાંને લગતા રોગો, નબળાઈ, અપચો, ઝાડા, સંગ્રહણી વગેરેમાં અને લિવર કે બરોળની નબળાઈમાં પણ તેનો ઉપયોગ થાય છે. શક્તિવર્ધક ઔષધ તરીકે પણ વપરાય છે. જાયફળ તેમજ જાવંત્રીમાંથી સુગંધી તેલ (3 %થી 8 %) તથા ચરબી (25 %) મળે છે, તેનો પણ ઉપર મુજબનાં કાર્યમાં અને સૌંદર્યપ્રસાધનો તથા સુગંધીયુક્ત સાબુ બનાવવામાં ઉપયોગ થાય છે. જાયફળના તેલમાંનો મુખ્ય ઘટક ‘મિરિસ્ટિસિન’ના નામે ઓળખાય છે.

કાન્તિલાલ ગોવિંદલાલ મહેતા