છેકાનુપ્રાસ : શબ્દાલંકારનો એક પ્રકાર. કાવ્યમાં સમાન વર્ણોની નાદમાધુર્ય જન્માવતી આવૃત્તિને અનુપ્રાસ કહે છે. અનુપ્રાસના :

(1) વર્ણાનુપ્રાસ અને (2) શબ્દાનુપ્રાસ એવા બે મુખ્ય ભેદ પડે છે.

વર્ણાનુપ્રાસના, પાછા છેકાનુપ્રાસ અને વૃત્યનુપ્રાસ એવા બે ભેદ પડે છે. ‘છેક’ એટલે ચતુર પુરુષ. ચતુર કવિને પ્રિય અથવા ચતુર કવિને ફાવતી રચના તે છેકાનુપ્રાસ. અનેક વ્યંજનોની એક જ વખત આવૃત્તિ થાય તેને છેકાનુપ્રાસ કહે છે. આવી આવૃત્તિ સ્વરૂપથી તેમજ ક્રમથી હોય છે.

છેકાનુપ્રાસમાં એકથી વધારે સંયુક્ત વ્યંજનો કે અસંયુક્ત વ્યંજનો એક જ વખતે પુનરાવર્તન પામી ચમત્કૃતિ પેદા કરે છે, જેમ કે स्पन्द — मन्दમાં ‘ન’ અને ‘દ’ એ બે સંયુક્ત વ્યંજનો અને पावन: पवन:માં ‘પ’, ‘વ’ તથા ‘ન’ એ ત્રણ અસંયુક્ત વ્યંજનોના સમૂહની એક જ વખત આવૃત્તિ છે તે રમણીય છે.

પ્રાચીન આલંકારિકોમાં સૌપ્રથમ ઉદભટે (કા. અ. સા. સં. 1.3) છેકાનુપ્રાસનું નિરૂપણ કર્યું. તે પછી મમ્મટે (કા. પ્ર. 9. સૂ. 105); રુય્યકે (અલં. સ. સૂ. 5) અને વિશ્વનાથે (સા. દ. 10.3) એની વિભાવના સ્પષ્ટ કરી વિસ્તારી છે.

અમૃત ઉપાધ્યાય