ચટ્ટોપાધ્યાય, સન્દીપન (જ. 15 ઑક્ટોબર 1933, હાવડા, પશ્ચિમ બંગાળ; અ. 12 ડિસેમ્બર 2005, કોલાકાતા) : બંગાળી નવલકથાકાર. તેમને તેમની ‘આમિ ઓ બનબિહારી’ નામક નવલકથા માટે 2002ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરેલી. બંગાળી સિવાય તેમને અંગ્રેજી અને હિંદી ભાષાની જાણકારી છે. તેઓ સંગીત, ચિત્રકલા, ફિલ્મ અને રંગમંચમાં પણ રસ ધરાવતા હતા.

તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ બંગાળી દૈનિક ‘આજકલ’માં મુખ્ય સહાયક સંપાદક તરીકે કાર્યરત છે. તેમણે પોતાની લેખનપ્રવૃત્તિ વામપંથી પત્રિકાઓમાં વાર્તાઓ લખીને શરૂ કરેલી. તેઓ કાફકા, શેક્સપિયર, એલિયટ અને જીવનાનંદ દાસથી પ્રભાવિત રહ્યા છે. તેમણે કુલ 38 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘કૃતદાસ કૃતદાસી’, ‘એખન આમાર કોનો અસુખ નેઈ’, ‘કાલેરાર ડિંગુલાઇટ પ્રેમ’, ‘ભારી વર્ષા’, ‘હિરોશિમા’, ‘માય લવ’, ‘સોનાલી દાનાર એજાલ’, ‘પંચાસટિ ગલ્પ’, ‘આગુન મુખોશ પરમચુલા’ અને અન્યનો સમાવેશ થાય છે. તેઓ સુધા મેમૉરિયલ ઍવૉર્ડ તથા બંકિમ પુરસ્કારથી સન્માનિત થઈ ચૂક્યા છે.

સન્દીપન ચટ્ટોપાધ્યાય

તેમની પુરસ્કૃત કૃતિ ‘આમિ ઓ બનબિહારી’માં તેમણે શહેરી મધ્યમ વર્ગના લોકોના જીવનને કેન્દ્રમાં રાખીને કથાના તાણાવાણા ગૂંથ્યા છે. તેમાં તેમણે આંતરજીવનની ચર્ચા કરી છે અને તેને માટે તેમણે એક વિશેષ પ્રકારનું ગદ્ય વિકસાવ્યું છે. બંગાળી સાહિત્યમાં આખ્યાન અને આખ્યાનપરક શૈલીનો પ્રયોગ કરવાની અનોખી પરંપરાનું તેમણે નિર્માણ કર્યું છે. તેમણે શબ્દો અને વાક્યોના સુવ્યવસ્થિત ક્રમના સંયોજન દ્વારા એક એવી શૈલી વિકસાવી છે કે જેને કારણે તેઓ અન્યથી જુદા પડે છે. આ વિશિષ્ટતાને કારણે તેમની આ કૃતિનું ભારતીય નવલકથામાં અનન્ય પ્રદાન ગણાય છે.

બળદેવભાઈ કનીજિયા