ચક્રવર્તી, સુધીર (નિવારણ ચક્રવર્તી) (જ. 19 સપ્ટેમ્બર 1934, શિવપુર, હાવડા, પશ્ચિમ બંગાળ) : બંગાળી કવિ. તેમને તેમના સાહિત્યિક વિવેચન ‘બાઉલ ફકીર કથા’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી બંગાળી ભાષા અને સાહિત્યમાં એમ.એ. અને પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. તેમણે 1960થી 1994 સુધી જુદી જુદી યુનિવર્સિટીઓમાં અધ્યાપનકાર્ય કર્યું હતું.

કૉલેજકાળથી તેમણે લેખન શરૂ કર્યું અને 1985માં તેમની પ્રથમ કૃતિ પ્રગટ થઈ. તેમની અન્ય મુખ્ય કૃતિઓમાં : ‘ગભીર નિર્જન પથ’, ‘બ્રાત્ય લોકાયત લાલન’, ‘નિર્વાસ’, ‘બાંગ્લા ફિલ્મેર ગાન ઓ સત્યજિત રે’, ‘પંચગ્રામેર કર્ચા’, ‘બાંગ્લાર ગૌણ ધર્મ : સાહેલધાની ઓ બાલાહારી’ અને ‘ઉત્સવમેલાય ઇતિહાસ’નો સમાવેશ થાય છે. તેમને તેમની સાહિત્યિક સેવાઓ બદલ પશ્ચિમ બંગ રાજ્ય અકાદમીનો દિનેશચંદ્ર સેન પુરસ્કાર, દિલ્હી યુનિવર્સિટીનો નરસિંહદાસ પુરસ્કાર, કલકત્તા યુનિવર્સિટીનો સરોજિની બોઝ સુવર્ણચંદ્રક અને ‘આનંદ બજાર પત્રિકા’ તથા દેશના આનંદ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે.

સુધીર ચક્રવર્તી

તેમની પુરસ્કૃત કૃતિ ‘બાઉલ-ફકીર કથા’માં સમકાલીન બાઉલો અને ફકીરોનો અભ્યાસ છે. આધુનિક નૃવૈજ્ઞાનિક કાર્યની પરંપરામાં રચાયેલી આ શ્રેષ્ઠ કૃતિ છે. તેમાં સંશોધક સહભાગી છે, જે દરેક વસ્તુને દૂરથી જોવાને બદલે તે સમાજની અંદર જઈને જોવાનો પ્રયત્ન કરે છે; તેનું એ અધ્યયન કરે છે. લેખકની વિરલ જ્ઞાનસંપદા, જીવનનું આગવું દર્શન અને સૌન્દર્યનિષ્ઠ અભિગમના કારણે આ કૃતિ અનન્ય બની છે.

બળદેવભાઈ કનીજિયા