ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર

January, 2012

ચટ્ટોપાધ્યાય, શરદચંદ્ર (જ. 15 સપ્ટેમ્બર 1876, દેવાનંદપુર; અ. 16 જાન્યુઆરી 1938, કૉલકાતા) : સુપ્રસિદ્ધ બંગાળી નવલકથાકાર. તેમનો જન્મ દેવાનંદપુરમાં સામાન્ય સ્થિતિના બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. તેમના પિતા મતિલાલે ઘણી વાર્તાઓ, નવલકથાઓ, નાટકો ને કાવ્યો લખેલાં; પરંતુ તે પ્રસિદ્ધ કર્યા વિના અધૂરાં છોડેલાં. તેમનાં માતા ભુવનમોહિની જાણીતા ગાંગુલી પરિવારમાંથી આવતાં હતાં. તેમણે શાળા તેમજ કૉલેજશિક્ષણ ભાગલપુર ખાતે લીધું. 1894માં તેમણે એન્ટ્રન્સ પરીક્ષા પાસ કરી હતી. માતાપિતાનાં મૃત્યુથી તેમનું જીવન છિન્નભિન્ન થઈ ગયું. ઉત્તર બિહારમાં તેમણે એક અનાથ તરીકે જીવન વિતાવ્યું.

શરદચંદ્ર ચટ્ટોપાધ્યાય

1903માં તેઓ બ્રહ્મદેશ (મ્યાનમાર) ચાલ્યા ગયા. ત્યાં 12 વર્ષ સુધી રેલવે, જાહેર બાંધકામ તથા એકાઉન્ટન્ટ જનરલની કચેરીમાં નોકરી કરી. બ્રહ્મદેશ જતાં પહેલાં ‘મંદિર’ નામની એક વાર્તા તેમના મામાના નામથી પ્રસિદ્ધ કરી. તેને પ્રથમ પારિતોષિક મળ્યું. ‘બડીદીદી’ તેમના નામથી ‘ભારતી’ સાપ્તાહિકમાં તેમણે હપ્તાવાર પ્રગટ કરી (1907). ‘યમુના’, ‘ભારત વર્ષ’ તથા ‘સાહિત્ય’ માસિકમાં ‘અનિલાદેવી’ના તખલ્લુસથી ‘રામેર સુમતિ’, ‘પંથનિર્દેશ’ અને ‘બિન્દુર છેલે’ નામની તેમની વાર્તાઓ પ્રગટ થતાં તેઓ ખ્યાતિ પામ્યા અને તેમને નિયમિત આવક થવા માંડી. તેથી 1916માં તેઓ બ્રહ્મદેશની નોકરી છોડીને કૉલકાતા આવ્યા.

ભાગલપુરમાં વિભૂતિભૂષણ ભટ્ટની મદદથી તેમણે સાહિત્યિક ક્લબ સ્થાપી અને ‘છાયા’ નામનું હસ્તપ્રત સામયિક શરૂ કર્યું. તેઓ તેમના કાકા ઉપેન્દ્રનાથ ગાંગુલી, બંકિમચન્દ્ર ચટ્ટોપાધ્યાય અને ટાગોરની કૃતિઓથી પ્રભાવિત થયા. 1912માં તેમણે શાન્તિદેવી સાથે લગ્ન કર્યાં જે વધુ ન જીવ્યાં. તેથી 1913માં બ્રહ્મદેશમાં તેમણે હિરણમયી દેવી સાથે લગ્ન કર્યાં. તેમને કોઈ સંતાન ન હતું. કૉલકાતા પાછા ફરીને તેમણે ત્યાં બીજું મકાન બાંધ્યું (1934).

તેમણે 25 નવલકથાઓ તથા 7 વાર્તાસંગ્રહો આપ્યા છે. તેમની અત્યંત લોકપ્રિય નવલકથામાં ‘બડીદીદી’ (1913), ‘વિરાજવહુ’ (1914), ‘પરિણીતા’ (1914), ‘પલ્લીસમાજ’ (1916), ‘વૈકુંઠેર વિલ’ (1916), ‘શ્રીકાન્ત’ (ચાર ભાગ, 1917થી 1934), ‘દેવદાસ’ (1917), ‘ચરિત્રહીન’ (1917), ‘દત્તા’ (1917–19), ‘ગૃહદાહ’ (1920), ‘પથેર દાબિ’ (1926), ‘શેષ પ્રશ્ન’ (1931), ‘વિપ્રદાસ’ (1935) અને ‘શુભદા’(1936)નો સમાવેશ થાય છે.

જ્યારે ‘બિન્દુર છેલે’ (1914), ‘મેજદીદી’ (1915), ‘કાશીનાથ’ (1917), ‘રામેર સુમતિ’ (1914), ‘આંધારે આલો’ (1916) અને ‘મહેશ’ (1924) તેમની ઉત્કૃષ્ટ ગણાતી વાર્તાઓ છે. તેમણે ત્રણ વાર્તાઓનું નાટ્યરૂપાંતર કર્યું છે – ‘ષોડશી’ (1928), ‘રમા’ (1928) તથા ‘વિજયા’-(1934)નું.

1917માં તેઓ દેશબંધુ ચિત્તરંજન દાસ અને પાછળથી સુભાષચંદ્ર બોઝના સંપર્કમાં આવ્યા અને રાજકીય પ્રવૃત્તિઓમાં જોડાયા. ચિત્તરંજન દાસની વિનંતીથી તેમણે ઊર્મિલાદેવી સાથે સ્ત્રીઓની પ્રવૃત્તિના કેન્દ્ર રૂપે નારીકાર્ય મંદિરની સ્થાપના કરી. 1921માં તેઓ કૉંગ્રેસમાં જોડાયા અને હાવરા જિલ્લા કૉંગ્રેસ સમિતિના પ્રમુખ થયા. તે દરમિયાન તેઓ હેમન્તકુમાર સરકાર, નિર્મળચંદ્રના સંપર્કમાં આવ્યા. રવીન્દ્રનાથ તેમના સાહિત્યિક ‘ગુરુ’ હતા. તેઓ ગાંધીજીના સંપર્કમાં પણ હતા. તેમણે તેમના સામાજિક અને રાજકીય વિચારો તેમના ત્રણ ગ્રંથો – ‘નારીર મૂલ્ય’ (1923), ‘તરુણેર વિરોધ’ (1929) અને ‘સ્વદેશ ઓ સાહિત્ય’(1932)માં દર્શાવ્યા છે.

1923માં કલકત્તા યુનિવર્સિટી તરફથી જગત્તારિણી સુવર્ણચંદ્રક, 1936માં ઢાકા યુનિવર્સિટી તરફથી ડી.લિટ્.ની ડિગ્રી તેમને એનાયત કરવામાં આવ્યાં હતાં. 1934માં તેમને બંગીય સાહિત્ય પરિષદના વિશેષ સભ્ય નીમવામાં આવેલા. 1936માં તેમના જન્મદિને રવીન્દ્રનાથ ટાગોરે તેમને શુભેચ્છા પાઠવતો પત્ર લખ્યો હતો.

ચન્દ્રકાન્ત મહેતા