ચંદ્ર વંશ : વસ્તુત: મનુ વૈવસ્વતની પુત્રી ઇલાનો ઐલ વંશ; પરંતુ ઇલાનો પતિ બુધ ચંદ્રનો પુત્ર હોઈ એ વંશ આગળ જતાં ચંદ્ર વંશ તરીકે ઓળખાયો. ઇલાના પુત્ર પુરુરવાની રાજધાની વત્સદેશના પ્રતિષ્ઠાનપુરમાં હતી. એના વંશમાં આયુ, નહુષ અને યયાતિ નામે પ્રતાપી રાજા થયા. કનોજ, કાશી, યદુ, પુરુ વગેરે આ વંશની અવાંતર શાખાઓ છે. પુરુના પૌરવ વંશમાં દુષ્યંત, ભરત અને હસ્તી થયા. યાદવ વંશની હૈહય શાખામાં કાર્તવીર્ય અર્જુન થયા. વળી યાદવ વંશમાં મધુ અને સત્વત થયા. સાત્વત કુલમાં અંધક, કુકુર, વૃષ્ણિ થયા. વૃષ્ણિ કુલમાં વાસુદેવ કૃષ્ણ થયા. પૌરવ વંશમાં કુરુ, બૃહદ્રથ, જરાસંધ અને શિશુપાલ થયા. કુરુ કુલમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુ થયા. તેઓ હસ્તિનાપુરમાં રહેતા હતા. ધાર્તરાષ્ટ્રો અને પાંડવો વચ્ચેનો સંઘર્ષ આખરે ભારત યુદ્ધમાં પરિણમ્યો. મથુરાના યાદવો દ્વારકામાં આવી વસ્યા હતા. શ્રીકૃષ્ણે નિ:શસ્ત્ર રહેવા છતાં યુદ્ધમાં પાંડવોને સક્રિય માર્ગદર્શન આપેલું. સમય જતાં શ્રીકૃષ્ણ વિષ્ણુનો પૂર્ણાવતાર અને આગળ જતાં સ્વયં પરમાત્મા ગણાયા. યાદવવીરો આંતરિક કલહમાં લડી મર્યા ને દ્વારકા સમુદ્રમાં ડૂબી ગઈ. પાંડવોના વંશમાં પરીક્ષિત અને જનમેજય થયા. એમના વંશજ નિચક્ષુએ રાજધાની કૌશાંબીમાં રાખી. કુરુ કુલના વંશજોએ મગધ અને ચેદિમાં પણ રાજ્ય સ્થાપેલાં. મગધમાં બૃહદ્રથનો વંશ પ્રવર્ત્યો. પુરાણોની રાજવંશાવળીઓ તૈયાર થઈ ત્યારે પૌરવ વંશમાં અધિસીમ કૃષ્ણ અને બાર્હદ્રથ વંશમાં સેનજિત રાજ્ય કરતો હતો.

હરિપ્રસાદ ગં. શાસ્ત્રી