ચક્રવાક (Ruddy shelduck) : ઍનાટિડે કુળના બતકની એક જાત. ચકવા તરીકે પણ તે ઓળખાય છે. તે ભગવી સુરખાબથી પણ ઓળખાય છે. શાસ્ત્રીય નામ Tadorna ferruginea. આ સ્થળાંતરી પક્ષી દક્ષિણ રશિયા, મધ્ય એશિયા અને ચીન જેવા પ્રદેશમાંથી શિયાળામાં ભારતમાં આવે છે. ભારતના બધા પ્રદેશોમાં જોવા મળતું આ પક્ષી ઑક્ટોબરથી એપ્રિલ સુધી ત્યાં વાસ કરે છે. ચકવો-ચકવી સાથે જ જોડમાં કે સમૂહમાં તળાવ કે નદીકિનારે અથવા તેની આસપાસ રહે છે. આમ તો ચક્રવાક પાણી પર તરે છે પરંતુ તે પાણીની બહાર રહેવું વધારે પસંદ કરે છે.

ચક્રવાક

નર ચક્રવાકની લંબાઈ આશરે 65.0 સેમી. હોય છે અને માદા સહેજ નાની હોય છે. તેનાં પીછાં નારંગી-તપખીરી રંગનાં અને માથું સહેજ ઝાંખા રંગનું હોય છે. નરના ગ્રીવાપ્રદેશમાં ગાઢા રંગનું વલય આવેલું હોય છે. પાંખ રંગે લીલી તથા પાછળનો ભાગ અને પૂંછડી કાળાં હોય છે. ચક્રવાક મુખ્યત્વે શાકાહારી ગણાય છે. તેનો આહાર ઘાસચારો, દાણા અને જલજ વનસ્પતિ હોય છે. પણ ક્વચિત્ નાની માછલી, જળવાસી કીટકો, શંખ, છીપલાં વગેરેનું ભક્ષણ કરે છે. કોઈક વાર ગીધ સાથે કોહવાયેલું માંસ પણ ખાય છે.

ચક્રવાક ચતુર પક્ષી છે અને તે હંમેશાં સજાગ રહે છે. તે આંઉ આંઉ અવાજ કરે છે. તેથી નામ ચક્રવાક પડ્યું છે. ગ્રીષ્મ ઋતુ તેનો પ્રજનનકાળ છે. ખડક ઉપર અથવા તેના પોલાણમાં પીછાં પ્રસારી, નર માળો બાંધે છે. માદા એકીસાથે 6થી 10 સફેદ ઈંડાં મૂકે છે અને 15થી 17 દિવસ તેનું સેવન કરે છે. શરૂઆતમાં પોષણની જવાબદારી નર અને માદા બંને ઉપાડે છે. ત્યારબાદ નર માળાનો ત્યાગ કરે છે.

વિરહપીડિત યુગ્મ તરીકે ચક્રવાક ચક્રવાકીનો કવિતામાં નિર્દેશ આવે છે.

મ. શિ. દૂબળે