ચમોલી : ઉત્તરાખંડ રાજ્યની ઈશાન તરફ, મધ્ય હિમાલયમાં આવેલો જિલ્લો અને ગામ. આ સમગ્ર જિલ્લો પહાડી પ્રદેશનો બનેલો છે. અહીંની સરાસરી ઊંચાઈ લગભગ 1071 મીટર છે, પણ આ પ્રદેશ કોઈ કોઈ જગ્યાએ 3047 મીટરથી પણ વધુ ઊંચાઈ ધરાવે છે.

આ પ્રદેશમાંથી અલકનંદા નદી વહે છે. તે ઉત્તરે તિબેટની સરહદ પરના માણાઘાટની તળેટીમાંથી નીકળીને વહે છે. તેને ગસ્તોલી પાસે આરવા નદી મળે છે. અહીંના ખડકો મુખ્યત્વે શિસ્ટ પ્રકારના છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ 7613 ચોકિમી. છે. જિલ્લાની વસ્તી : 3,91,114 (2011) છે. વસ્તીગીચતા પ્રતિ ચોકિમી. 49 વ્યક્તિની છે. અહીં 1000 પુરુષોએ સ્ત્રીઓનું પ્રમાણ 1027 જેટલું છે તથા સાક્ષરતાનું પ્રમાણ 83.5 % છે. ઉનાળામાં અહીંની આબોહવા ખુશનુમા રહે છે. શિયાળામાં અહીં હિમવર્ષા થાય છે અને ઊંચા પહાડો બરફથી છવાઈ જાય છે. આ પ્રદેશ જંગલોથી છવાયેલો છે, જેમાં ચીડ, ઓક ઇત્યાદિ વૃક્ષો વિશેષ જોવા મળે છે. ફળ પણ મોટા પ્રમાણમાં થાય છે.

આ જિલ્લાનું મુખ્ય મથક ગોપેશ્વર છે. ચમોલી 30° 24’ ઉ. અ. અને 79° 21’ પૂ. રેખાંશ પર અલકનંદાને કાંઠે સમુદ્રતળથી 1091 મીટરની ઊંચાઈ પર આવેલું છે. તે વેપાર અને શિક્ષણનું કેન્દ્ર છે. આ જિલ્લામાં બદરીનાથ અને શીખોનું તીર્થસ્થાન હેમકુંડ સાહેબ આવેલાં છે. જિલ્લામાં ઉત્તર તરફ આવેલી ફૂલોની ઘાટી પણ આ જિલ્લાનું આકર્ષક પર્યટનમથક છે.

ચમોલીથી ઉત્તર તરફ પવિત્ર બદરીનાથનું યાત્રાધામ આવેલું છે. ચમોલીમાં વિશ્રામગૃહ, અતિથિગૃહ, પોસ્ટ ઑફિસ વગેરેની સગવડ છે.

ગિરીશ ભટ્ટ