છૂંદણાં (tatoo-marks) (આયુર્વિજ્ઞાન)

છૂંદણાં (tatoo-marks) (આયુર્વિજ્ઞાન) : લગભગ કાયમી રીતે રહે તેવું ચામડી પરનું લખાણ કે ચિત્રણ. તે સમગ્ર વિશ્વમાં જોવા મળે છે. ભારતમાં તેનું વધારે પડતું ચલણ સમાજના નીચલા વર્ગોમાં હોય છે. અદ્રાવ્ય રંગના કણોને ચામડીમાં છિદ્ર પાડીને ઉમેરવામાં આવે છે. સામાન્ય રીતે કાળાશપડતા ભૂરા રંગ માટે ઇન્ડિયન કે ચીની શાહીમાંનો કાર્બન, લાલ રંગ માટે સિનાબાર, છીંકણી રંગ માટે પીળી-છીંકણી રંગની કુદરતી માટી (ochre) અને લીલા રંગ માટે ક્રોમિક ઑક્સાઇડ કે હાઇડ્રેટેડ ક્રોમિયમ સેસ્ક્વીઑક્સાઇડ વપરાય છે. નામ, નામના મૂળાક્ષરો, દેવ-દેવીઓનાં ચિત્રો કે નૈતિક અવમૂલ્યનના સંકેતો પણ છૂંદણાં રૂપે દોરવામાં આવે છે. હાથનો ખભાથી કોણી સુધીનો ભાગ (બાહુ) અને કોણીથી કાંડા સુધીનો ભાગ (અગ્રબાહુ), છાતી, કપાળ તથા શરીરના અન્ય ભાગો પર છૂંદણાં ચીતરવામાં આવે છે. છૂંદણાં દોરાવ્યાં પછી તે સ્થળે ચેપ લાગે તો ક્યારેક પરુ થવું, ગૂમડું થવું, પેશીનાશ (gangrene) થવો અથવા ઉપદંશ (syphilis), ક્ષય કે કુષ્ઠરોગ (leprosy) થવાનાં ઉદાહરણો નોંધાયેલાં છે. હાલ સૌંદર્ય-વર્ધનના કાર્યમાં તેનો વ્યાપ યુવાનોમાં વધતો ચાલ્યો છે.

વ્યક્તિની કે મૃતદેહની ઓળખ માટે છૂંદણાં નોંધવામાં આવે ત્યારે તેમની રચના (design) અને સ્થાનનું સ્પષ્ટ વર્ણન કરવામાં આવે છે કેમ કે જુદી જુદી વ્યક્તિ પર શરીરના સરખા ભાગ પર એકસરખા ચિત્રનું છૂંદણું દોરાયું હોય તેવું બને છે. ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં દાટેલા મૃતદેહમાં લગભગ મૃત્યુ પછી 30 કલાકે કોહવાટ (putrefaction) શરૂ થાય છે અને તેથી 2 કે 4 દિવસ પછી છૂંદણાંનાં ચિહનો ઓળખી શકાતાં નથી. અમુક પ્રકારના રંગો વાપર્યા હોય તો 10 વર્ષ પછી જીવતી વ્યક્તિના શરીર પરથી પણ છૂંદણાં અર્દશ્ય થાય છે. જો વર્મિલિયન કે અલ્ટ્રા-મરીન રંગોના કણોનો ચામડીમાં ઊંડે સુધી પ્રવેશ ન કરાવેલો હોય તો તે સમય જતાં ભૂંસાઈ જાય છે. જોકે આવા કિસ્સાઓમાં પણ તેમના રંગના કણો જે તે વિસ્તારની લસિકાગ્રંથિઓ (lymph nodes) અથવા જેમાં પાક્યા પછી ‘વેળ’ ઘાલે છે તેવી વેળ-ગ્રંથિઓમાં સચવાઈને રહે છે. માટે મૃતદેહના શબપરીક્ષણ (postmortum examination) સમયે તે દર્શાવી શકાય છે. તેનાથી વિપરીત, ઇન્ડિયન શાહી, મેશ (soot), બંદૂકના દારૂનો પાઉડર (gun powder) કે કોલસાની ભૂકીના ઉપયોગથી છૂંદણાંનાં ચિહનો થયાં હોય તો તે મૃત્યુ પછી શરીર કોહવાય તોયે લાંબા સમય સુધી જતાં નથી. ક્યારેક ઝાંખાં થઈ ગયેલાં છૂંદણાંને જોવા માટે પારજાંબલી પ્રકાશનો ઉપયોગ કરાય છે અથવા ચામડીને ઘસીને સાફ કર્યા પછી સાદા પુષ્કળ પ્રકાશ વડે કે અધોરક્ત (infra red) કિરણો વડે પાડેલા ફોટાનો ઉપયોગ કરાય છે.

છૂંદણાંને શસ્ત્રક્રિયા કરીને, વીજલયન (electrolysis) વડે કે તે જગ્યાને બાળી નાખે તેવા કૉસ્ટિક પદાર્થનો ઉપયોગ કરીને કૃત્રિમ રીતે દૂર કરી શકાય છે. જૂના જમાનાથી તે સ્થળે ગરમ સળિયાથી ડામ આપીને છૂંદણાં દૂર કરવાની પદ્ધતિ ઉપયોગમાં લેવાય છે. કાર્બનડાયૉક્સાઇડ-સ્નો(સૂકો બરફ)નો પણ તેવો જ ઉપયોગ છે. ચામડીનું પડ કાઢીને તે સ્થળે પુનર્રચનાલક્ષી (plastic) શસ્ત્રક્રિયા કરીને અન્ય સ્થળની ચામડીનું રોપણ (grafting) કરી શકાય છે. ટીટેનિયમ ઑક્સાઇડ નામના સફેદ રંગના કણો વડે મૂળ છૂંદણાં ઢાંકી શકાય છે. છૂંદણાંવાળા ભાગ પર છીછરા ઘા (ઉઝરડા) કરીને તેના પર પોટૅશિયમ પરમૅંગેનેટ લગાવવાથી પાછળથી આવતી ચામડીમાં છૂંદણાં રહેતાં નથી એવું દર્શાવાયેલું છે. વીજલયનની પ્રક્રિયામાં ઋણવીજભારવાળી સોય વડે છૂંદણાંના રંગના કણો ઉપરની ચામડીના પડને દૂર કરીને કણોને ઘસીને દૂર કરવામાં આવે છે. કૉસ્ટિક પદાર્થો વડે રાસાયણિક દાહ કરવા માટે પેપેઇન અને ગ્લિસરીનનું મિશ્રણ, કૉસ્ટિક સોડા, કૉસ્ટિક પોટાશ, મંદ હાઇડ્રોક્લોરિક ઍસિડ, ઝિંક ક્લોરાઇડ વગેરે વપરાય છે. ક્યારેક શીતળાના ડાઘા કે ખરજવું થાય તો પણ મૂળ છૂંદણાં અસ્પષ્ટ બને છે.

શિલીન નં. શુક્લ